Madhya Gujarat

કોર્પોરેશનની આંગણવાડીઓના બાળકો આનંદો :હવે 6 દિવસ ફ્લેવર્ડ મિલ્ક અપાશે

વડોદરા: શહેર મા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંગણવાડી કેન્દ્રોના તમામ બાળકોને અઠવાડીયામાં 6 દિવસ સરકારની દૂધ સંજીવની યોજના અંતર્ગત ડેરીનું ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ મિલ્ક આપવાની દરખાસ્તને સ્થાયી સમિતિ સમક્ષ પુનઃ રજૂ કરવામાં આવી છે. આઇ.સી.ડી.એસ. અર્બન પ્રોજેકટ માટે વર્ષ 2014 થી સ્થાયી સમિતિ કરેલા ઠરાવના આધારે તમામ બાળકોને ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવતું હતું.

કોરોના મહામારીના કારણે માર્ચ-2020 માં આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા અને દૂધ આપવાનું બંધ કરાયું હતું, જે વધારાની જોગવાઇઓ સાથે પુન: શરૂ કરવાનું વિચારાયું છે, હાલના 438 આંગણવાડી કેન્દ્રો અને મધ્યસ્થ સેન્ટ્રલ જેલની મિની આંગણવાડી કેન્દ્ર તેમજ ભવિષ્યમાં સરકાર દ્વારા મંજુર થનાર આંગણવાડીઓના તમામ બાળકોને સરકારની દૂધ સંજીવની યોજના અંતર્ગત અઠવાડિયામાં બે વખતના બદલે હવે 6 દિવસ આપવામાં આવશે. તમામ બાળકોને બાળક દિઠ 100 મીલી મિલ્ક આપવાનું થાય છે, પરંતુ બાળકોની જરૂરીયાતને ધ્યાને લઈ જરૂર જણાય તો 200 મીલી પણ અપાશે. ફ્લેવર્ડ મિલ્કના પાઉચને બગડતું અટકાવવા અને તેની ગુણવત્તા જાળવી રાખવા માટે ઇન્સ્યુલેટેડ બોક્ષમાં રાખવા હિતાવહ છે, જે માટે તમામ આંગણવાડીને એક-એક ઇન્સ્યુલેટેડ બોક્ષ આપવાની જરૂરીયાત છે, ફ્લેવર્ડ મિલ્કના ટ્રાન્સ્પોર્ટેશન માટે પાઉચની સંખ્યા મુજબ વખતો-વખત ઇન્સ્યુલેટેડ બોક્ષની માંગણી કરવામાં આવે છે.

તે મુજબના ઇન્સ્યુલેટેડ બોક્ષ ડેરીને ખરીદી આપવાના થશે, ફ્લેવર્ડ મિલ્ક તેમજ તેને લગત અન્ય ખર્ચ માટે 2023-24 ના બજેટમાં મંજુર કરેલ 2.50 કરોડના અંદાજ પેટે પાડવામાં આવશે. હાલ આ યોજનાનો અમલ 3 થી 6 વર્ષના આંગણવાડી ખાતે પુરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવતા આશરે 10,120 બાળકોને 100 મીલી ફ્લેવર્ડ મિલ્ક આપીને શરૂ કરવામાં આવશે. જોકે આગામી વર્ષોમાં જરૂરિયાત અને પરિસ્થિતિ મુજબ તમામ આશરે ૩૦,૦૦૦ બાળકો માટે અમલમાં મુકી શકાશે, આ કામનો વર્ષ 2023-24 નો અંદાજીત વાર્ષિક ખર્ચ રૂ.1,92,31,278 થવા સંભાવના છે.

Most Popular

To Top