Business

પ્રિય સન્નારી

આપણે કબૂલીએ કે ન કબૂલીએ પણ એ  હકીકત છે કે માતાની સરખામણીએ પિતાને અન્યાય થાય છે કારણ કે બાળકના ઉછેરમાં માતા-પિતાની જુદી પરંતુ મહÖત્ત્વની અને પૂરક ભૂમિકા છે. પિતા હિંમત અને સલામતીનું અડીખમ છત્ર છે. ઘરનું આકાશ છે. એમનો પ્રેમ અવ્યક્ત છે. બેમાંથી એકનું છત્ર ગુમાવવાનું બાળકને નહીં પરવડે. એમના વ્યક્તિત્વમાં એક અદૃશ્ય ખાલીપો અને ખામી રહી જાય છે પરંતુ મૃત્યુ અને વધી રહેલાં ડિવોર્સને કારણે સિંગલ પેરન્ટસની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. યુ.એન.ના રીપોર્ટ મુજબ વિશ્વમાં સિંગલ પેરન્ટસમાં 84.3 ટકા સિંગલ મધર છે. પ્રાય: કોર્ટ પણ ડિવોર્સ સમયે કસ્ટડી માતાને સોંપે છે કારણ કે સિંગલ ફાધર કરતાં સિંગલ મધર વધુ સફળ નીવડે છે. સિંગલ ફાધરે બાળકના ઉછેર માટે વધુ મહેનત કરવી પડે છે. થોડા ઋજુ, સ્ત્રૈણ, નિયમબદ્ધ, આંતર સૂઝવાળું બનવું પડે છે. માતા જેટલી ફૂલટાઈમ એનર્જી અને એટેન્શન માટે પુરુષે સાધના કરવી પડે. યુવાન દીકરી સાથે બોયફ્રેન્ડ કે મેન્સીસની વાત કરતાં કે દીકરા સાથે હોર્મોનલ ચેન્જની વાત કરતાં સંકોચ જન્મે છે. જયારે માતા આંખના ઇશારે ઘણું સમજાવી શકે છે. સિંગલ ફાધર પોતાનાં સંતાનોને શ્રેષ્ઠ આપવામાં જાત ઘસી નાંખે છે છતાં અપવાદરૂપ કિસ્સાઓ સિવાય સિંગલ ફાધર સંપૂર્ણ સફળ નીવડી શકતા નથી.

સામાન્ય રીતે સિંગલ મધરનાં બાળકો આર્થિક અસલામતી અનુભવે છે. છતાં માતા પેટે પાટા બાંધીને પણ બાળકને ઉછેરે છે અને બાળકને પૂરેપૂરી ઇમોશનલ સિકયોરીટી આપે છે પછી એ માતા અભણ હોય કે ભણેલી. સિંગલ મધરના અનેક પડકાર હોવા છતાં સમાજ સિંગલ મધર માટે જજમેન્ટલ બને છે એટલો સિંગલ ફાધર માટે નથી બનતો. સિંગલ ફાધર અને એનાં સંતાનો માટે એક સહાનુભૂતિ જોવા મળે છે. નમાયાં બાળકો કરતાં નબાપા બાળકો પ્રત્યે વધારે સહાનુભૂતિ, કરુણા ઉપજે છે કારણ કે સિંગલ મધરની આંતરિક શક્તિનો પરચો વારંવાર જોવા મળતો હોય છે.

સિંગલ ફાધર જવાબદારી આવતાં રાતોરાત ઘર-પરિવાર, રસોઇ તથા અન્ય કામકાજની ગુત્થી ઉકેલતા શીખી શકતા નથી. વળી, પુરુષ પાસે બાળઉછેર અગણિત ધીરજ માંગે છે એ જ રીતે મુશ્કેલીઓ સામે બાથ ભીડવાની તથા હિંમતથી રસ્તો કાઢવાની કુનેહ સ્ત્રી પાસે વધારે છે તેથી તે તૂટે કે પડે તો પણ ઝડપથી ઊભી થઈ શકે છે.

બીજું, સ્ત્રીમાં સંવાદ સાધવાની અને બાળકના મનને સરળતાથી વાંચવાની આવડત છે. કમ્યુનિકેશન સ્કીલ્સ ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ લાવી શકે છે. પિતા તરીકે પુરુષને આ કમી નડે છે. એ જ રીતે બીજાના હૃદયને આંખોથી વાંચવાની કળા પણ એની પાસે નથી તેથી જે આત્મીયતા-સંવાદિતા- હૃદયપ્રવેશ સ્ત્રી સાધી શકે છે, જે સરળતાથી સ્ત્રી હૃદયપ્રવેશ કરી શકે છે એ સરળતાથી પુરુષ નથી કરી શકતો. વળી, પુરુષનું જોડાણ બાહ્ય જગત સાથે વધુ છે. પાર્ટી-કલબ-ફ્રેન્ડઝ- સ્પોર્ટસ વગેરેને એ લાંબા સમય સુધી અવોઇડ નથી કરી શકતો જયારે બાળક માટે ઘણી વાર આ બધું છોડવું પડે છે. સામે છેડે સ્ત્રી બાળક માટે એનાં શોખ, મિત્ર-કિટી બધું એક ઝાટકે ખંખેરી શકે છે. જે સિંગલ મધરને વધારે સફળ બનાવે છે. આ જ રીતે સ્ત્રીનો મલ્ટી ટાસ્કીંગનો ગુણ પણ એને સફળ સિંગલ મધર થવામાં મદદ કરે છે.

અંતમાં રજનીશના વિચારોને આ  સંદર્ભમાં જોઇએ તો કોઇ એમ નહીં કહી શકે કે પુરુષ પિતા ન બને ત્યાં સુધી પૂર્ણતા ન પામે. કંઇ પણ ગુમાવ્યા વિના પુરુષ પિતા બન્યા વગર રહી શકે છે પણ સ્ત્રી કંઇક ગુમાવે છે કારણ કે તેની પૂરી સર્જનાત્મકતા, તેની કાર્યાત્મકતા ત્યારે જ દેખાય છે જયારે તે માતા બને છે. મે બી આ જ કારણસર સિંગલ મધર પણ વધારે સક્ષમ અને સફળ બનતી હશે. પરંતુ આજની નવી પેઢીનો પુરુષ સકસેસફુલ સિંગલ ફાધર બનવા માટે દિલથી પ્રયત્ન કરી રહ્યો છે અને એનામાં માતૃત્વના ગુણો પણ વિકસાવી રહ્યો છે. એવા દરેક પિતાને હૃદયપૂર્વકની  શુભેચ્છાઓ.

                              -સંપાદક

Most Popular

To Top