Dakshin Gujarat Main

દક્ષિણ ગુજરાતને મેઘાએ ધમરોળ્યું, નવસારી બેટમાં ફેરવાયું, બારડોલીમાં 24નું રેસ્ક્યુ, ખાનવેલમાં પૂર

સુરત: ગુરુવારની આખી રાત મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે. બે કલાકમાં પાંચ ઈંચ વરસાદના લીધે નવસારી બેટમાં ફેરવાઈ ગયું છે. વલસાડ, કપરાડામાં પણ ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં રાતોરાત પાણી ભરાઈ ગયા છે. બારડોલી ખાતે મીંઢૉળા નદી પર આવેલ લો લેવલ કોઝવે ઓવરફ્લો થયેલ છે. રસ્તો બંધ કરાયો છે. બારડોલીમાં વરસાદી પાણીમાં ફસાયેલા 24 અને ખાનવેલમાં 21 લોકોનું રેસ્ક્યુ કરાયું છે.

સુરત જિલ્લાના બારડોલી-મહુવામાં આભ ફાટ્યું, મીંઢોળામાં પૂર
છેલ્લાં 24 કલાકમાં સુરત જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યું છે. મહુવામાં 12 ઈંચ તો બારડોલીમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે સુરત જિલ્લા કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી છે. બારડોલીમાં સુગર નજીક આવેલો રેલવે અંડર પાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

બારડોલીની મીંઢોળા નદીમાં પૂર ની પરિસ્થિતિ છે. બારડોલી કોર્ટ ની સામે આવેલ ખાડા વિસ્તારમાં ભરાયા પૂર ના પાણી ભરાયા છે. પશુ પાલોકોએ પોતાના ઢોળોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. મીંઢોળા નદીના પૂર ના પાણી લોકોના ઘરોમાં ભરાતા ઘરો પાણીમાં ડૂબ્યા છે.

બારડોલીમાં મીંઢોળા નદી કિનારે આવેલી બે સોસાયટીમાં 24 લોકો ફસાયા, ફાયરે રેસ્ક્યુ કર્યું
દક્ષિણ ગુજરાતમાં ગુરુવારની રાત્રે પડીલા ધોધમાર વરસાદને પગલે બારડોલીની એક સોસાયટીઓમાં મિઢોળા નદીના પાણી ઘુસી જતા ફાયર વિભાગ દોડતું રહ્યું હતું. એટલું જ નહીં પણ ભારે વરસાદ વચ્ચે બારડોલી ફાયરના જવાનોએ રાત્રીના અંધારામાં અનેક લોકોને 5 ફૂટમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કામગીરીને સફળ બનાવી હતી. અક્ષય ચૌધરી એ જણાવ્યું હતું કે જલારામ મંદિર પાછળ કોડીવાડ માંથી 13 વ્યકિતઓને અને BM નગરમાંથી 11 વ્યક્તિઓને લાઈફ જેકેટ, રિંગ બોયા અને રસ્સા ની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

અક્ષય ચૌધરી (ઓપરેટર, બારડોલી ફાયર વિભાગ) એ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગુરુવારની રાત્રે મેઘરાજા મન મૂકી ને વરસતા અનેક નદીઓનું જળ સ્તર વધી ગયું હતું. એટલું જ નહીં પણ અનેક ગામોમાં ઉભરાયેલી નદીના પાણી ઘુસી ગયા હતા. આખી રાત લોકો પાણી વચ્ચે રાત ગુજારવા મજબુર બન્યા હતા. જેમાં બારડોલીની કેટલીક સોસાયટીઓ અને નિચાણ વાળા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

વધુમાં જણાવ્યું હતું કે ગુરુવારની રાત્રે 11 થી સવારે ચાર વાગ્યા સુધીમાં બારડોલીમાં લગભગ 7-8 ઇંચ વરસાદ પડ્યો હોય એમ કહી શકાય છે. એટલું જ નહીં પણ નવસારી જિલ્લામાં ભારે વરસાદ ને કારણે મિઢોળા નદીનું જળ સ્તર વધી ગયું હતું. જેની અસર બારડોલી માં પણ દેખાય હતી. BM નગર અને જલારામ મંદિર પાછળ નો કોડીવાડ વિસ્તારમાં નદીના પાણી ઘુસી ગયા હતા. જેને લઈ આખી રાત ફાયર વિભાગ દોડતું રહ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે આ બન્ને સોસાયટીઓમાંથી ફાયરના જવાનોએ 5 ફૂટ પાણીમાં ફસાયેલા લગભગ 24-25 વ્યક્તિઓ નું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. લાઈફ જેકેટ, રિંગ બોયા અને રસ્સા ની મદદથી ફાયરના 6 જવાનો સતત પાણીમાં રહીને લોકોની મદદે રહ્યા હતા. ચાલુ વરસાદ અને રાત્રીના અંધારામાં રેસ્ક્યુ કામગીરી ખૂબ જ અઘરી કહી શકાય છે. જોકે આવા સમયમાં કરેલી કામગીરી યાદગાર પણ રહે છે.

