SURAT

સુરતમાં કોંગ્રેસના કાર્યકરો નાનકડી વાતમાં જાહેરમાં અંદરોઅંદર બાખડ્યા

સુરત(Surat) : આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી (Election) દેશમાં યોજાનાર છે ત્યારે મહાગઠબંધનના નેજા હેઠળ કોંગ્રેસ (Congress) દેશમાં સરકાર બનાવાનું સપનું જોઈ રહી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના આગેવાનો 26 લોકસભા સીટ પર કોંગ્રેસ જીતશે તેવા બણગાં ફૂંકી રહ્યાં છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે કોંગ્રેસમાં અંદરોઅંદર જ સંપ નથી. કોંગ્રેસના કાર્યકરોના આંતરિક મતભેદનો એક બનાવ મંગળવારે રાત્રે સુરતમાં જોવા મળ્યો. અહીં નાનકડી વાતમાં કોંગ્રેસના કાર્યકરો અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા.

  • લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે સુરતની મુલાકાત લીધી
  • કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો વાસનિકના સન્માન કરવાના મામલે ઝઘડી પડ્યા
  • કાર્યકરોનું વર્તન જોઈ મુકુલ વાસનિક પણ દંગ રહી ગયા

આગામી સંસદની ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાતની ચાર બેઠકો ઉપરની સ્થિતિ જાણવા માટે સુરતમાં આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં જ સુરત કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો બાખડ્યા હતા. જેના કારણે મુકુલ વાસનિક પણ દંગ રહી ગયા હતા તેમજ તેમને પણ શરમજનક સ્થિતિમાં મુકાવાનો વખત આવ્યો હતો.

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક (MukulVasnik) સુરતમાં આવે ત્યારે તેમનું રેલવે સ્ટેશન પર સ્વાગત કોંગ્રેસના કાર્યકરો અને સર્કીટ હાઉસ ખાતે સેવાદળના કાર્યકરો સ્વાગત કરશે એવુ નક્કી થયું હતું. પ્રથમ તેમનું સ્વાગત થઇ ગયા બાદ સર્કીટ હાઉસ ખાતે સેવાદળના કાર્યકરો મુકુલ વાસનિકનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમને કોંગ્રેસના જ કાર્યકરોએ અટકાવ્યા હતા અને ઝપાઝપી કરી બોલાચાલી કરી હતી.

કોંગ્રેસના કાર્યકરોની આંતરિક જુથબંધી જોઇને મુકુલ વાસનિક પણ દંગ રહી ગયા હતા. સુરત શહેરમાં અને રાજ્યમાં કોંગ્રેસનું અસ્તિત્વ લગભગ ખતમ થઇ ગયુ છે અને સંગઠનનું માળખું પણ વ્યવસ્થિત કરવા કવાયત થઇ રહી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને કેટલાક નેતાઓ હજુ પણ સુધરવાનું નામ લેતા નથી અને આંતરિક જુથબંધી અને બખેડામાંથી ઉપર આવતા નથી. જેનો સીધો લાભ ભાજપ અને આપને મળી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હજુ પણ નહીં સુધરે તો તેમને આના કરતા પણ વધારે ખરાબ દિવસો જોવાનો વખત આવશે એવુ સ્થાનિક કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે.

Most Popular

To Top