Editorial

લેભાગુ નેતાઓને બહાર કાઢીને કેડરબેઈઝ બનશે તો જ કોંગ્રેસ ફરી બેઠી થઈ શકશે

જે પક્ષની સ્થાપનાને 100 વર્ષ પુરા થઈ ગયા હોય અને જેણે દાયકાઓ સુધી ભારતમાં કેન્દ્ર અને રાજ્યોમાં રાજ કર્યું હોય તે પક્ષ કોંગ્રેસની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે થયેલી દશા ખુદ કોંગ્રેસના જ નેતા અને કાર્યકરોને આભારી છે. જ્યારથી વીપી સિંહએ કોંગ્રેસનો સાથ છોડ્યો અને જનતાદળ બનાવ્યું અને ભાજપે હિન્દુત્વનો જુવાળ ઊભો કરીને સત્તા લેવાની શરૂઆત કરી ત્યારથી કોંગ્રેસની જે દશાઓ થઈ તેમાં ગુજરાતમાં કોંગ્રેસનું થયેલું ધોવાણ અત્યાર સુધીનું સૌથી વધારે છે. આમ તો કોંગ્રેસ અનેક રાજ્યો એવા છે કે જેમાં તેનું સંપૂર્ણ ધોવાણ થઈ ચૂક્યું છે. આ રાજ્યોમાં કોંગ્રેસની ગણીગાંઠી બેઠકો જ જોવા મળી રહી છે.

આ રાજ્યોમાં દિલ્હીથી શરૂ કરીને પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરાલાથી શરૂ કરીને અન્ય નાના રાજ્યોનો પણ સમાવેશ થાય છે. દાયકાઓથી સત્તા ભોગવવાને કારણે કોંગ્રેસના નેતાઓ બેફિકર થઈ ગયા છે. હજુ પણ કોંગ્રેસના નેતાઓના મનમાંથી સત્તાનો નશો જતો જ નથી. કેટલાક નેતાઓ ગંભીર પણ છે અને લોકો સાથે જોડાયેલા રહે છે તેથી ચૂંટણીઓ જીતે પણ છે પરંતુ કોંગ્રેસમાં મોટાભાગના નેતાઓ એવા છે કે જેમને કોંગ્રેસના નામે માત્ર કમાવવું જ છે અને કોંગ્રેસની હાલમાં જે દશા થઈ છે તે આવા નેતાઓ અને કાર્યકરોને જ આભારી છે.

ગુજરાતમાં જ કોંગ્રેસ છેલ્લા 32 વર્ષથી સત્તામાં નથી. વચ્ચે થોડો સમય જનતાદળ સાથે સંવનન કરીને કોંગ્રેસે સત્તા ભોગવી પરંતુ ત્યારબાદ કોંગ્રેસ ક્યારેય સત્તામાં આવી નથી. ભાજપનો મોટાભાગનો ઉદય ગુજરાતમાંથી જ થયો અને તેને કારણે ભાજપ હંમેશા ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે ઓળખાવે છે પરંતુ જો કોંગ્રેસે ગુજરાતને ઓળખાવવું હોય તો હારવા માટેનું સ્ટેટ તરીકે ઓળખાવવું પડે. છેલ્લા ત્રણેક દાયકાથી કોંગ્રેસનો વ્યાપ ઘટતો જ આવ્યો છે. કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ ફરી જીતી પણ છે પરંતુ જીત્યા બાદ પણ કોંગ્રેસ તેનો લાભ ફરી લઈ શકી નથી. આ માટે કોંગ્રેસની કેટલીક નીતિઓ અને સાથે સાથે કોંગ્રેસનું નબળું સંગઠન જવાબદાર છે. કોંગ્રેસે છેલ્લા ત્રણેક દાયકામાં ક્યારેય પોતાના સંગઠનને મજબુત કરવા માટે પ્રયાસ કર્યો નથી. ઉપરથી રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસમાં અન્ય મોરચાઓ માટે ચૂંટણીની સિસ્ટમ લાવવામાં આવતાં કોંગ્રેસ વધુ નબળી થઈ ગઈ છે. કારણ કે આ મોરચામાં પદ મેળવવા માટે કોંગ્રેસીઓ અંદરોઅંદર જ લડ્યા અને આંતરિક જુથબંધી વધુ ઘેરી બની ગઈ.

