Columns

ચીનનું ફેલ્ચર!!

‘ચીનમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણથી હવે દુનિયા ફફડી ગઈ છે! હોસ્પિટલોમાં બેડ બચ્યા નથી, લોકો ઓક્સિજન બેડની રાહ જોતા મરી રહ્યા છે, સપ્લાય ચેન તૂટી રહી છે, મોલમાં સામાન વેરવિખેર પડ્યો છે, બધું અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે! ચીનમાં જ ડિસેમ્બર 2019માં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ચીને શરૂઆતથી જ ઝીરો-કોવિડ પોલિસીનું પાલન કર્યું હતું. કડક લોકડાઉન લગાવ્યું હતું, ચેપગ્રસ્ત અને તેમની આસપાસના લોકોને અલગ રાખ્યા હતા. ચીને એવો પણ દાવો કર્યો છે કે – તેની 90 %થી વધુ વસ્તીને કોરોના રસીની નિશ્ચિત માત્રા આપી દેવામાં આવી છે. જો કે, પશ્ચિમી દેશોનું કહેવું છે કે ચીનની બંને રસી એટલી અસરકારક નથી અને હવે ચીનની સ્થિતિ દુનિયાની સામે છે, આગળ શું થશે એ કહેવું મુશ્કેલ છે. કેમ ચીન પોતાના જ રોગમાં સપડાઈ ગયું?

શૂન્ય કોવિડ નીતિ પાછળ ચીનનો તર્ક અને દાવો એવો હતો કે તેઓ ભવિષ્ય તરફ કામ કરી રહ્યા છે. ચીને એવું પણ કહ્યું હતું કે તેઓ એવી હેલ્થકેર સિસ્ટમ તૈયાર કરી રહ્યા છે, જેના દ્વારા ભવિષ્યના કોઈ પણ સંકટનો સરળતાથી સામનો કરી શકાશે. આ માટે ચીને 3 વર્ષનો સમય પણ લીધો હતો. જો કે, નવેમ્બર 2022માં દેશમાં જ વિરોધ ફાટી નીકળ્યો અને ચીની સરકારે શૂન્ય કોવિડ નીતિ હળવી કરવી પડી હતી. આ પછી ચીનની જે સ્થિતિ ઊભી થઈ છે એ તેના અગાઉના દાવાઓ પર સવાલો ઊભા કરી રહી છે. સવાલ એ છે કે શું ચીન તેની હેલ્થકેર સિસ્ટમને ઠીક કરવામાં નિષ્ફળ રહ્યું છે? કે પછી આ વખતે ફેલાઈ રહેલો કોરોના વાયરસનો પ્રકાર વધુ ખતરનાક છે?

ચીન કોરોનાને કાબૂમાં લેવામાં કેમ નિષ્ફળ રહ્યું છે? સમજવાની કોશિશ કરીએ. ચીનની રાજધાની બેઇજિંગમાં 20 ડિસેમ્બરે એક વ્યક્તિને હાર્ટઅટેક આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ તેને બચાવી શકાયો ન હતો, કેમ જાણો છો? આ દર્દીને કટોકટીની એ પળોમાં સંભાળની જરૂર હતી પરંતુ ICUમાં જગ્યા ન હતી. આ વ્યક્તિએ એમ્બ્યુલન્સની અંદર રાહ જોવી પડી હતી અને 3 કલાક પછી તેને જગ્યા મળી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. યાદ કરો ભારતમાં આવેલી એ સેકન્ડ લહેરને.

અત્યારે ચીનની સરકારનો દાવો છે કે કોરોના નિયંત્રણમાં છે. ગયા અઠવાડિયે ચીનની હોસ્પિટલોમાંથી ભયાનક વીડિયો અને તસવીરો સામે આવી ત્યારે પણ ચીનની સરકારે મૌન સેવ્યું હતું. જો કે, આ મૌન લાંબો સમય ટકી શક્યું નહીં. વિવિધ આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટ અનુસાર, ચાઈનીઝ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કોવિડ સંબંધિત પોસ્ટથી ઉભરાઈ રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓની મદદ કરવા ચીનના લોકો અપીલ કરી રહ્યા છે. તેઓ હેલ્થકેર કર્મચારીઓ પ્રત્યે નરમ રહેવાની સલાહ આપી રહ્યા છે. તેઓ વધારાની દવાઓ શેર કરવાનું કહી રહ્યા છે.

