Business

દહીંહાંડીની ઉજવણી બની મોતનું કારણ, મહારાષ્ટ્રમાં 2ના મોત અને 212 ગોવિંદા ઘાયલ

મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલી દહીંહાંડીની ઉજવણી દરમિયાન અલગ-અલગ અકસ્માતોમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે મુંબઈ અને થાણેમાં માનવ પિરામિડ બનાવતી વખતે 212 ગોવિંદા ઘાયલ થયા છે. ઘાયલોમાં મુંબઈના 168 અને થાણેના 44 ગોવિંદાનો સમાવેશ થાય છે.

મુંબઈમાં 7 વર્ષના બાળકનું મોત

મુંબઈના માલવણી વિસ્તારમાં આવેલા ચિકુવાડીની એકતા વેલફેર સોસાયટીમાં શનિવારે બપોરે લગભગ 3 વાગ્યે અકસ્માત થયો હતો. અહીં બાળકો પોતાના સ્તરે દહીંહાંડીની ઉજવણી કરી રહ્યા હતા. બાળકોએ દહીંહાંડી બાંધેલી દોરીનો એક છેડો ઝાડ સાથે અને બીજો છેડો ગ્રાઉન્ડ ફ્લોરના એક ઈંટના થાંભલા સાથે બાંધ્યો હતો. બાળકો દહીંહાંડી તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે થાંભલો અચાનક ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં 7 વર્ષનો રુદ્ર કદમ કાટમાળ નીચે દબાઈ ગયો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આસપાસના લોકોએ તરત જ તેને બહાર કાઢ્યો અને માલવણી જનરલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત બાદ વોર્ડ સ્ટાફ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પુણેમાં લોખંડનું માળખું પડતાં મહિલાનું મોત

પુણેના પિમ્પરી-ચિંચવડના ઓલ્ડ સાંગવી વિસ્તારમાં પણ દહીંહાંડી કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના બની હતી. અહીં 5 સપ્ટેમ્બરની રાત્રે લાઉડસ્પીકર ગોઠવવા માટે બનાવવામાં આવેલા અસ્થાયી લોખંડના માળખાનો ભારે ભાગ મહિલા પર પડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વિઘ્નહર્તા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ પૂરો થયા બાદ કામદારો લોખંડનું માળખું હટાવી રહ્યા હતા. આ દરમિયાન તેનો ભારે ભાગ સલમા સલાઉદ્દીન પઠાણ પર પડ્યો હતો. માથામાં ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક મહિલાનો પુત્ર આયોજક મંડળનો હોદ્દેદાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. પરિવારજનોએ આયોજકો સામે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મૃત્યુનો અહેવાલ નોંધીને લોખંડનું માળખું કેવી રીતે પડ્યું તેની તપાસ શરૂ કરી છે.

મુંબઈમાં 168 ગોવિંદા ઘાયલ

મુંબઈમાં વિવિધ સરકારી અને બીએમસી સંચાલિત હોસ્પિટલોમાં શનિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 168 ગોવિંદાની ઈજાની માહિતી મળી હતી. આમાંથી 29 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, 81 લોકોની સારવાર ચાલી રહી હતી, જ્યારે 58 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ પ્રમાણે જોવામાં આવે તો પરેલની કેઈએમ હોસ્પિટલમાં સૌથી વધુ 33 ગોવિંદા પહોંચ્યા હતા. ત્યારબાદ ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં 20 અને બોમ્બે સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં 17 ઘાયલો પહોંચ્યા હતા. થાણેમાં પણ દહીંહાંડી દરમિયાન 44 ગોવિંદાને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલોને પહેલેથી તૈયાર રાખવામાં આવી હતી

મુંબઈમાં મોટી સંખ્યામાં લોકો દહીંહાંડીની ઉજવણીમાં જોડાવાના હોવાથી બીએમસીએ શહેર અને ઉપનગરોની સિવિક હોસ્પિટલોમાં 100થી વધુ બેડ તૈયાર રાખ્યા હતા. હેલ્થ ઓફિસરો અને સ્ટાફને 3 શિફ્ટમાં તૈનાત કરવામાં આવ્યા હતા. હોસ્પિટલોમાં ઈન્જેક્શન, દવાઓ અને સર્જિકલ સામગ્રીનો પૂરતો જથ્થો રાખવાની સૂચના પણ આપવામાં આવી હતી.

સલામતીને લઈને અપીલ

થાણેમાં દહીંહાંડી કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગોવિંદાઓને રેકોર્ડ ઊંચાઈના માનવ પિરામિડ કરતાં સલામતીને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના વરલી, દાદર અને ઘાટકોપરમાં દહીંહાંડી કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ કરી હતી અને દહીંહાંડીની ઉજવણીને મહારાષ્ટ્રની પરંપરા, યુવાનોની હિંમત અને ટીમવર્ક સાથે જોડીને જોઈ હતી. દરમિયાન પુણેમાં મોટા અવાજવાળા લાઉડસ્પીકરને લઈને ચર્ચા વચ્ચે શહેરના 31 મોટા ગણપતિ મંડળોએ ‘ડિજે઼-ફ્રી’ દહીંહાંડીની ઉજવણી પણ કરી હતી. આ મુદ્દો હવે આગામી ગણેશોત્સવ દરમિયાન પણ ચર્ચામાં રહે તેવી શક્યતા છે.

Most Popular

To Top