SURAT

સુરતનાં યુવકને પરિવારે દારૂ પીવાની ના પાડતા કફ સીરપનું સેવન કર્યું અને…

સુરત: છેલ્લા બે વર્ષથી સતત દારૂના (Alcohol) વ્યસનમાં રહેતા ડિંડોલીના યુવકને પરિવારજનો દારૂ માટે ના પાડતાં તેણે દારૂને બદલે કફ સીરપ (Cough syrup) લેવાનું શરૂ કર્યું હતું જેના ઓવરડોઝના કારણે તેનું મોત (Death) થઇ ગયું હતું.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં નવાગામ – ડિંડોલીરોડ ખાતે રહેતા 33 વર્ષીય વિજેન્દ્ર મોતીલાલ રાજપૂતને દારૂ પીવાની ટેવ પડી ગઇ હતી. છેલ્લા બે વર્ષથી તેઓ સતત દારૂ પી રહ્યાં હોવાથી પરિવારજનો તેને ટકોર કરતાં હતાં. જેથી તેણે દારૂ પીવાનું તો બંધ કરી દીધું હતું પરંતુ પરિવારજનોને ખબર નહીં પડે તે માટે કફ સીરપ કોરેક્સનું સેવન શરૂ કરી દીધું હતું. તે જુદા જુદા મેડિકલ સ્ટોર પરથી કોરેક્સ મેળવી સતત તેનું સેવન કરવા લાગ્યો હતો. જેના કારણે છેલ્લા એક અઠવાડિયાથી તેમની તબિયત લથડી ગઇ હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમની કિડની અને લિવર પર સોજો હોવાનું નિદાન થયું હતું.

રવિવારે તેમનું સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું. તેમના સંબંધી અનિલભાઈએ જણાવ્યું હતું કે વિજેન્દ્રભાઈના પિતા લકવાગ્રસ્ત છે અને માતા દસ દિવસ અગાઉ નીચે પડી ગયા જતાં જેને પગલે તેમને ઉધના ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વિજેન્દ્રભાઈને દારૂનું સતત સેવન હોવાથી તેમના લગ્ન પણ થયાં ન હતા. અને તે ઘરમાં બેકાર બેસી રહ્યો હતો. વિજેન્દ્રભાઈની બંને બહેનો પરણિત છે જેથી તેઓ ઘર માટે ખર્ચ મોકલી આપતી હતી.

ફેફસામાં દૂધ જવાથી પાંડેસરાની ત્રણ મહિનાની બાળકીનું મોત
સુરત : ત્રણ મહિના પહેલા ઘરમાં પહેલી દીકરીએ જન્મ લીધો હતો. જેની ખુશી માતમમાં છવાઇ ગઇ હતી. ફેફસામાં દૂધ જતાં પાંડેસરામાં બાળકીનું મોત નિપજ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ બિહારના વતની અને પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલા પુનિત નગરમાં રિતેશ યાદવ પરિવાર સાથે રહે છે. રિતેશભાઈ લગ્ન પ્રસંગમાં વેઇટરનું કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતા હતા. રિતેશભાઈના લગ્નને દોઢ વર્ષનો સમયગાળો વીત્યા બાદ ત્રણ મહિના પહેલા ઘરમાં અનારા નામની દીકરીનો જન્મ થયો હતો. અનારા પરિવાર માટે પહેલી દીકરી હોવાથી ખુશીનો માહોલ જામ્યો હતો. જે આજરોજ માતમમાં છવાઇ ગયો હતો. આજે સવારે અનારાની તબિયત ખરાબ થતાં પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ અનારાને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. અનારાના ફેફસામાં દૂધ જવાથી તેનુ મોત નિપજ્યું હોવાનું તેના પિતા રિતેશભાઈએ જણાવ્યું હતું. અનારાના મોતથી પરિવારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

Most Popular

To Top