સુરત જિલ્લાના માંડવીમાં આવેલા લાખી ડેમની જળાશય સપાટી હાઈ એલર્ટ પર, 7 ગામમાં એલર્ટ
સુરત માંડવી તાલુકાના લાખી ગામ ખાતે દરવાજા વિનાનો આવેલો છે. આ ડેમની પુર્ણ સપાટી છે. જે તા.28/7/2023 ના રોજ 9 વાગે ડેમની સપાટી 73.25 મીટર પહોપ્યો છે. હાલમાં લાખીગામ ડેમ તેની કુલ સંગ્રહશક્તિના 80% જથ્થો પાણી ભરાયેલો છે. જેથી ડેમની હાલની સપાટી એલર્ટ સ્ટેજના લેવલે ભરાઈ ગયેલો છે.

ભારે વરસાદના કારણે ડેમની સપાટી ગમે તે સમયે પુર્ણ સપાટી 74.10 મીટર પહોચીંને ઓવરફલો થવાની શકયતા રહેલી છે. જેથી લાખીગામ ડેમના હેઠવાસમાં આવેલા અસરગ્રસ્ત ગામોમાં કમલકુવા, બેડધા, ભાતખાઈ, સરકુઈ, માણક ઝર, રખાસ ખાડી અને લાખગામ ગામોમાં કોઈ અનિચ્છછનીય બનાવ ન બને તેના ભાગ રૂપે તલાટી કમ મંત્રીઓએ હાજર રહીને સંબંધિત પોલીસ સ્ટેશનના સંપર્કમાં રહી પોલીસ ગાર્ડને અસરગ્રસ્ત ગામોમાં હાજર રાખવા સુરતના ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જણાવાયું છે.

પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં નવસારી-બારડોલી રોડ બંધ થાય તેવી શક્યતા.

નવસારીની નદીઓ છલકાઈ, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારી શહેર-જિલ્લામાં છેલ્લાં 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 24 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાત્રિ દરમિયાન બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા નવસારી બેટમાં ફેરવાઈ ગયું છે. જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા જેવી નદીઓ છલકાઈ ગઈ છે. અંબિકા નદીની સપાટીમાં બે કલાકમાં 10 ફૂટનો વધારો નોંધાયો છે. હાલ અંબિકા નદી 25.50 ફૂટ પર વહી રહી છે. કાવેરી નદીમાં પાણીનું સ્તર વધતા નદી કિનારે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે.

દરમિયાન પૂર્ણા નદીમા પાણીના સ્તરમાં વધારો બારડોલી નવસારી રોડ બંધ થાય તેમ છે. ઉપરવાસમાં અને નવસારી શહેરમાં પડેલા ભારે વરસાદના લીધે પૂર્ણા નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા કુલ 517 લોકોને સુરક્ષિત સ્થળે આશ્રય સ્થાનોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

વલસાડમાં 84 માર્ગો બંધ કરાયા, સ્કૂલ કોલેજો બંધ
વલસાડ જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો છે, જેના લીધે અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તેના પગલે જિલ્લામાં 84 માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. તે ઉપરાંત કપરાડા તાલુકામાં 30 માર્ગો બંધ કરાયા છે. કપરાડા અને સંઘ પ્રદેશને અડીને આવેલા ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. અહીંના સીલધા ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતીનો પાક નિષ્ફળ થયો છે. અહીં ચેક ડેમ કોઝવે ડૂબ્યા છે. જન જીવન ખોરવાઈ ગયું છે. ખાનવેલમાં ફસાયેલા 21 લોકોનો રેસ્ક્યુ કરાયું છે.

વલસાડમાં કૈલાસ રોડ પર આવેલા પુલ પરથી ઔરંગા નદીનું પાણી વહેવા લાગ્યું.