ખરેખર સંગઠન એવું હોવું જોઈએ કે દરેક કાર્યકર પહેલા નીચેથી શરૂઆત કરે, ધીરેધીરે પોતાની કામગીરી બતાવીને ઉપરના પદો મેળવે અને બાદમાં તેની યોગ્યતા જોઈને કોંગ્રેસ તેને જે તે ચૂંટણીમાં ટિકીટ આપે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં એવું થયું છે કે છપાયેલા કાટલાઓને જ ટિકીટ મળે છે. આ છપાયેલા કાટલાઓ એવા છે કે જ્યારે પાર્ટી દ્વારા કાર્યક્રમો આપવામાં આવે તો તેઓ કાર્યક્રમોમાં ક્યાંય દેખાતા નથી. જે પોતાના એપાર્ટમેન્ટની ચૂંટણી જીતી નહી શકે તેવા નેતાઓ કોંગ્રેસમાં મોટા નેતા તરીકે પોતાને ઓળખાવે છે અને તેને કારણે કોંગ્રેસ ચૂંટણીઓ હારી રહી છે. આટલું જ નહીં, કેટલાક નેતાઓ કોંગ્રેસમાં એવા છે કે જે પૈસા કમાવવા માટે જ પોતાના જુથના માણસને પંચાયતથી માંડીને છેક લોકસભાની ચૂંટણીમાં ટિકીટ અપાવે છે. બાદમાં આ ગોડફાધર પાર્ટી દ્વારા ચૂંટણી લડવા માટે જે રકમ આપવામાં આવે તેમાંથી પોતાનો હિસ્સો કાઢી લે છે. ઉમેદવાર પણ ગોડફાધરને નાણાં આપી દે છે. જ્યારે ગોડફાધર જ આવું કરતા હોય તો ઉમેદવાર પણ કેમ બાકી રહે? ઉમેદવાર પણ પાર્ટીના ચૂંટણી ફંડના નાણાં ઘરે લઈ જઈ રહ્યા છે.

એવું છે કે ચૂંટણી આવે એટલે કોંગ્રેસમાં એક ઉપરથી નીચે સુધીની સિસ્ટમ ગોઠવાઈ જાય છે. ટિકીટ આપવા માટે નાણાં લેવામાં આવે છે. ટિકીટ આપ્યા પછી ઉમેદવાર પાસેથી ચૂંટણી ફંડમાં પણ ભાગ પડાવવામાં આવે છે. આમાં ઉમેદવારની પણ મિલિભગત હોય છે. હવે તો કોંગ્રેસના કેટલાક ઉમેદવારો કે જેઓ જીતવા માટે અઘરી સીટ હોય તેના પર એવું કરતા થઈ ગયા છે કે કોંગ્રેસમાંથી ચૂંટણી ફંડના નાણાં લે છે. બાદમાં જે તે બેઠક પરથી હરીફ પક્ષના ઉમેદવાર પાસેથી પણ નાણાં લઈ લે છે. બાદમાં કોંગ્રેસનો પ્રચાર જ કરતા નથી. જેને કારણે હરીફ ઉમેદવારોની લીડ વધતી જ રહે છે.

જો કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર કર્યો હોત અને મજબુતાઈથી લડત આપી હોત તો શક્ય છે કે આજે નહીં તો ભવિષ્યમાં કોંગ્રેસ તે બેઠક જીતી શકી હોત. કોંગ્રેસના કેટલાક ઉમેદવારો દ્વારા આ ખેલ કરવાને કારણે બાદમાં આ સીટ જીતવી લગભગ અઘરી બની જાય છે.કોંગ્રેસને જો હવે ફરી બેઠી કરવી હોય તો તેના નેતાઓએ સંગઠનમાં છેક નીચેથી શરૂઆત કરવી પડશે. પાયાના કાર્યકરો એવા પસંદ કરવા પડશે કે જે કોંગ્રેસના નેતાના જુથમાં નહી હોય અને કોંગ્રેસ માટે કામ કરે. જે ભૂતકાળમાં પંચાયતની કે પછી પાલિકાની ચૂંટણી જીતી શક્યો હોય તેને જ ધારાસભાની ટિકીટ આપવી અને જે ધારાસભા જીતી શક્યો હોય તેવાને જ લોકસભાની ટિકીટ આપવી. સંગઠનમાં પણ તેવી જ રીતે વિવિધ કેડરબેઈઝ કાર્યકરોને આગળ લઈ જવામાં આવે તો જ કોંગ્રેસનું ફરી રિવાઈવલ શક્ય છે અન્યથા ગાંધીજીની ઈચ્છા પ્રમાણે કોંગ્રેસનું વિસર્જન નજીકમાં જ છે તે નક્કી છે.

Most Popular

To Top