National

CBIએ હોક 115 એડવાન્સ જેટ ટ્રેનર વિમાનની ખરીદીમાં ભ્રષ્ટાચાર બદલ રોલ્સ રોયસ સામે કેસ દાખલ કર્યો

નવી દિલ્હી: ભારતીય હવાઈ દળ અને નૌકાદળ માટે હોક 115 એડવાન્સ્ડ જેટ ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીમાં કથિત રીતે લાંચ આપવા બદલ બ્રિટિશ એરોસ્પેસ અને સંરક્ષણ કંપની રોલ્સ રોયસ (Rolls Royce) પીએલસી, તેના ટોચના અધિકારીઓ અને શસ્ત્રોના ડીલરો સામે સીબીઆઈએ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

સીબીઆઈએ છ વર્ષ જૂની પ્રાથમિક તપાસ પૂરી કર્યા બાદ રોલ્સ રોયસ ઈન્ડિયાના ડીરેક્ટર ટિમ જોન્સ, કથિત હથિયારોના ડીલરો સુધીર ચૌધરી અને ભાનુ ચૌધરી, રોલ્સ રોયસ પીએલસી અને બ્રિટિશ એરોસ્પેસ સિસ્ટમ્સ વિરુદ્ધ આઈપીસી કલમ 120-બી (ગુનાહિત કાવતરું) અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કર્યો છે. આ અંગે ટિપ્પણી માટે રોલ્સ રોયસનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ કોઈ જવાબ મળ્યો ન હતો.

2017માં બ્રિટનની એક અદાલતના ચુકાદામાં પણ સોદો કરવા માટે કંપની દ્વારા વચેટિયાઓની સંડોવણી અને કમિશન ચુકવવાનો ઉલ્લેખ કરાયો હતો, એમ તેમણે કહ્યું હતું. 3 સપ્ટેમ્બર, 2003ના રોજ સુરક્ષા પર કેબિનેટ કમિટિએ 66 હોક 115 એજેટીની ખરીદીને મંજૂરી આપી હતી જેમાં 42 વિમાનનું ઉત્પાદન એચએએલ દ્વારા થવાનું હતું એવો આરોપ છે કે 2003-12 દરમિયાન આ આરોપીઓએ અજાણ્યા સરકારી અધિકારીઓ સાથે મળીને કાવતરું કર્યું હતું જેમણે 734.21 મિલિયન પાઉન્ડના 24 હોક 115 એજેટીની ખરીદી માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. વધારામાં તેમણે રોલ્સ રોયસ દ્વારા સામગ્રી પૂરી પાડવાની સામે એચએએલ દ્વાર 42 વધારાના વિમાન ઉત્પાદનના લાયસન્સને મંજૂરી આપી હતી, આ માટે ઉત્પાદકના લાયસન્સ ફી માટે વધારાની રકમ 308.247 મિલિયન ડોલર અને 7.5 મિલિયન ડોલર લેવામાં આવી હતી.
સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો આ સોદો મોટી લાંચ, કમિશનના બદલે કરવામાં આવ્યો હતો જેની ચુકવણી રોલ્સ રોયસ દ્વારા વચેટિયાઓ્ને કરવામાં આવી હતી.

2012માં, રોલ્સ રોયસની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા મીડિયા અહેવાલો સામે આવ્યા, જેના પરિણામે સિરિયસ ફ્રોડ ઓફિસ, લંડન દ્વારા તપાસ કરવામાં આવી. કંપનીએ નિવેદન તૈયાર કર્યું હતું જેમાં ઈન્ડોનેશિયા, મલેશિયા અને ભારત જેવા દેશો સાથેના વ્યવહારોમાં લાંચ અને કમીશનની ચુકવણીઓ જાહેર કરાઈ હતી.

Most Popular

To Top