વલસાડ ઔરંગા નદીમાં પુર આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદને કારણે તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં પણ પાણીનું લેવલ વધ્યું છે અને નદી ભયજનક સપાટીએ વહેતા નદી કિનારે આવેલા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

કૈલાસ રોડ ઔરંગા નદીના પુલ પરથી પાણી વહેવા લાગ્યું છે. ઔરંગા નદી કિનારે આવેલા કાશ્મીર નગર , વલસાડ પારડી.બંદર રોડ , હનુમાન ભાગડા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાત્રે સજાયેલી પરિસ્થિતિ બાદ તાત્કાલિક તંત્રની ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી. અને લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી હતી.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની કોલક નદી બે કાંઠે
વલસાડ જિલ્લાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કોલક નદી બે કાંઠે વહી હતી. કોલક નદી બે કાંઠે વહેતા અને અરનાલા અને પાટી ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પારડી તાલુકામાં અરનાલા અને પાટી ગામની વચ્ચેથી વહેતી કોલક નદીના કોઝવે ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા લોકોને જીવના જોખમે પસાર થવાની ફરજ પડી હતી.

આ માર્ગ વલસાડ જિલ્લાના ચાર તાલુકાના લોકોને ઉપયોગી વલસાડ, ધરમપુર ,પારડી, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસ વાપી જવા માટે શોર્ટ કટ હોવાથી કામદારોના વાહનો પણ અહીથી પસાર થાય છે. કોલક નદી પર પારડી અને કપરાડા તાલુકાના અનેક કોઝવે ગરક પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર અટકી ગયો છે. પાણી વધતા અને કોઝવે બંધ થતાં અનેક ગામને અસર થઈ છે.

ઉલ્લેખનિય છે કે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીને કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે. અરનાળા અને પાટી ગામ સંપર્ક વિહોણા થઇ જતા હોવાની ઘટના પણ ઘટી છે. પરંતુ તંત્રને ગ્રામજનોની હાલાકી દેખાતી નથી. વલસાડ જિલ્લાના વાંકલ થી ફ્લાધર ચિંચાઈ નેવરી ધગળમાળ ધોધડકુવા સુખાલા થઈ વાપી જોડતો મુખ્ય માર્ગ હોય પ્રતિ દિન હજારો લોકોની અવરજવર થતી હોય છે.

મધુબન ડેમમાંથી પાણી છોડાતા દા.ન.હ. અને ખાનવેલમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, સ્કૂલ-કોલેજો બંધ
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી નાનુપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ ડેમમાંથી તબક્કાવાર રીતે છોડવામાં આવેલા પાણીને લઈ સેલવાસના ખાનવેલ સહિત આસપાસના નદી નાળા છલકાઈ જતાં પુર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે.

મોડી રાત્રે ખાનવેલ નજીક આવેલા ભગતપાડા ગામમાં પાણી ફરી વળતા 21 જેટલા લોકો પાણીની વચ્ચે ફસાઈ જતાં એન.ડી.આર.એફ. ની મદદ થી રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

હાલ ગામડાઓમાં મોડી રાત્રે ફરી વળેલા પાણી ઓસરી જવા પામતા લોકો એ હાશકારો મેળવ્યો છે. જો કે તંત્રએ નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો ને સતર્ક રહેવા અપીલ કરી છે. હાલ અત્યારે મધુબન ડેમ માંથી 10 દરવાજા 2.5 મીટર સુધી ખોલી 93112 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

મધુબન ડેમના કેચમેન્ટમાં પડેલા વરસાદને લીધે નદીઓમાં જળસ્તર વધ્યા છે. મધુબેન ડેમમાંથી દર કલાકે 1 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. તે ઉપરાંત દાનહના વિવિધ વિસ્તારોમાં પડી રહેલા વરસાદને પગલે પ્રદેશના કલેકટરે આજરોજ પ્રદેશની તમામ સ્કૂલ, કોલેજ, આંગણવાડી સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાને બંધ રાખવા આદેશ આપ્યો છે.

કપરાડામાં જળબંબાકાર, સિલધાં ગામમાં 30 વર્ષ બાદ પૂર આવ્યું
કપરાડા તાલુકાના જળબંબાકરની પરિસ્થિતિ સર્જાઈ છે. તાલુકાના વરવઠ ગામ ખાતે પાણીમાં 4 લોકો ફસાયેલા હોવાની માહિતી મળતા તાલુકા ડિઝાસ્ટર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તે અગાઉ ફસાયેલા 4 ઈસમો સહી સલામત પોતાની રીતે પરત આવી જતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

એજ રીતે સિલધાં ગામમાં 30 વર્ષ બાદ ભારે પુર આવતા સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા અને ખેતીને મોટું નુકશાન પહોચ્યું હતું. તો જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થતાં ખેડૂતો બને બાજુથી મુશ્કેલીમાં મુકાયા છે. અન્ય ગામોમાં.પણ મોટા નુકશાનના સમાચાર છે

Most Popular

To Top