SURAT

કોરોના એલર્ટ: સુરતની સિવિલ હોસ્પિટલમાં ફરી આ વોર્ડ શરૂ કરી દેવાયો

સુરત: ચીનમાં (China) કોરાનાએ (Corona) ફરી માથું ઉંચક્યું છે. ત્યારે દેશમાં પણ સાવચેતી માટેના જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. જરૂરી ગાઇડલાઇન્સ તેમજ સાચવતી માટેના પગલાંઓ લેવામા આવી રહ્યા છે. સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં પાલિકા સંચાલિત સ્મીમેર (SMIMER) અને સરકારી નવી સિવિલ હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલો છે. જેથી કોરોનાને લઈને આ બને હોસ્પિટલના તંત્ર પણ એલર્ટ (Alert) થઇ ગયો છે. જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્મીમેર હોસ્પિટલમાં એન્ટ્રી ગેટ પાસે જ કોરોનાના સમયે ચાલુ કરવામાં આવેલી શરદી-ખાંસીના દર્દીઓ (Cold cough patient) અને તેમની તપાસ માટે અલાયદો વિભાગ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. કોરોનાકાળમાં આ વિભાગમાં ખાસ કરીને શરદી ખાંસીવાળા દર્દીઓને તપાસવામાં આવતા હતા, જે માટે ત્યાં અલાયદા ડોક્ટર કેસ પેપર સહિતની વ્યવસ્થાઓ માટે અલગથી સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો.

જોકે કોરોના શાંત થયા બાદ આ વિભાગ પણ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો. જોકે હવે ફરીથી પરિસ્થિતિઓ ગંભીર દેખાવવા લાગતા અને હોસ્પિટલના અધિકારીઓ તેમજ ડોકટરો સાથે થયેલી વિશેષ બેઠક બાદ વ્યવસ્થાઓને લઈને કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે સૌથી પહેલા આ વિભાગને ફરી સક્રિય કરી દેવામાં આવ્યો છે અને સંબંધિત સ્ટાફને ત્યાં બેસાડી ખાસ કરીને શરદી ખાંસીના દર્દીઓને તપાસવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય સ્ટેપ વાઈઝ વોર્ડ પણ શરૂ કરવામાં આવશે સાથે જ સ્ટાફને માસ્ક (Mask) પણ પહેરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. અધિકારીઓ તથા ડોકટરો દ્વારા સાવચેતી અને સેફટીના ભાગરૂપે સ્ટાફને માસ્ક પહેરવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે.

સ્મીમેર હોસ્પિટલની જેમ નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પણ એક્ટિવ થઇ ગયું છે. કોરોનાકાળમાં સ્ટેમસેલ (StemCell) બિલ્ડીંગને આખી કોવીડ હોસ્પિટલમા પરિવર્તિત કરી દેવામાં આવી હતી. જ્યાં વોર્ડ તેમજ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અલાયદી ઓપીડી શરૂ કરવામાં આવી હતી. જોકે કોરોના શાંત થયા બાદ અને ધીરે ધીરે પોઝીટીવ પેશન્ટો પણ આવવાના બંધ થઇ ગયા હતા અને વોર્ડમાં કોઈ પેશન્ટના હોવાના લીધે તેમજ પરિસ્થિતિ સામાન્ય તથા આ કોવીડ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ કોરોના હવે ફરીથી માથું ઉંચકી શકે છે તેવી સંભાવનાઓ વચ્ચે અને સાવચેતીના ભાગરૂપે સ્ટેમસેલ બિલ્ડિંગમાં ફરીથી કોરોનાની તપાસ માટે ઓપીડી શરૂ કરવા માટેનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

Most Popular

To Top