National

સરકારનો મોટો નિર્ણય: ઓક્સિજન અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ પર 3 મહિના માટે કસ્ટમ ડ્યૂટી હટાવી

નવી દિલ્હી: (Delhi) ઓક્સિજનની આપૂર્તિ વધારવાના ઉપાયો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોવિડ વેક્સીન, ઓક્સિજન (Oxygen) અને ઓક્સિજન સંબંધી ઇક્વિપમેન્ટ પર બેસિક કસ્ટમ ડ્યૂટીથી (Custom Duty) ત્રણ મહિના સુધી છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે એ બાબત પર ભાર આપ્યો કે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો પુરવઠો વધારવાની સાથે સાથે ઘર અને હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. PM મોદીએ મહેસૂલ વિભાગને આ પ્રકારનાં સાધનોની આયાત પર વહેલી તકે કસ્ટમ ક્લિયરન્સ આપવાની સૂચના આપી હતી, સાથે એ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે કોરોના વેક્સિનની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટીને 3 મહિના માટે સમાપ્ત કરી દેવામાં આવે.

વડાપ્રધાને ઓક્સિજન અને તબીબી સપ્લાઇની ઉપલબ્ધતા માટે તમામ મંત્રાલયો અને વિભાગો સાથે સંકલન સાથે કામ કરવા પર ભાર મૂક્યો હતો. એમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 3 મહિના સુધી ઓક્સિજન સાથે જોડાયેલી સાધનોની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસ નહીં લગાવવામાં આવે. પીએમ મોદીએ તે પણ કહ્યું કે, બધા મંત્રાલયો અને વિભાગોએ એક સાથે મળી દેશમાં ઓક્સિજન અને મેડિકલ સપ્લાઈ વધારવા માટે કામ કરવાની જરૂર છે. બેઠક દરમિયાન પીએમ મોદીએ મહેસૂલ વિભાગને નિર્દેશ આપ્યો કે વિભાગ કોવિડ વેક્સિન, ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સાધનોનું અવરોધ વગર અને જલદી કસ્ટમ ક્લિયરન્સ નક્કી કરે. 

ભારતમાં આ સમયે ઓક્સિજનની અછત સર્જાય છે. દિલ્હી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક જગ્યાએ દર્દીઓને ઓક્સિજન મળી રહ્યો નથી. જે દર્દી ઘર પર આઇસોલેટ છે, તેના માટે પણ ઓક્સિજન સિલિન્ડરોની કમી છે. ત્યાં સુધી કે હવે ઓક્સિજન કસન્ટ્રેટરની પણ કમી પેદા થઈ રહી છે. ઓક્સિજનની કમીને કારણે અનેક દર્દીઓના જીવ જઈ રહ્યાં છે અને ઘણાના જીવન પર સંકટ છવાયેલું છે. દેશના વિવિધ ભાગમાં ઓક્સિજનની અછત દૂર કરવા માટે સરકારે પ્રયાસો વધારી દીધા છે. 

આ પહેલાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્સિજન સપ્લાઇ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે રાજ્યોને કરવામાં આવી રહેલા ઓક્સિજન સપ્લાઇમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવવો જોઈએ. એક રાજ્યથી બીજા રાજ્યમાં ઓક્સિજન વહન કરતાં વાહનો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

Most Popular

To Top