ચીનના સોશ્યલ મીડિયા પર કોવિડ નીતિમાં ફેરફારની પણ ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી કોવિડ પોલિસીને ટેગ કરીને 3 કરોડથી વધુ વખત પોસ્ટ કરવામાં આવી છે. આ અંગે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. કેટલાક લોકો તાજેતરના કોરોના વિસ્ફોટ વિશે પણ અચંબામાં છે. તેઓ કહે છે કે વાયરસ જે ઝડપે ફેલાઈ રહ્યો છે તેની અમે કલ્પના પણ નહોતી કરી. ચીનમાં સોશ્યલ મીડિયાને સેન્સર કરવાનો લાંબો ઈતિહાસ છે. જો સરકારને કોઈ શબ્દથી ખતરો લાગે તો તે શબ્દ સમગ્ર સોશ્યલ મીડિયા પરથી હટાવી દેવામાં આવે છે.

તેથી એવી આશંકા છે કે ચીનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું!
ગત નવેમ્બરમાં શિનજિયાંગ પ્રાંતમાં એક ઈમારતમાં આગ લાગ્યા બાદ ચીનમાં કોવિડ લોકડાઉનના કડક નિયમો સામે મોટા વિરોધની પ્રક્રિયા શરૂ થઈ હતી. 24 નવેમ્બરની રાત્રે શિનજિયાંગની રાજધાની ઉરુમકીમાં એક બીલ્ડિંગમાં આગ લાગી હતી. આગ 15મા માળે લાગી હતી. ધીમે ધીમે તે બાકીના બીલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. તેને કાબૂ કરવામાં 3 કલાક લાગ્યા હતા. બેરિકેડિંગને કારણે ફાયર એન્જિન બીલ્ડિંગની નજીક જઈ શક્યું ન હતું.

આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીઓ અને રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે આગ એક્સ્ટેંશન સોકેટમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આ આગને એક સામાન્ય ઘટના ગણાવીને આ ઘટનાને અટકાવી દીધી હતી. લોકોએ એમ પણ લખ્યું હતું કે કોવિડ પ્રોટોકોલના કારણે ફાયર ફાયટરના પહોંચવામાં અને આગ પર કાબૂ કરવામાં વિલંબ થયો હતો. પરિણામે નુકસાન અને મોત વધુ થયાં હતાં. અલબત્ત, એક રિપોર્ટ અનુસાર, ચીનમાં આગચંપી સાથે સંબંધિત આ વિષયને 800 મિલિયનથી વધુ વખત સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો!

શિનજિયાંગમાં 7 ઓગસ્ટથી કોવિડ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકોને થોડી મિનિટો માટે પણ ઘરની બહાર જવાની પરવાનગી લેવી પડતી હતી. ઈમરજન્સી સિવાય કોઈને પણ બહાર જવાની છૂટ નહોતી. બીલ્ડિંગની અંદર એક માળેથી બીજા માળે જવાની મનાઈ હતી. આ કારણથી સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું આગ લાગ્યા બાદ લોકો નીચે ઊતરી શક્યા નથી? શું લોકો કોવિડ પ્રોટોકોલને કારણે મૃત્યુ પામ્યા હતા?

28 નવેમ્બરે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચૌ લિજિયાને પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે વિરોધ પ્રદર્શનને સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું હતું. જો કે, થોડા દિવસો બાદ જ ચીનની સરકાર નરમ પડતી દેખાઈ હતી. સરકારે ઝીરો-કોવિડ પોલિસી સામે 20 માર્ગદર્શિકાઓની યાદી બહાર પાડી હતી. કેટલાંક શહેરોમાં સ્થાનિક અધિકારીઓએ નિયમો હળવા કરવાની વાત પણ કરી હતી. 7 ડિસેમ્બરે, સરકારે નિયમો હળવા કર્યા બાદ તેની સમયમર્યાદા વધારી હતી. સરકાર 10 પોઈન્ટ સાથે નવી યોજના લાવી હતી. આ અંતર્ગત કેટલીક નવી વ્યવસ્થાઓ લાવવામાં આવી હતી.
દાખલા તરીકે,

જો કોરોનાથી સંક્રમિત વ્યક્તિનાં લક્ષણો ખૂબ ગંભીર નથી, તો તે ઘરે જ પોતાને આઇસોલેટ કરી શકે છે. ઝીરો કોવિડ પોલિસીમાં ચેપગ્રસ્ત વ્યક્તિની સાથે સમગ્ર પરિવાર અને એપાર્ટમેન્ટને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. નવા પ્લાનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે PCR ટેસ્ટ માત્ર હાઈ રિસ્ક એરિયામાં રહેતા લોકો માટે જ જરૂરી રહેશે. અન્ય સ્થળોએ એન્ટિજેન પરીક્ષણ પણ ચાલશે. રેપિડ એન્ટિજેન ટેસ્ટ ઘરે પણ કરી શકાશે. અગાઉ કેસોની ગણતરી કર્યા પછી સમગ્ર વસ્તીએ લાઇનમાં ઊભા રહીને કોવિડ ટેસ્ટ કરાવવો પડતો હતો.

