Madhya Gujarat

શહેરા તાલુકાના ઉમેદવારોએ વાહનોની રેલી કાઢી ફોર્મ ભર્યા

       શહેરા: શહેરા તાલુકાની 58 ગ્રામ પંચાયતમાં  ચૂંટણીનો માહોલ જામતા સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવાર  તેમના સમર્થકો સાથે  મોટી સંખ્યામાં વાહનોના કાફલા સાથે વિજય મુહૂર્તમાં  ઉમેદવારી નોંધાવી હતી.તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે પાંચ દિવસમાં  સરપંચમા 282 અને વોર્ડ સભ્ય મા 809 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. શહેરા તાલુકામા  19 ડિસેમ્બર ના રોજ  ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર હોવાથી સરપંચ અને વોર્ડ સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. શનિવારના રોજ અમાસ હોવાથી શુક્રવારના રોજ તાલુકા પંચાયત  અને મામલતદાર કચેરી ખાતે 58 જેટલી ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવનાર ઉમેદવારો અને  તેમના  સમર્થકો   સંગીતની સુરાવલી વચ્ચે વાજતે ગાજતે વાહનોના કાફલા સાથે આવ્યા હતા.

ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટેની ઉમેદવારી નોંધાવી હતી. ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વાહનોના કાફલા સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવતા બસ સ્ટેશન સહિત માર્ગની આજુબાજુમાં આડેધડ વાહન પાર્કિંગ કરી દેતા  ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સોમવારથી શુક્રવાર સુધી એટલે  પાંચ દિવસમાં  અંદાજિત સરપંચ મા 282 અને વોર્ડ સભ્ય મા 809 ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરાતા આ વખતની ચૂંટણી ભારે રસાકસી રહશે તો નવાઈ નહી. ગ્રામીણ વિસ્તારમાં આવેલ ૫૮ ગ્રામ પંચાયતમાંથી 5 જેટલી ગ્રામ પંચાયત  સમરસ થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા આ વખતની ચૂંટણી ઇવીએમ મશીનથી નહિ પણ બેલેટ પેપરથી યોજાનાર હોય જેને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

Most Popular

To Top