World

ત્રણ વર્ષની બાળકીને મૃત જાહેર કરવામાં આવી, અંતિમ સંસ્કારમાં ફરી જીવિત થઈ અને પછી ફરીથી મૃત્યુ પામી

નવી દિલ્હી: ત્રણ વર્ષની છોકરીને પહેલા મૃત (Death) જાહેર કરવામાં આવી હતી, અને તે અંતિમ સંસ્કાર સમયે જીવિત થઈ હતી અને થોડા કલાકો પછી ફરીથી મૃત્યુ પામી હતી. આ ચોંકાવનારો કિસ્સો મેક્સિકોનો છે. ડોક્ટરોએ (Doctor) ભૂલથી બાળકીને મૃત જાહેર કરી દીધી હતી. પરંતુ જ્યારે તેણીને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી ત્યારે તે જીવિત થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ આ ઘટના 17 ઓગસ્ટે મેક્સિકોના વિલા ડી રામોસમાં બની હતી. બાળકીની માતાએ સ્થાનિક હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. મૃત્કની માતાએ જણાવ્યું કે હોસ્પિટલે (Hospital) તેમને કહ્યું હતું કે તેઓની બાળકીનું મૃત્યુ થયું છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે બાળકીને પેટમાં દુ:ખાવો, ઉલ્ટી અને તાવના લક્ષણો જણાતાં પરિવાર તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો. સ્થાનિક બાળરોગ ચિકિત્સકે બાળકીની માતાને તેને મોટી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. પરંતુ તે જ સમયે, ત્રણ વર્ષની બાળકીને ડિસ્ચાર્જ કરતી વખતે ડૉક્ટરે પેરાસિટામોલનું પ્રિસ્ક્રિપ્શન પણ આપ્યું હતું. માતાએ જણાવ્યું કે આ પછી બાળકીની હાલત વધુ ગંભીર થઈ રહી હતી, ત્યારબાદ તે તેને બીજા ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ડૉક્ટરે બીજી દવા આપી અને માતાને બાળકને ફળ અને પાણી આપવા કહ્યું હતું. જો કે, બાળકીના સ્વાસ્થયમાં કોઈ સુધાર જોવા મળ્યો ન હતો જેના પછી પરિવારે બાળકીને હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ હોસ્પિટલના સ્ટાફે બાળકીને ઓક્સિજન આપવામાં ઘણો સમય લીધો હતો. આ ઉપરાંત બાળકીના નસમાં ઈંજેકશન આપ્યાના 10 મિનિટ પછી, ડૉક્ટરોએ તેણીની માતાને કહ્યું કે તેઓ તેને બચાવી શકયા નહીં. જો કે ડોક્ટરોએ બાળકીના મૃત્યુનું સત્તાવાર કારણ ડિહાઇડ્રેશનને જણાવ્યું હતું.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે બીજા દિવસે જ્યારે બાળકીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તે સમયે બાળકીની માતાએ જોયું કે તેમની પુત્રીના શબપેટી પર કાચની પેનલ રહસ્યમય રીતે વરાળમાં થીજી ગઈ હતી. તેઓને શક ગયો કે અંદર બાળકીના શ્વાસ ચાલું છે. તેઓએ આસપાસના તમામ લોકોને આ વાત જણાવી તો ત્યાં હાજર લોકોએ તેની વાતને ફગાવી દીધી અને કહ્યું કે માતા હોવાના કારણે તે પોતાના બાળકનું મૃત્યુ સહન કરી શકતી નથી, તેથી તે આવું બોલી રહી છે. પરંતુ બાળકીની દાદીએ તેની આંખોને ફરતી જોઈ અને શબપેટી ખોલી અને જોયું તો તેની નાડી ચાલી રહી હતી.

મળતી માહિતી મુજબ છોકરીને ફરીથી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ફરીથી મૃત જાહેર કરી હતી. જો કે આ વખતે ડોકટરે મૃત્યુનું કારણ મગજમાં સોજો હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top