નવા પ્લાનમાં આખી બીલ્ડિંગ સીલ કરતો નિયમ હટાવી દેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે હવે ફક્ત કોરોના ચેપથી પ્રભાવિત ઘર અથવા ફ્લોર સીલ કરવામાં આવશે. જો કે, પશ્ચિમી દેશોના મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં કોરોના નિયંત્રણની બહાર ગયો છે. હોસ્પિટલોમાં બેડ નથી. દવાઓનો સ્ટોક પૂરો થઈ ગયો છે. અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગી રહી છે. ચીને અહીં ક્યારેય કોરોનાના ખતરાના વાસ્તવિક ગ્રાફને જણાવ્યો નથી. ગભરાવાની જરૂર નથી. બધું બરાબર છે એવા ભ્રમમાં તે દુનિયાને રાખતું રહ્યું. આ કારણોસર, બાકીનું વિશ્વ પ્રારંભિક તબક્કામાં જરૂરી તૈયારીઓ કરી શક્યું નથી, જેના કારણે ઉતાવળમાં લોકડાઉન લાગુ કરવું પડ્યું હતું.

બીજું કારણ – રસીકરણ વિશે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોવિડમાંથી બહાર નીકળવાનો એકમાત્ર ઉપલબ્ધ રસ્તો રસીકરણ છે. ચીન પાસે કોરોનાની બે રસી છે. સિનોવાક અને સિનોફાર્મ. બંનેની અસરકારકતા પર પ્રશ્નો ઊભા થાય છે. પશ્ચિમી દેશોએ પણ તેમની રસી આપવાની ઓફર કરી હતી પરંતુ ચીને તેમની મદદનો અસ્વીકાર કર્યો હતો. નવેમ્બર 2022ના સરકારી આંકડાઓ અનુસાર, ચીન 80 વર્ષથી ઉપરની વસ્તીના માત્ર 40 % લોકોને જ કોરોના રસીનો ડોઝ આપવામાં સફળ રહ્યું છે. આ વય જૂથના લોકો સૌથી વધુ જોખમમાં છે.

ચીનની સરકાર રસીકરણની ઝડપ વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે જાન્યુઆરી 2023 સુધીમાં 90 % વૃદ્ધોને રસી આપવાની વાત કરી છે પણ અત્યારે પરિસ્થિતિ કંઈ ઔર ઊભી થઈ છે! ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સરકારોએ સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં પણ સરકારે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. અત્યારે ચીન પોતાના ‘ઈગો’માં સપડાઈ ગયું છે, બહાર નીકળવાનો રસ્તો દેખાતો નથી. ચીનની સ્થિતિ ભલે કથળી હોય આપણે ડરવાની જરૂર નથી. આપણે હવે શું કરવાની જરૂર છે, જાણો છો? બૂસ્ટર ડોઝ લીધો ન હોય એ પહેલાં લઈ લે. લોકોએ માસ્ક ફરજિયાત જાતે જ પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. અત્યાર સુધી ડિસ્ટન્સ મેન્ટેન ન કરતા હો તો હવે ફરી શરૂ કરી દો. હાથ વારંવાર સાફ કરવા જોઈએ, જે પહેલાં કરતા હતા.

જો કોઈને શ્વાસની બીમારી હોય તો જરૂર ના હોય ત્યારે ઘરમાંથી બહાર નીકળવું નહીં. મેળાવડા, ભીડ એકઠી ન થાય તેની જવાબદારી દરેક વ્યક્તિએ માથે ઉપાડી લેવી જોઈએ. થોડા દિવસો પૂરતા મેળાવડા પર લોકોએ જાતે સમજીને પ્રતિબંધ મૂકવો જોઈએ. ભારતમાં અત્યારે સંક્ર્મણ નહિવત છે. લોકો પર પ્રતિબંધની જરૂર નથી. મુસાફરી કરવાની જરૂર હોય તો માસ્ક અવશ્ય પહેરો. આપણે આ વખતે કોરોનાને સાથે મળીને મ્હાત આપવાની ક્ષમતા ધરાવીએ છીએ. ચીન જેવી સ્થિતિનો સામનો આપણે ક્યારેય નહીં કરવો પડે જો આટલું સમજી જઈશું તો.

Most Popular

To Top