Gujarat

ઢોકળામાં સિગારેટનો ટુકડો,દાળમાં જીવડા! ભાવનગરના સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો

સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને મળતી સુવિધાઓ અને ભોજનની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ મેસના ભોજન, પીવાના પાણી, સ્વચ્છતા અને સુરક્ષાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી છે. આ મુદ્દાઓને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ એકત્ર થઈને મોડી રાત સુધી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થિનીઓના આક્ષેપ મુજબ, હોસ્ટેલના મેસમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અત્યંત નબળી છે.ક્યારેક દાળમાં જીવડા જોવા મળે છે તો ક્યારેક ભોજનમાંથી અન્ય અશુદ્ધ વસ્તુઓ મળી આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સૌથી ચોંકાવનારો આક્ષેપ એવો છે કે ઢોકળામાં સિગારેટનો ટુકડો મળી આવ્યો હતો. આ ઉપરાંત ભોજનમાંથી પ્લાસ્ટિક અને અન્ય કચરો મળ્યો હોવાની પણ ફરિયાદ વિદ્યાર્થિનીઓએ કરી છે.

વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે રોજિંદા ભોજનમાં આવી સમસ્યાઓ વારંવાર સામે આવતી હોવાને કારણે તેઓ ભારે પરેશાન છે. હોસ્ટેલમાં અભ્યાસ માટે રહેતી વિદ્યાર્થિનીઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન મળવું જોઈએ, પરંતુ અહીં ભોજનની સ્થિતિને લઈને વારંવાર ફરિયાદો છતાં પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પીવાનું પાણી પણ બની ગયું મુશ્કેલીનું કારણ : ભોજનની સાથે પીવાના પાણીની વ્યવસ્થાને લઈને પણ વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેટલાક અહેવાલો મુજબ, હોસ્ટેલના એક માળે રહેતી વિદ્યાર્થિનીઓને પીવાનું પાણી લેવા માટે બીજા માળ સુધી જવું પડે છે. પાણીની વ્યવસ્થાને લઈને પૂરતી સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થિનીઓને રોજ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.વિદ્યાર્થિનીઓએ પાણીની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. પીવાના પાણીની સ્વચ્છતા અને નિયમિત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે.

ગંદા વાસણોને લઈને પણ ફરિયાદ
હોસ્ટેલની મેસ વ્યવસ્થામાં વપરાતા વાસણોની સફાઈને લઈને પણ વિદ્યાર્થિનીઓએ ગંભીર ફરિયાદો કરી છે. ગંદા વાસણોમાં ભોજન પીરસવામાં આવતું હોવાનો આક્ષેપ છે.ભોજન બનાવવાની અને પીરસવાની સમગ્ર પ્રક્રિયામાં સ્વચ્છતાના નિયમોનું પાલન થાય તેવી માંગ વિદ્યાર્થિનીઓએ કરી છે.વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે હોસ્ટેલમાં મોટી સંખ્યામાં છોકરીઓ રહેતી હોવાથી ભોજનની સ્વચ્છતા સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ગંભીર બની શકે છે. તેથી મેસની નિયમિત તપાસ અને ભોજનની ગુણવત્તાની ચકાસણી થવી જોઈએ.

સુરક્ષાને લઈને પણ વિદ્યાર્થિનીઓમાં નારાજગી
માત્ર ભોજન અને પાણી જ નહીં, પરંતુ હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ વિદ્યાર્થિનીઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે. હોસ્ટેલની આસપાસ અસામાજિક તત્વોની અવરજવર રહેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જેના કારણે વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને ચિંતા ઉભી થઈ છે.વિદ્યાર્થિનીઓએ માંગ કરી છે કે હોસ્ટેલની આસપાસ સુરક્ષા વધારવામાં આવે અને બહારથી આવતા લોકોની અવરજવર પર યોગ્ય નિયંત્રણ રાખવામાં આવે.

રજૂઆત કરનાર વિદ્યાર્થિનીઓને ટાર્ગેટ કરવાનો આક્ષેપ
વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ તંત્રના વ્યવહારને લઈને પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમની ફરિયાદ છે કે જે વિદ્યાર્થિનીઓ હોસ્ટેલની સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવે છે, તેમને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવામાં આવે છે. બીમાર પડતી વિદ્યાર્થિનીઓને યોગ્ય સારવાર આપવાને બદલે તેમના વાલીઓને બોલાવી ઘરે લઈ જવા માટે કહેવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે હોસ્ટેલમાં સ્વચ્છ ભોજન, શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છ વાસણો અને પૂરતી સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે.

મોડી રાત સુધી ચાલેલા વિરોધને કારણે હોસ્ટેલનું વાતાવરણ ગરમાયું હતું. હવે સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ જવાબદાર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. ભાવનગર ના હોસ્ટેલની મેસ અને પાણીની વ્યવસ્થાની તપાસ કરીને હકીકત સામે લાવવાની અને જરૂરી સુધારા કરવાની માંગ ઉઠી છે.વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓ કોઈ વિશેષ સુવિધા નથી માંગતી, પરંતુ માત્ર સ્વચ્છ ભોજન, પીવા યોગ્ય પાણી અને સુરક્ષિત વાતાવરણ જેવી મૂળભૂત સુવિધાઓની માંગ કરી રહી છે. હવે તંત્ર આ ફરિયાદોને કેટલી ગંભીરતાથી લે છે અને વિદ્યાર્થિનીઓની સમસ્યાઓનો કાયમી ઉકેલ ક્યારે આવે છે તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top