Comments

ચીન – ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર

ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. ભારત અને ચીન વચ્ચેનો કુલ વેપાર છેલ્લાં દસ વર્ષમાં કેટલો વધ્યો છે તે નીચેના કોઠા પરથી જોઈ શકાશે. છેલ્લાં દસ વર્ષમાં  આપણી નિકાસ જે ગતિએ વધી છે તે કરતાં આયાત વધારે ગતિથી વધી છે, જેના પરિણામે ચીન સાથેના વેપારમાં ખાધ સતત વધી રહી છે. ભારત આજે ચીન પર એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સથી માંડી લેપટોપ અને નોટબુક સુધીની વસ્તુઓના સ્પેરપાર્ટ, ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં કંટ્રોલ્સમાં વપરાતી ચીપ, કેટલાક ક્રિટિકલ સ્પેરપાર્ટ્સ જેવી અનેક બાબતો પર આધાર રાખીને ચાલે છે. સાથોસાથ ભારતનાં ઉત્પાદનો જેવા કે કપાસ, આયર્ન ઓર, ઘઉં, જેવી આઇટમ ચીન આપણી પાસેથી ખરીદે છે.

મિલીટરી સામર્થ્યની દૃષ્ટિએ આપણી ભૂમિ સેના ચીનનો સામનો કરી શકે એટલી મજબૂત છે પણ નેવી અને એરફોર્સમાં ચીન આપણાથી ઘણું આગળ છે. આમ આપણે ચીનના માલનો બહિષ્કાર કરવા માંગતા હોઈએ તો સૌથી પહેલાં આ આયાતો માટેનો બીજો સપ્લાયર શોધવો પડે અને શક્ય તેટલા અંશે એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ જેવી અનિવાર્ય કાચા માલની આઈટમ જેના વગર ભારતમાં બનતા વિટામિન્સ અને એન્ટિબાયોટિક્સના ઉત્પાદનને મોટો ધક્કો લાગે તે માટેની અવેજીમાં પણ ઘરઆંગણે આ પ્રકારની ક્રિટિકલ આઈટમનું ઉત્પાદન થતું ન હોય તો શરૂ કરવું અને અપૂરતું હોય તો તેને વધારવું એ વ્યૂહરચના પ્રમાણે ચાલવું જોઈએ.

આંતરરાષ્ટ્રીય ન્યુઝ એજન્સી બ્લૂમ્બર્ગ જેનું ફોકસ નાણાંકીય અને કોર્પોરેટ બાબતો પર હોય છે તેણે હમણાં જાહેર કર્યું છે કે ચીન સાથે મોટો વેપાર કરનાર અમેરિકા કે યુરોપની કંપનીઓએ પોલિટિકલ કવરેજ એટલે કે કોઈપણ પ્રકારની રાજકીય ઉથલપાથલ થાય તે જોખમ સામેનું રક્ષણ આપતી પોલીસીના પ્રીમિયમ ૬૭ ટકા જેટલા વધ્યા છે. એક અહેવાલ પ્રમાણે સીટી બેંક, ગોલ્ડમેનસેસ જેવી મોટી બેંકો ચીનમાં શેરબજારનો વેપાર હોય એને હવે સિંગાપોર જેવા બહારના મથકે હેઝ કરીને પોતાનું જોખમ મર્યાદિત કરી રહી છે. ચીનમાં મિલીટરી બળવાની અફવાઓ વચ્ચે થોડા દિવસ પહેલાં જ શી જિનપિંગ વળી પાછા જાહેરમાં આવ્યા હતા, જેણે એ અફવાઓ ખોટી હોવાની વાતને લગભગ પુરવાર કરી છે.

આમ છતાંય એક પાયાનો સિદ્ધાંત ધ્યાનમાં રાખીએ કે આગ હોય તો જ ધુમાડો ઊઠે. એ રીતે આ કિસ્સામાં પણ દાળમાં કંઈક કાળું હોય એ શક્યતા નકારી શકાય નહીં. વીમા કંપનીઓ હવા સૂંઘીને રૂખ પકડે છે કારણ કે એમનો ધંધો જ જોખમ સાથે જોડાયેલો છે. આ સિદ્ધાંતને આપણે નજરમાં રાખીએ તો શેરબજારના રોકાણ સામે મોટી બેંકો પોતાનું જોખમ સિંગાપોરમાં કવર કરીને જોખમની શક્યતા સામે સલામત રહેવાનો પ્રયત્ન કરી રહી છે. આ સંદર્ભમાં જે લોકો/કંપનીઓ વૈશ્વિક શેરબજારમાં રોકાણ કરે છે તેમણે રિસ્ક ઇન્સ્યોરન્સના પ્રીમિયમનો વધારો જોતાં આવનાર બે કે તેથી વધુ અઠવાડિયા ચીન પર નજર રાખવી પડશે. યોગાનુયોગ પહેલી ઓક્ટોબરથી સાતમી ઓક્ટોબર ચીનમાં રજાઓ છે. ૧૬મી ઓક્ટોબરથી ચીનમાં રાજ કરતી પીપલ્સ કોંગ્રેસની મીટીંગ છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top