Comments

કોરોનાના નામે રાજનીતી ત્યારબાદ લોકડાઉન પર અને હવે છેવટે વેક્સિન પર પણ રાજનીતિ

ભારતે હમણાં જ કોરોના વાયરસ આપતી એ રસીઓના તાકીદના ઉપયોગને અધિકૃતતા આપી છે. તેમાંની એક છે ‘કોવીશીલ્ડ’ અને બીજી છે ‘કોવાકસીન’.‘કોવીશીલ્ડ’ રસી બ્રિટનની ઓકસફર્ડ યુનિવર્સિટી અને સ્વીડીશ બ્રિટીશ પેઢી એસ્ટ્રાઝોનેકાની લેબોરેટરીમાં વિકસાવાઇ છે. ભારતમાં તેનું ઉત્પાદન પૂણેની સીરમ ઇન્સ્ટીટયૂટ કરી રહી છે. બંને રસીઓ ‘કોવીશીલ્ડ’ અને ‘કોવાકસીન’ બે ડોઝમાં આવવાની છે અને 2 થી 8 ડીગ્રી સેન્ટીગ્રેડના ઉષ્ણતામાને સાચવવાની છે. ભારતમાં તે કામ મુશ્કેલ નથી.

ફાઇઝર અને મોડર્ના દ્વારા વિકસાવાયેલી બીજી રસીની સમસ્યા એ છે કે તેને માટે ખાસ રેફ્રીજરેટરો/ ફ્રીઝરો જરૂરી બને છે. ફાઇઝરની રસીને માઇનસ 94 ડીગ્રીએ અને મોડર્નાની રસીને માઇનસ 4 ડીગ્રીએ.

‘કોવાકસીન’ ભારતની દવાની પેઢી ભારત બાયોટેક (હૈદ્રાબાદ)એ બનાવી છે. ‘કોવીશીલ્ડ’ મુખ્ય રસી બની રહેશે. તેની ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા થઇ ગયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચના સથવારે ‘કોવાકસીન’ની કિલનિકલ ટ્રાયલ ચાલે છે અને તેના પહેલો અને બીજો તબક્કો પૂરો થયો છે.

‘કોવાકસીન’ તાકીદની પરિસ્થિતિમાં બેક અપ તરીકે લેવાની છે. દા.ત. ફરી ચેપ લાગવાના બનાવોમાં ઉછાળો આવે તો તેવી પરિસ્થિતિમાં ‘કોવાકસીન’ ઉપયોગમાં લેવાની છે. વડાપ્રધાન આ રસીઓને ઝડપથી મંજૂરી આપવાના પગલાંને આવકારી તેને વધુ તંદુરસ્ત અને કોવિડમુકત ભારતની દિશામાં મહત્ત્વનું પગલું ગણાવ્યું છે.

ભારત કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દુનિયાનો સૌથી મોટો બીજો દેશ છે. અહીં 1.03 કરોડથી વધુ કેસ કોરોનાના થયા છે અને 1.5 લાખ મૃત્યુ થયાં છે. પણ તેનો ચેપનો દર સપ્ટેમ્બરની મધ્યેથી ટોચ પર પહોંચ્યા પછી ઘટતો ગયો હતો. ગયા સપ્ટેમ્બરમાં રોજના 90,000 કેસ બનતા હતા. કેન્દ્ર સરકારે સામુહિક રસીકરણ પૂર્વે દેશવ્યાપી તૈયારી કરી છે અને 96000 આરોગ્ય કર્મીઓને રસીના શોટસ આપવા માટે તાલીમ આપવામાં આવી છે.

તાકીદના ઉપયોગને એ શરતે મંજૂરી આપવામાં આવી છે કે રસી વિકસાવનારાઓ કોઇ પણ આડઅસરની ઔષધ નિયંત્રકને દર પંદર દિવસે વિગતો આપશે. આ પગલાં મહત્ત્વનાં છે કારણ કે ઔષધ-નિયંત્રક કહે છે તેમ જાહેર આરોગ્યની તાકીદની દ્રષ્ટિએ ઝડપથી મંજૂરી આપવામાં આવી છે અને ‘કિલનિકલ ટ્રાયલ મોડ’ એટલે કે તબીબી નિયંત્રણ હેઠળની પરીક્ષણ-પધ્ધિતએ રસી અપાશે.

