Columns

ઈન્ટરનેટમાં ભારતીય ભાષાઓમાં માહિતી 58% વધી

વિશ્વની વસતિ 800 કરોડને પાર થઈ ગઈ છે. એમાંથી 650 કરોડ મોબાઈલ યુઝર્સ છે. સ્માર્ટફોન યુઝર્સનો આંકડો પણ 500 કરોડને પાર પહોંચી ગયાનો અંદાજ છે. મોબાઈલ ઈન્ટરનેટ યુઝર્સ 430 કરોડ કરતાં વધારે છે. ચીનની 142 કરોડની વસતિમાંથી 100 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. 85 કરોડ યુઝર્સ સાથે ભારત બીજા ક્રમે છે. ભારતમાં મોબાઈલ યુઝર્સ સતત વધતા જાય છે અને યુવાનોની સંખ્યા 50 કરોડ કરતાં વધુ હોવાથી ભારત વિશ્વમાં સ્માર્ટફોનનું સૌથી વિશાળ માર્કેટ છે. થોડાં વર્ષો પહેલાં 2-4 કંપનીઓ મોબાઈલ ડિવાઈસમાં ભારતની ભાષાઓ વાંચી શકાય એવી સુવિધા આપતી હતી. માત્ર વાંચી શકાય એવી, લખી શકાય એવા ડિવાઈસ તો માર્કેટમાં શોધવા પડતા હતા. હવે દરેક મોબાઈલ ઉત્પાદક કંપની માત્ર રાજભાષા હિન્દી જ નહીં, ભારતની બધી જ માન્ય ભાષાઓનું કિબોર્ડ સુદ્ધાં આપે છે.

2008-10 આસપાસ મોબાઈલ ફોનમાં હિન્દીભાષા સપૉર્ટ થતી ત્યારે ભાષાપ્રેમીઓનું હૈયું હરખાઈ ગયું હતું. વિદેશી કંપનીઓ માટે ત્યારે ભાષા કે વધુ સુવિધા જેવા ફેક્ટર્સ કામ કરતાં ન હતાં. માર્કેટમાં સ્પર્ધા ઓછી હતી એટલે મોનોપોલી ભોગવતી કંપનીઓ મોબાઈલના નામે જે આપે એ લઈ લેવાના દિવસો હતા. મોબાઈલના માર્કેટમાં સ્પર્ધા જામે ત્યાં સુધી ભારતના યુઝર્સે ધીરજ રાખવાની હતી અને એ ધીરજનું ફળ 2013-14 પછી મળવા લાગ્યું. મોબાઈલ કંપનીઓ વચ્ચે ભારતનું માર્કેટ સર કરવાની હોડ જામી હતી અને એમાં હિન્દી સિવાયની ભાષાઓ માર્કેટિંગ ફિચરના ભાગરૂપે સપૉર્ટ થવા લાગી હતી. ભારતના ગ્રાહકોએ હિન્દી સિવાયની ભાષાની ડિમાન્ડ નહોતી કરી પણ કંપનીઓએ રાજ્યોના માર્કેટ પ્રમાણે એક પછી એક ભાષાઓ ઉમેરવા માંડી. ભાષા ઉમેરાતી ગઈ પછી ગ્રાહકોમાં ય એની ડિમાન્ડ થવા લાગી.

આમ તો હજુ હમણાં સુધી સ્થાનિક ભાષા સપૉર્ટ થતી હોય તો જ મોબાઈલ ખરીદે એવી ડિમાન્ડ કરનારા ગ્રાહકો બહુ ઓછા હતા પણ સોશ્યલ મીડિયાનું મોજું ફરી વળ્યું પછી ગુજરાતી-મરાઠી-બંગાળી જેવી ભારતીય ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન ઉપલબ્ધ થવા લાગ્યા એ પછીના વર્ષમાં સ્થિતિ સદંતર બદલાઈ છે. કેન્દ્ર સરકારે 2016 માં એવી જાહેરાત કરી હતી કે 1 જુલાઈ, 2017 પછી દેશના માર્કેટમાં પ્રવેશ કરનારી કોઈ પણ મોબાઈલ ઉત્પાદક કંપનીએ ભારતની બધી જ સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન જ ઉપલબ્ધ બનાવવા પડશે. તે પછી તમામ કંપનીઓ માટે ભારતીય ભાષા સપોર્ટ થાય એવા ડિવાઈસ બનાવવા અનિવાર્ય હતા. આ ભારતના વધતા ઈન્ટરનેટ યુઝર્સનો પ્રભાવ છે. તેના કારણે ઈન્ટરનેટ યુઝર્સમાં ભારતીય ભાષાઓનો ટ્રેન્ડ વધ્યો.

ભારતની સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોનનું પ્રમાણ વધ્યું એ પાછળ ફેસબુક અને વોટ્સએપની લોકપ્રિયતાનો પણ ફાળો ખરો. આ બંનેમાં હિન્દી સિવાયની ભાષાઓમાં વિચારો વ્યક્ત થવા લાગ્યા એટલે ગ્રાહકોમાં ય પ્રાદેશિક ભાષા સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન ખરીદવાનું વલણ વધ્યું. આજે દરેક રાજ્યોમાં માતૃભાષામાં વાચનસામગ્રી ફરવા લાગી છે. ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો સ્માર્ટફોન ગુજરાતી કન્ટેન્ટથી ઉભરાવા લાગ્યા છે. ભારતમાં લગભગ દરેક પ્રાદેશિક ભાષામાં એ જ સ્થિતિ છે, છતાં સવાલ હજુય એ છે કે ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષામાં કેટલી વાચનસામગ્રી ઉપલબ્ધ હશે?

