Columns

અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો સાંસ્કૃતિક વારસાથી વંચિત રહી જાય છે

આજે શ્રીમંત અને શિક્ષિત માબાપોમાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો એક આંધળો ક્રેઝ ચાલ્યો છે. શ્રીમંતોનું અનુકરણ કરતા હોય તેમ મધ્યમ અને ગરીબ વર્ગના વાલીઓ દેખાદેખીથી પોતાને પરવડતું ન હોય તો પણ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. અગાઉ શ્રીમંત અને ઉચ્ચ મધ્યમ વર્ગના વાલીઓ એવી દલીલ કરતા હતા કે,”શું કરીએ? અમારે તો બાળકને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવું છે, પણ ત્યાં હવે સમાજના નીચલા થરનાં બાળકો જ ભણવા આવતાં હોય છે.

આવાં બાળક સાથે રહીને અમારાં બાળકના સંસ્કાર બગડી ન જાય?’આ દલીલ હવે કામ આવે તેવી નથી, કારણ કે હવે તો ગરીબો પણ પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માંડ્યા છે. અમે જે સોસાયટીમાં રહીએ છીએ તેની ઝાડુવાળી પણ પોતાના દીકરાને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. હવે તો માતૃભાષાના પ્રેમી, પ્રબુદ્ધ અને દીર્ઘદૃષ્ટા ગુજરાતી માબાપોએ એવો પ્રવાહ શરૂ કરવો જોઇએ કે અમે અમારાં બાળકોને માતૃભાષામાં જ શિક્ષણ આપીશું અને તે શિક્ષણ પણ મેકોલેની પદ્ધતિનું નહીં હોય પણ શુદ્ધ ભારતીય પદ્ધતિનું જ હશે.

આજે આપણી માતૃભાષાને બચાવવા માટે જેટલી અસર ધર્મગુરુઓની થઇ શકે છે, તેટલી કદાચ બીજા કોઇની ન થાય. આજે જો મોરારી બાપુ, પ્રમુખ સ્વામી, રમેશ ઓઝાજી વગેરે સંતો માબાપોને તેમનાં બાળકોને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવાની પ્રેરણા કરે તો તેમના લાખો અનુયાયીઓ આ પ્રેરણા ઝીલી શકે તેમ છે. હમણાં વિદ્વાન જૈન મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મહારાજનું ‘શિક્ષણની સોનોગ્રાફી’નામનું પુસ્તક વાંચવાનું થયું. આ પુસ્તકમાં મુનિરાજશ્રીએ એક આખું પ્રકરણ અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાથી આપણી સંસ્કૃતિનો કેવી રીતે નાશ થાય છે, તે સમજાવવા માટે લખ્યું છે. મુનિશ્રી કહે છે,”કોઇ પણ જનસમૂહની ખાસિયતો, તેની પરંપરાગત સંસ્કૃતિ, પ્રજાને વારસામાં મળેલા નૈતિક મૂલ્યો વગેરેને તે પ્રજાની ભાષા સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે.

અંગ્રેજી ભાષાની ડિક્ષનરીમાં ‘ઘી’શબ્દનો અંગ્રેજી પર્યાય નહીં મળે. અંગ્રેજી ભાષામાં ‘ઘી’નામનો શબ્દ જ નથી. ‘ઘી’ને તેઓ ‘બટર ઓઇલ’કહે છે. આ બે તદ્દન અલગ વસ્તુઓ છે. ‘ઘી’શબ્દ સાથે એક આખી સંસ્કૃતિ સંકળાયેલી છે. ‘ઘી’યાદ કરીએ એટલે ગીરની ગાયોનો મધુર ઘંટારવ કાનમાં ગુંજવા લાગે અને તેમનું શેડકઢું ધારોષ્ણ દૂધ પણ યાદ આવે. આવું દૂધ પીવાનું હવે તો શહેરી નાગરિકોના ભાગ્યમાં જ નથી રહ્યું. તેમણે તો ડેરીના ઠંડા અને વાસી દૂધથી જ સંતોષ માનવો પડે છે. ‘ઘી’શબ્દ સાથે થીજેલું દહીં, અમૃતતુલ્ય છાસ, ઘમ્મરવલોણું, છાસમાં તરતું માખણ, તાવડો અને સોડમ સંકળાયેલા છે. ‘બટર ઓઇલ’શબ્દમાં આ સંસ્કૃતિનું નામનિશાન જોવા નહીં મળે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકને જો ‘ઘી’વિષે નિબંધ લખવાનું કહેવામાં આવશે તો તે લખશે,” બજારમાં મળતું ડાલ્ડા ઘી મને બહુ ભાવે છે.’શુદ્ધ ઘી અને ડાલ્ડા વચ્ચે જેટલો ફરક છે, તેટલો ફરક માતૃભાષા અને અંગ્રેજી માધ્યમ વચ્ચે છે. આ વાત ‘ડાલ્ડા ઘી’ખાઇને ઉછરેલી પેઢીના મગજમાં નહીં ઉતરે.