કોરોના વાયરસ એક અકળ વાયરસ છે, જે અગાઉથી જાણી ન શકાય તેવા પડકાર આપે છે તેથી આરોગ્ય સત્તાવાળાઓએ આવી શકયતા બાબતમાં સજાગ રહેવાની જરૂર છે.

પહેલા તબક્કામાં ત્રણ કરોડ હેલ્થકેર અને ફ્રંટલાઇન કર્મીઓને રસી આપવામાં આવશે. મોદી સરકારમાં લાભાર્થીઓની પહેલી યાદી બનાવવાની શરૂ કરી છે ત્યાં જ તેણે આ બે રસીઓ આ યાદીના લોકોમાં કઇ રીતે ફાળવવી તે નક્કી કરવાનું છે. સરકાર બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના અને અન્ય માંદગીઓ સાથે 27 કરોડ લોકોને રસી આપવાનું આયોજન ધરાવે છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 4.31 લાખ આરોગ્ય કર્મીઓને આવરી લેવાશે. બીજા તબક્કામાં 6.3 લાખ ફ્રંટલાઇન કર્મીઓને રસીનો શોટ અપાશે. વ્યાપક સમાનતા છતાં ‘કોવેકસીન’ અને ‘કોવીશીલ્ડ’ કોરોના વાયરસના નિર્બળ સ્વરૂપનો ઉપયોગ કરશે અને બંને રસીઓ જુદી જુદી અસરો તથા સુરક્ષાના પડકારો આપી શકે છે. સત્તાવાળાઓએ કહયું છે કે બંને રસીની ટ્રાયલનો આખરી તબક્કો હજી ચાલુ છે.

આથી આ રસી પર ચાંપતી નજર રાખવા માટે બંનેને મૂકનારા-વેકસીનેટરોને તેની ઝીણામાં ઝીણી વિગતો માલમ પડે તે રીતની તાલીમની જરૂર પડશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આગામી મહિનાઓમાં દરેક જણ પાસેથી જવાબદારી અને સંયમની જરૂર પડશે. સત્તાવાળાઓ પણ રસીની ટ્રાયલોની વધુ વિગતો જાહેર કરતાં રહે એ પણ જરૂરી છે, પણ રસીઓની મંજૂરીના મામલે મોટું રાજકારણ રમાવા લાગ્યું છે.

કેટલાક વિરોધપક્ષોએ જણાવ્યું છે કે રસીઓને પૂરી પ્રક્રિયા વગર મંજૂરી આપવામાં આવી છે. સમાજવાદી પક્ષના વડા અને ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે જાહેર કર્યું છે કે હું ‘ભાજપ’ની રસી નહીં લઉં! કોંગ્રેસના નેતા શશી થરૂર અને જયરામ રમેશ કહે છે કે ‘કોવાકિસન’ રસીને તાકીદના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી તે પહેલાં તેની અસરકારકતા બતાવવા પૂરતી માહિતી નથી અપાઇ.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જવાબ આપ્યો છે કે સરકાર નિયુકત નિષ્ણાત સમિતિએ આ રસીની અસરકારકતા અને રોગપ્રતિકારકક્ષમતા વિશે તમામ માહિતીની સમીક્ષા કરી છે અને જનહિતમાં જ તેના મર્યાદિત ઉપયોગ માટેની પરવાનગી આપી છે. ખાસ કરીને બદલાતા વાયરસ પ્રકાર સામે રસીના વધુ વિકલ્પો શોધવાનો અમારો ઉપક્રમ છે. રસીની કિલનિકલ ટ્રાયલ ચાલુ રહેશે.

ચોક્કસપણે રસીને મંજૂરી આપવામાં અણઘટતી ઉતાવળ થઇ હોવાની છાપ સારી નથી કારણ કે તેનાથી ભારતના દવા ઉદ્યોગની આબરુને અસર થાય. વિશ્વાસનું સર્જન મહત્ત્વનું છે. સરકારે તમામ જવાબ આપવા જોઇએ. વિશ્વસનીયતાનો અભાવ રસીના ઉત્પાદકોને અસર કરી શકે છે. તેને પણ ટાળવો જોઇએ તેમજ રસીના મામલે રાજકારણને પણ ટાળવું જોઇએ.

શેખર ઐયર       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top