Vadodara

છેડતી કેસની તપાસમાં બેદરકારી દાખવવા બદલ કોર્ટે પી.આઈ પી.એસ.ગઢવીને રૂ.10 હજારનો દંડ

નડિયાદ: નડિયાદ તાલુકાના કણજરી ગામની સ્કુલમાંથી સગીરવયની વિદ્યાર્થીનીને ઘરે લઈ જઈ બદકામ કરવાના ઈરાદે શારીરીક છેડતી કરનાર નરાધમ યુવકને કોર્ટે કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદ અને રૂ.7000 દંડનો હુકમ કર્યો છે. તદુપરાંત આ કેસની તપાસમાં બેદરકારી દાખવનાર પી.આઈ ગઢવીને પણ કોર્ટે રૂ.10,000 નો દંડ ફટકાર્યો છે.
નડિયાદ તાલુકાના કણજરી ગામમાં રેલ્વેફાટક પાસે આવેલ એકતાનગરમાં રહેતાં 21 વર્ષીય મોહસીનમીયાં રફીકમીયાં મલેકે તા.16-8-13 ના રોજ બપોરના સમયે સ્કુલમાંથી 14 વર્ષીય સગીરાને રીક્ષામાં બેસાડીને પોતાના ઘરે લઈ ગયો હતો. તે વખતે ઘરમાં કોઈ હાજર ન હોવાથી મોહસીનમીયાંએ એકલતાનો લાભ લઈ સગીરાં સાથે બદકામ કરવાના ઈરાદે છેડતી કરી હતી.

આ અંગે સગીરાના માવતરની ફરીયાદને આધારે પોલીસે ગુનો નોંધી, આરોપી મોહસીનમીયાંની ધરપકડ કરી હતી અને નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ નડિયાદના સ્પેશ્યલ પોક્સો જજ પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ પ્રેમ.આર.તિવારી તેમજ ફરીયાદી પક્ષના વકીલ અક્ષય આર.વ્યાસે દસ્તાવેજી પુરાવો રજુ કર્યાં હતાં. તેમજ ધારદાર દલીલો કરી હતી. જેને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે આરોપી મોહસીનમીયાં રફીકમીયાં મલેકને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.7000 ના દંડની હુકમ કર્યો છે. તદુપરાંત સમગ્ર કેસની તપાસમાં બેદરકારી દાખવવા બદલ અમલદાર (પી.આઈ) પી.એસ.ગઢવીને રૂ.10,000 ના દંડ ફટકાર્યો છે.

ઈ.પી.કો અને પોક્સો ગુનાની સજા અલગ-અલગ ભોગવવાનો ઉલ્લેખ
ખાસ કરીને ગુનેગારોને વિવિધ કલમો હેઠળ આપવામાં આવતી સજા એકસાથે ભોગવવાનો કોર્ટ દ્વારા ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. પરંતુ, આ કેસમાં કોર્ટે આરોપી મોહસીનમીયાં મલેકને ઈ.પી.કો કલમ અને પોક્સો એક્ટની કલમ હેઠળ મળેલી સજા અલગ-અલગ ભોગવવાનો ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ક્યાં ગુનામાં કેટલી સજા
ઈ.પી.કો કલમ 354 ના ગુનામાં બે વર્ષની સખત કેદની સજા અને રૂ.2000 દંડ, જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદ. પોક્સો એક્ટની કલમ 7 સાથે વાંચતા 8 ના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.5000 દંડ, જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદ.

ભોગ બનનાર સગીરાને વળતર પેટે દોઢ લાખ રૂપિયા મળશે
કોર્ટે આ કામના આરોપી મોહસીનમીયાં મલેકને ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ.50,000 ચુકવવા હુકમ કર્યો છે. આ ઉપરાંત સરકારના ગૃહ વિભાગના પરિપત્ર મુજબ ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ.1,00,000 ચુકવવાનો હુકમ કર્યો છે. આમ, સગીરાને વળતર પેટે દોઢ લાખ રૂપિયાની રકમ મળશે.

Most Popular

To Top