National

દિલ્હી: બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ શાળાને ખાલી કરાવવામાં આવી

નવી દિલ્હી: દિલ્હીની (Delhi) એક શાળામાં (School) બોમ્બની ધમકીનો (Bomb threat) ઈમેલ (Email) મળ્યો છે. ધમકીભર્યા ઈમેલ બાદ ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારની શાળામાં ખળભળાટ મચી ગયો હતો અને શાળાને ઉતાવળમાં ખાલી કરાવવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની (Bomb Disposal Squad) ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર શાળાને દિલ્હીના ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઇન્ડિયન સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો છે. આ ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે શાળામાં બોમ્બ છે. આ અંગે બીઆરટી રોડના બ્રિજેશ દ્વારા શાળાને ઈમેલ મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ઈમેલ આજે સવારે 10.49 વાગ્યે મળ્યો હતો. બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યા બાદ, શાળાને ઝડપથી ખાલી કરાવવામાં આવી હતી અને બાળકોને રમતના ગ્રાઉન્ડ પર મોકલી આપવામાં આવ્યા હતા ત્યાર બાદ તેઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ ઈમેલ પછી તરત જ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને સ્થળ પર બોલાવવામાં આવી હતી, થોડી જ વારમાં ટુકડી શાળામાં પહોંચી ગઈ હતી અને સમગ્ર શાળાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર બોમ્બ સ્ક્વોડે તાત્કાલિક ચેકિંગ ચાલી કર્યું હતું. આ દરમિયાન દિલ્હી પોલીસની SWAT ટીમ પણ સ્કૂલ પહોંચી ગઈ છે. અત્યાર સુધીના ચેકિંગમાં કંઈ મળ્યું નથી. પ્રિન્સિપાલે તમામ વિદ્યાર્થીઓને રમતના મેદાનમાં આવવાની જાહેરાત કરી, ત્યારબાદ બાળકો લગભગ 2 કલાક જમીન પર બેસી રહ્યા હતા. શાળાની એક વિદ્યાર્થીનીએ પણ જણાવ્યું કે દરેકને રમતના મેદાનમાં લઈ જવામાં આવ્યા હતા.

વર્ષ 2022માં પણ ધમકી મળી હતી
આ પહેલા નવેમ્બર 2022માં પણ દિલ્હીની શાળામાં બોમ્બ વિસ્ફોટ કરવાનો ઈમેલ મળ્યો હતો. સ્કૂલને મેઈલ મળતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી, ત્યારબાદ બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સાવચેતીને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ આખા કેમ્પસને ખાલી કરાવવામાં આવ્યું હતું. જે બાદ એન્ટી બોમ્બ સ્ક્વોડે તેનું ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે, શાળામાંથી કોઈ બોમ્બ મળ્યો ન હતો. દક્ષિણ જિલ્લાના ડીસીપીએ કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે આ કોની તોફાન છે.

Most Popular

To Top