ભારતની સત્તાવાર ભાષામાં કુલ કેટલું કન્ટેન્ટ અવેલેબલ છે તેનું એક રસપ્રદ સંશોધન ગૂગલ સાથે મળીને પ્રોફેશનલ સર્વિસ કંપની KPMGએ હાથ ધર્યું હતું. એનું તારણ એ આવ્યું કે ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ કુલ સામગ્રી સાથે આપણી 22 સત્તાવાર ભાષાઓમાં અવેલેબલ કન્ટેન્ટની તુલના થાય તો એ માત્ર 0.01 % જેટલું છે. બીજા શબ્દોમાં કહીએ તો આ સામગ્રી ઈન્ટરનેટના મહાસાગરમાં એક બુંદ જેટલી ગણાય! અંગ્રેજીમાં તો ઈન્ટરનેટ ઉપર જ્ઞાનનો ખજાનો છે જ છે પરંતુ રશિયન, જર્મન, જાપાનીઝ, સ્પેનીશ, ફ્રેન્ચ, ચાઈનીઝ, પોર્ટુગીઝ, ઈટાલીયન, પોલીશ અને ટર્કીશ ભાષા અંગ્રેજી સિવાય ટોપ-10ના લિસ્ટમાં છે. 60 % સાથે અંગ્રેજી સામગ્રી સૌથી વધુ છે.

એ પછી 6.6 % સાથે રશિયન ભાષા બીજા, 5.6 % જાપાનીઝ અને જર્મન ત્રીજા, 5.1 % સ્પેનીશ ચોથા અને 4.1 સાથે ફ્રેન્ચ પાંચમા ક્રમે છે. ભારતની પ્રાદેશિક ભાષા તો ઠીક હિન્દી ભાષા આ યાદીમાં ટોપ-40માં પણ નથી. વિશ્વમાં 30 કરોડ કરતાં વધુ લોકો હિન્દીભાષા જાણે છે, છતાં ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ સામગ્રી 0.1 % પણ નથી. જો 0.1 % સામગ્રી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય તો હિન્દીનો સમાવેશ ટોપ-30 માં થાત!

અત્યારે ભારતીય ભાષાઓની ઈન્ટરનેટ ઉપર ભલે આ સ્થિતિ છે, પરંતુ ગૂગલના અહેવાલમાં એવી ધારણા વ્યક્ત થઈ છે કે ઈન્ટરનેટ ઉપર આગામી સમય ભારતીય ભાષાઓનો હશે. 2011 માં ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાના માત્ર 4 કરોડ યુઝર્સ હતાં. એ સિવાયના યુઝર્સ અંગ્રેજી ઉપર આધાર રાખતાં હતાં. સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થવા લાગી પછી સ્થિતિ બદલાઈ છે. 2016 માં ભારતીય ભાષા ઉપર આધાર રાખતા હોય એવા યુઝર્સની સંખ્યા વધીને 24 કરોડ થઈ ગઈ હતી.

2021 સુધીમાં અંગ્રેજીને બદલે ભારતીય ભાષાની સામગ્રી ઉપર જ આધાર રાખતા યુઝર્સનો આંકડો 50 કરોડને પાર થયો હતો. માત્ર 10 વર્ષમાં ભારતીય ભાષાની સામગ્રી જોતા યુઝર્સનો આંકડો 4 કરોડથી વધીને 50 કરોડ થયો છે અને 2025 સુધીમાં ભારતીય ભાષાની સામગ્રી પર આધાર રાખતા યુઝર્સ 70 કરોડ થઈ જાય એવી ધારણા છે. આમાં ગુજરાતી યુઝર્સની સંખ્યા નોંધપાત્ર છે. 2021 માં ઈન્ટરનેટ ઉપર ગુજરાતી ભાષા ઉપર આધાર રાખતા યુઝર્સની સંખ્યા 2.6 કરોડ હતી. 21 કરોડ યુઝર્સ સાથે ભારતીય ભાષાઓમાં હિન્દી પ્રથમ નંબરે છે.

એ પછી 5.1 કરોડ યુઝર્સ સાથે મરાઠી બીજાં ક્રમે, 4.2 કરોડ સાથે બંગાળી ત્રીજા ક્રમે, 3.2 કરોડ સાથે તમિલ ચોથા અને 3.1 કરોડ વપરાશકર્તા સાથે તેલુગુ પાંચમા ક્રમે છે. ગુજરાતી છઠ્ઠું સ્થાન શોભાવે છે.ગૂગલના લેટેસ્ટ અહેવાલમાં કહેવાયું છે કે ભારતના કુલ યુઝર્સમાંથી 90 % યુઝર્સ સૌથી પહેલાં પ્રાદેશિક ભાષામાં સામગ્રી મેળવવાનું, વાંચવાનું કે લખવાનું પસંદ કરે છે. યુટ્યૂબમાં પણ વોઈસ કમાન્ડથી પ્રાદેશિક ભાષામાં સર્ચ કરવાનું વધતું જાય છે. ભારતીય ભાષામાં માહિતીનો ભંડાર વધ્યો છે. 2011માં ભારતીય ભાષામાં જે માહિતી હતી, એમાં પણ 2021 સુધીમાં 58 %નો વધારો થયો છે.
હરિત મુનશી

Most Popular

To Top