Charchapatra

નો રિલીજીયન નો કાસ્ટ

થોડા સમય પહેલાં અમદાવાદ નજીક રહેતા એક બ્રાહ્મણ રીક્ષાચાલકની દીકરીએ એના સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટમાંથી જ્ઞાતિ, ધર્મ અમે જાતિનો ઉલ્લેખ રદ કરાવેલ. સ્નેહા પ્રતિભારાજા નામની છોકરીએ પણ મદ્રાસ હાઇકોર્ટમાં એના સર્ટીફીકેટમાંથી જ્ઞાતિનો ઉલ્લેખ દૂર કરવા ત્રણ વર્ષ પહેલાં અરજી કરેલ. આ કિસ્સાઓમાંથી પ્રેરણા લઇ રાજગોર બ્રાહ્મણ પરિવારની આઇ.ટી. પ્રોફેશનલ કાજલ ગોવિંદભાઇએ એની જ્ઞાતિને કારણે સહન કરવા પડતા ભેદભાવથી કંટાળી ‘‘નો રીલીજીયન, નો કાસ્ટ‘‘નું સર્ટીફીકેટ મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરેલ છે.

આ પ્રકારની અરજીમાં કરાયેલ રજૂઆત પ્રમાણે કોઇ પણ વ્યક્તિના પ્રમાણપત્રમાં જ્ઞાતિનો ઉલ્લેખ કરવાનું જ રદ કરવામાં આવે તો જ્ઞાતિને આધારે થતા અન્યાય ઓછા ન થાય? સમય જતાં જે તે વ્યક્તિ એની મૂળ જ્ઞાતિ ભૂલી જાય એવું ન બની શકે? રાજકારણીઓ જે તે જાતિ/જ્ઞાતિનાં લોકોનો એમના વોટ માટે ઉપયોગ કરે છે એનું પ્રમાણ પણ ઘટી ન શકે? આ કેસોની વિગતો વાંચતાં એવો પણ વિચાર આવ્યો કે માણસનો ચોક્કસ જ્ઞાતિમાં જન્મ એ કુદરત આધીન ઘટના છે. પોતે કઇ જાતિમાં જન્મ લેવો એ કોઇ પણ વ્યક્તિ નક્કી કરી શકતી નથી અને દરેક માણસની જ્ઞાતિ/ જાતિ એના જન્મ પછી જ નક્કી થતી હોય છે એ સંજોગોમાં આપણે આઝાદ થયાને આટલાં વર્ષો પછી પણ ન્યાત જાતના વાડામાંથી બહાર કેમ નથી આવી શકતા? અલબત્ત અમુક કક્ષાએ આ ભેદભાવ નહિવત્ હોઇ શકે અને એ પણ હકીકત છે કે જ્યાં અને જે લોકોમાં શિક્ષણ અને સંસ્કારનું પ્રમાણ ઘણું સારું છે ત્યાં આ ભેદભાવ ઘણા ઓછા જોવા મળે છે.

એવા ઘણાં કહેવાતી નીચી કે ઊંચી જ્ઞાતિનાં કુટુંબો છે અને હશે, જે કુટુંબો અને એમનાં સંતાનો એમની સંસ્કારિતા, લાયકાત, એમના ભણતર અને તેજસ્વિતાને કારણે જ સર્વે માટે આદરને પાત્ર બન્યા છે. આ હકીકતો જોતાં એવું લાગે છે કે આજે તાતી જરૂર છે વૈચારિક પરિવર્તન દ્વારા ન્યાત-જાતના વાડામાંથી બહાર આવવાની. જેથી કોઇ વ્યક્તિ, સંસ્થા કે રાજકીય પક્ષો લોકોનો એમનાં હિતો સાધવા (દુર) ઉપયોગ ન કરી શકે કે એમને ગેરમાર્ગે ન દોરવી શકે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top