National

દેશમાં 70 સરકારી, 500 પ્રાઇવેટ વેબસાઈટ પર સાયબર હુમલો, તાબડતોડ રિસ્ટોર કરાઈ

નવી દિલ્હી: દેશમાં મંગળવારે મોટો સાયબર હુમલો (Cyber Attack) થયો હતો. દેશની 500થી વધુ વેબસાઈટ (Website) હેક (Hack) કરવામાં આવી છે. જેમાં 70 જેટલી સરકારી વેબસાઈટ (Government Website) પર સાયબર એટેક કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની થાણે પોલીસની સાઇટ સહિત 50 વેબસાઇટનો સમાવેશ થાય છે. જેમાંથી મહારાષ્ટ્રની ત્રણ સરકારી વેબસાઈટ છે. આ કેસમાં મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના સાઇબર સેલના એડીજી મધુકર પાંડેએ જણાવ્યું કે હેકર્સ દ્વારા સરકારને મેસેજ લખવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે ‘જ્યારે પૈગંબરનું અપમાન થાય છે તો અમે હાથ પર હાથ ધરીને બેસી ન શકીએ. હેલો ભારતીય સરકાર, બધાને હેલો. વારંવાર તમને લોકોને ઇસ્લામ ધર્મથી સમસ્યા થાય છે. તમારે જલદીથી જલદી દુનિયાના તમામ મુસ્લિમો પાસે માંફી માંગવી જોઇએ. જ્યારે અમારા પૈંગબરનું અપમાન થઇ રહ્યું છે તો અમે હાથ પર હાથ ધરીને બેસી ન શકીએ. 

મહારાષ્ટ્ર સાયબર સેલના એડીજી મધુકર પાંડેએ કહ્યું કે અમે ઘણી વેબસાઈટ રિસ્ટોર કરી છે. ઘણા લોકો માટે પુનઃસ્થાપન કાર્ય ચાલી રહ્યું છે. ખાનગી યુનિવર્સિટીઓની વેબસાઈટ હેક કર્યા બાદ રાજ્યની 50થી વધુ વેબસાઈટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આમાંથી ત્રણ સરકારી વેબસાઈટ હતી. દેશમાં સરકારી અને ખાનગી મળીને હેક થયેલી વેબસાઇટ્સની સંખ્યા 500થી વધુ છે.

ADG પાંડેએ કહ્યું કે દેશમાં ચાલી રહેલા સાંપ્રદાયિક તણાવ વચ્ચે ઘણા સાયબર હેકર્સે સાથે મળીને આ હુમલો કર્યો હોવાનું અનુમાન છે. દેશમાં ઘણી વેબસાઇટ હેક કરવામાં આવી છે. આ કેસમાં બે દેશો મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સના નામ સામે આવી રહ્યા છે. આ ગેંગ ભારતમાં સક્રિય છે કે નહીં તે અંગે અમને હજુ સુધી માહિતી મળી નથી.

ઉલ્લેખનીય છે કે અલ-કાયદાની ધમકીઓ પછી, હવે સસ્પેન્ડ કરાયેલા ભાજપના પ્રવક્તા નુપુર શર્મા દ્વારા મુહમ્મદ પયગંબરની વિરુદ્ધની ટિપ્પણીઓને કારણે ભારતીય વેબસાઇટ્સ, સરકારી અને ખાનગી બંને પર ઘણા સાયબર હુમલાઓ થવાની આશંકા હતી. ડ્રેગન ફોર્સ, મલેશિયાના હેકટીવિસ્ટ જૂથે વિશ્વભરના હેકરોને સાયબર હુમલાઓ વડે ભારત સરકારની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. 10 જૂનના રોજ, જૂથે તેના ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા તેનો ઇરાદો વ્યક્ત કર્યો, આ પગલાને તેઓએ “વિશેષ કામગીરી” તરીકે ગણાવી હતી.

ડ્રેગન ફોર્સે ભારતમાં વિવિધ વેબસાઇટ્સ અને વિભાગોના ભંગનો દાવો કર્યો છે તેના અનેક ઉદાહરણો પોસ્ટ કર્યા છે. કંપની ભારતમાં હોસ્ટનેટ ઈન્ડિયા નામની લોકપ્રિય વેબ હોસ્ટિંગ કંપનીની સેવાઓને હટાવી લેવાનો દાવો કરે છે, જેના કારણે ઘણી કંપનીઓની વેબસાઈટ નીચે લાવવામાં આવી છે. આમાંની કેટલીક વેબસાઇટ્સમાં નાગપુરની ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. મોટાભાગે મહારાષ્ટ્રમાંથી સાઇટ્સ હેક કરવામાં આવી હતી.

થાણે પોલીસના ડીસીપી સાયબર સેલ સુનીલ લોખંડેએ જણાવ્યું કે પોલીસ વિભાગની વેબસાઈટ આજે સવારે લગભગ 4 વાગે હેક કરવામાં આવી હતી. ટેકનિકલ નિષ્ણાતો ડેટા અને વેબસાઇટ પુનઃસ્થાપિત કરી રહ્યાં છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે રાજ્યના સાયબર સેલને સરકારી વેબસાઇટ અને અન્ય હેકિંગની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. થાણે પોલીસની વેબસાઈટ હેક કરવા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top