National

કોરોનાને અયોગ્ય રીતે હાથ ધરવા બદલ કેન્દ્ર પર કોંગ્રસના આકરા પ્રહારો

કોંગ્રેસ કારોબારી સમિતિએ આજે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કોવિડના રોગચાળા સામેની લડાઇમાં વ્યાપક ગેરવહીવટ થયો છે. તેણે ચેતવણી આપી હતી કે હજી પણ જો ભૂલો સુધારવાના પગલા ભરવામાં નહીં આવે તો દેશ એક અભૂતપૂર્વ હોનારત તરફ ધકેલાઇ શકે છે.

કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા એવી કારોબારી સમિતિની બેઠક આજે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતા હેઠળ મળી હતી, દેશમાંની કોવિડ-૧૯ની સ્થિતિની ચર્ચા કરવા અને આ કટોકટી હાથ ધરવા સરકારને પગલાઓ સૂચવવા આ બેઠક વર્ચ્યુઅલી મળી હતી. અઢી કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી આ બેઠક પછી કોંગ્રેસના વરિષ્ઠ પ્રવકતા પી. ચિદમ્બરમે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે સીડબલ્યુસી સભ્યો દ્વારા કરવામાં આવેલા નક્કર સૂચનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા લખવામાં આવેલા એક પત્ર દ્વારા મોકલી આપવામાં આવશે.

અમે કેન્દ્ર સરકાર પર આ રોગચાળા સામેની લડતમાં સંપૂર્ણ ગેરવહીવટનો આક્ષેપ કરીએ છીએ એમ કોંગ્રેસ કારોબારી સમિતિ (સીડબલ્યુસી)ના એક નિવેદનમાં જણાવાયું હતું. આ રોગચાળાને હાથ ધરવામાં ૧૪ વિવિધ મોરચે નિષ્ફળ જવાનો આક્ષેપ આ નિવેદનમાં કરવામાં આવ્યો હતો. ખેદ સાથે અમારે કહેવું પડે છે કે આ ભયંકર હોનારતને હાથ ધરવામાં એનડીએ સરકારના અવિચારીપણા અને બિનતૈયારીની ભારે કિંમત દેશ ચુકવી રહ્યો છે, જે હોનારતે લાખો કુટુંબોને અસર કરી છે અને અત્યાર સુધીમાં ૧૭પ૬૭૩ જીંદગીઓ લઇ લીધી છે.

આ બેઠકની અધ્યક્ષતા સંભાળતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે તૈયારી કરવા માટે એક વર્ષ મળ્યું હોવા છતાં આપણે ફરી એકવાર ગાફેલ પકડાયા છીએ. મોદી સરકાર પર સંપૂર્ણ તૈયારી વિહીનતા અને આડેધડ પગલાઓ લેવાનો આક્ષેપ કરતા તેમણે રસી માટેની વય ઘટાડીને ૨પ વર્ષ કરવા અને લોકોને આવક ટેકો પુરો પાડવા જણાવ્યું હતું. તેમણે કોવિડ-૧૯ની સારવાર માટેના તમામ સાધનો, દવાઓ અને સામગ્રીને જીએસટીમાંથી મુક્તિ આપવાની પણ માગ કરી હતી.

Most Popular

To Top