Gujarat

દાદાએ ગાંધીનગરથી 201 નવીન એસટી બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

ગાંધીનગર : આજે ગાંધીનગરમાં (Gandhinagar) રામકથા મેદાન ખાતેથી પ્રજાજનોની પરિવહન સેવામાં 201 નવીન બસોને (Bus) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પણ ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી તથા હર્ષ સંઘવીએ સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી.

  • 170 સુપર એક્સપ્રેસ અને 21 સ્લીપરકોચ મળી કુલ 201 નવીન બસો ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોના લોકોને સેવાઓ પૂરી પાડશે
  • આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય અને છેવાડાના પ્રજાજનો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવા અને તેમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 અને 2023-24માં મળી કુલ 2812 જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન છે. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 21 સ્લીપરકોચ મળી કુલ 201 નવીન બસોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ બસો 33 જિલ્લાના 78 ડેપો દ્વારા 125 વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા દરરોજ 8000થી વધુ બસોથી રાજ્યમાં કુલ 33 લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરી, 25 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વાર-તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ દોડાવવામાં આવે છે.

Most Popular

To Top