ગુજરાતી ભાષામાં સગપણ સૂચવવા માટે જેટલા શબ્દો છે, તેના દસમા ભાગના શબ્દો પણ અંગ્રેજીમાં નથી. અંગ્રેજીમાં ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, હસબન્ડ, વાઇફ, અંકલ, આન્ટી, નેવ્યુ, નીસ, સન, ડોટર, કસીન એવા એકાદ ડઝન શબ્દોમાં સંબંધો સંકેલાઇ જાય છે. તેની સામે ગુજરાતી ભાષાનો શબ્દવૈભવ જુઓ : પિતાશ્રી, માતુશ્રી, ભાઇ, ભાભી, બહેન, બનેવી, નણંદ, નણદોઇ, દિયર, દેરાણી, જેઠ, જેઠાણી, સાળો, સાળાવેલી, સાળી, સાઢુભાઇ, કાકા, કાકી, મામા, મામી, ફોઇ, ફુઆ, માસા, માસી, પુત્ર, પુત્રવધૂ, પુત્રી, જમાઇ, પૌત્ર, પૌત્રી, દાદા, દાદી, નાના, નાની, દોહિત્ર, દોહિત્રી, ભત્રીજો, ભત્રીજી, ભાણિયો, ભાણી, સાસુ, સસરા, વેવાઇ, વેવાણ, પતિ, પત્ની, ભાભુ, ભાઇજી, કાકાજી, કાકીજી, મામાજી, મામીજી, માસાજી, માસીજી, ફોઇજી, ફુઆજી વગેરે.

ગુજરાતી ભાષાનો આ શબ્દવૈભવ જ નથી પણ ગુજરાતી પ્રજાનો આ સંબંધવૈભવ છે. માતૃભાષાના ધાવણ પીને ઉછરેલાં બાળકો આ દરેક સગપણનો વૈભવ માણી શકે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોના સંબંધોની સૃષ્ટિ પણ એકાદ ડઝન લોકો સુધી સિમિત થઇ જાય છે. માતૃભાષા માતાના ધાવણ જેવી છે તો અંગ્રેજી માધ્યમ ડબ્બામાં પેક બેબીફૂડ છે. બેબીફૂડનો આહાર કરનારી પ્રજા આખી જિંદગી માંદી જ રહે છે. અંગ્રેજોની સંસ્કૃતિમાં ક્રૂરતા વણાયેલી છે, એટલે તેમાં ક્રૂરતાસૂચક શબ્દો બહુ જોવા મળશે. ગુજરાતીમાં ખૂન અથવા હત્યા શબ્દના ભાગ્યે જ બે-ત્રણ પર્યાયો મળશે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજોની સંસ્કૃતિ હત્યાની નિષ્ણાત છે.

તેમાં હત્યા માટે મર્ડર, એસેસીનેશન, કિલ્લિંગ, હોમિસાઇડ, પેટ્રિસાઇડ, મેટ્રિસાઇડ, જેનોસાઇડ, સ્યુસાઇડ, એક્સટર્મિનેશન, એક્ઝીક્યુશન વગેરે અનેક શબ્દોની ભરમાર જોવા મળશે. ગુજરાતીમાં માંસનો ભાગ્યે જ કોઇ પર્યાય મળશે. અંગ્રેજોની સંસ્કૃતિ માંસાહારીઓની સંસ્કૃતિ છે. આ કારણે જ અંગ્રેજી ભાષામાં માંસ માટે મીટ, મટન, ફ્લેશ, પોર્ક, બીફ, ચીકન, વેનિસન વગેરે અનેક શબ્દો જોવા મળે છે. બાળક શુદ્ધ શાકાહારી અને અન્નાહારી બને તેવું ઇચ્છતા માબાપોએ તેને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવું જોઇએ. તે માંસાહારી બને તેવું ઇચ્છતા માબાપોએ અંગ્રેજી માધ્યમમાં ભણાવવો જોઇએ.

કોઇ માણસ મરણ પામે ત્યારે અંગ્રેજી ભાષામાં તેનું ‘સેડ ડિમાઇસ’થાય છે. અંગ્રેજોનું મરણ હંમેશા ‘સેડ’એટલે કે દુ:ખદ જ હોય છે, કારણ કે તેઓ આત્મા, પુનર્જન્મ, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરેમાં વિશ્વાસ કરતા નથી. આર્ય દેશમાં કોઇ પણ માણસનું મૃત્યુ થાય ત્યારે તેમનો ‘સ્વર્ગવાસ’થયો તેમ કહેવાય છે. અંગ્રેજી ભાષાના ગુલામો હંમેશા ‘દુ:ખદ મરણ’પામતા હોય છે, જ્યારે માતૃભાષાના પ્રેમીઓ મરીને પણ સ્વર્ગમાં વાસ કરતા હોય છે. જૈન ધર્મમાં તો વળી ‘સમાધિમરણ’શબ્દ વાપરવામાં આવે છે. ‘સમાધિમરણ’નો અર્થ થાય છે, મનની શાંતિપૂર્વકનું, કોઇ પણ જાતની હાયવોય વગરનું મરણ. અંગ્રેજી ભાષામાં ‘સમાધિમરણ’શબ્દના કોઇ પર્યાય મળી શકે ખરા?

ગુજરાતી ભાષામાં સવારના નાસ્તાને શિરામણ કહેવામાં આવે છે. સવારના નિત્યકર્મ પતાવીને ચોખ્ખા ઘીનો ગરમાગરમ શીરો ખાવો, તેનું નામ શિરામણ. મહારાષ્ટ્રના અને ગુજરાતના અનેક ભાગોમાં આજે પણ સવારના નાસ્તામાં ગરમાગરમ શીરો ખાવાનો રિવાજ છે. આ ક્રિયાને અંગ્રેજીમાં ‘બ્રેકફાસ્ટ’કહેવામાં આવે છે. જેઓ ‘બ્રેકફાસ્ટ’કરે છે તેઓ બ્રેડ, બિસ્કુટ અને કોર્ન ફ્લેક્સ ખાય છે, જે ભારતની આબોહવા માટે જરાય અનુકુળ નથી. જેઓ શિરામણ કરે છે તેઓ ઘીનો શીરો, શેડકઢું દૂધ અને બાજરાના ગરમા ગરમ રોટલા ખાય છે.

જેઓ ‘બ્રેકફાસ્ટ’કરે છે તેઓ વાસી બ્રેડ ઉપર વાસી બટર ખાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણનાર બાળક ‘બ્રેકફાસ્ટ’નો આદતી બની જાય છે, ગુજરાતી માધ્યમમાં ભણનાર બાળક શિરામણની મજા માણે છે. જેઓ અંગ્રેજી માધ્યમમાં ભણીને દેશી અંગ્રેજ બની જાય છે, તેઓ ગુજરાતી મહિના અને પરદુ:ખભંજન વિક્રમ રાજાએ પ્રવર્તાવેલી સંવતથી પણ દૂર ખેંચાઇ જાય છે. બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચૌદસ, પૂનમ, અમાસ વગેરે પર્વતિથિઓ તેમને યાદ પણ નથી રહેતી. તેમના માટે તો દર સપ્તાહે એક જ પર્વ આવે છે, જે રવિવાર, એટલે કે ખ્રિસ્તીઓ માટે દેવળ જવાનો દિવસ હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top