Comments

સીએએ પછી શું આપણે એનપીઆર અને એનઆરસીની અપેક્ષા રાખી શકીએ?

સીએએ (સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ) પછી શું આપણે એનપીઆર (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર) અને એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ)ની અપેક્ષા રાખી શકીએ? તે તેના પર નિર્ભર રહેશે કે કોઈ સરકારમાં કોના પર વિશ્વાસ કરે છે. ચાલો, વાસ્તવિક ઘટનાક્રમ પર એક નજર કરીએ. શાહીન બાગ વિરોધ શરૂ થયા પછી વડા પ્રધાને 22 ડિસેમ્બર 2019ના રોજ દિલ્હીમાં એક રેલીમાં કહ્યું: ‘’હું ભારતનાં 130 કરોડ લોકોને કહેવા માંગું છું કે જ્યારથી મારી સરકાર 2014માં સત્તામાં આવી છે… ત્યારથી લઈને અત્યાર સુધી… એનઆરસી પર ક્યાંય કોઈ ચર્ચા થઈ નથી… અમારે માત્ર સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા માટે આસામમાં તેનો અમલ કરવાનો હતો.’’

તેમનો દાવો થોડા દિવસ પહેલાં જ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલાં જાહેર નિવેદનોની વિરુદ્ધ ગયો હતો. 10 ડિસેમ્બરે, શાહે સંસદમાં કહ્યું હતું કે ‘’ઈસ દેશ મેં એનઆરસી હોકર રહેગા’ – માનીને ચાલો કે આ દેશમાં ચોક્કસપણે એનઆરસી આવશે.’’
એનઆરસી આનેવાલા હૈ’(તમારે માની લેવું જોઈએ કે એનઆરસી આવવાનું છે). 3 ડિસેમ્બરના રોજ ઝારખંડમાં એક ચૂંટણી રેલીમાં તેણે એનઆરસીની સમયસીમા – 2024 માટે નક્કી કરી હતી અને કહ્યું હતું કે આગામી ચૂંટણી પહેલાં દરેક ઘૂસણખોરોને ઓળખવામાં આવશે અને તેને હાંકી કાઢવામાં આવશે.’’

પીએમ મોદીએ ખુદ તેમના 2019ના ઢંઢેરામાં એનઆરસી લાવવાનું વચન આપ્યું હતું, જેમાં લખ્યું હતું: ‘’ગેરકાયદે સ્થળાંતરને કારણે કેટલાક વિસ્તારોની સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખમાં મોટો ફેરફાર થયો છે, જેના પરિણામે સ્થાનિક લોકોની આજીવિકા અને રોજગાર પર પ્રતિકૂળ અસર પડી છે. અમે આ વિસ્તારોમાં અગ્રતાના આધારે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરીશું. ભવિષ્યમાં અમે દેશના અન્ય ભાગોમાં તબક્કાવાર એનઆરસીનો અમલ કરીશું.’’
ભારતની બાંગ્લા દેશ કે પાકિસ્તાન સાથે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને એનઆરસી બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાંઓને શોધી કાઢશે એમ ધારીને કે સરકાર પાસે તેમની અટકાયત કરવા સિવાય ક્યાંય મોકલવાનું કોઈ સાધન નથી. કારણ કે, તે આસામમાં પહેલેથી જ કરી રહી હતી.

મોદીના ભાષણના બે દિવસ પછી કેન્દ્ર સરકારે એનઆરસી તરફ પહેલું પગલું ભર્યું. કેબિનેટની બેઠક 2021માં હાથ ધરવામાં આવનારી વસ્તી ગણતરી માટે રૂ. 8,754 કરોડ અને ‘રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરના અપડેટ’માટે અન્ય રૂ. 3,941 કરોડ મંજૂર કરવા માટે મળી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં સરકારે એનપીઆરના પગલાને ઓછું મહત્ત્વ આપ્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે, બિનનાગરિકો સહિત ‘કોઈ પણ વ્યક્તિ’ની ગણતરી એનપીઆરમાં કરવામાં આવશે. જેના માટે ‘કોઈ પુરાવા, કોઈ દસ્તાવેજ, કોઈ બાયોમેટ્રિક’ની જરૂર નથી. કારણ કે, સરકારના જણાવ્યા મુજબ, ‘અમે જનતા પર વિશ્વાસ કરીએ છીએ’.

એનપીઆર કવાયત એપ્રિલ 2020માં શરૂ થશે અને સપ્ટેમ્બરમાં સમાપ્ત થશે (કોવિડે તેને અટકાવ્યું). સરકારે દાવો કર્યો છે કે, એનપીઆરનો ઉપયોગ એનઆરસી માટે કરવામાં આવશે નહીં. ખરેખર, શાહે ખાસ જણાવ્યું હતું કે, એનપીઆરનો એનઆરસી સાથે કોઈ સંબંધ નથી: ‘ઈસકા દૂર દૂર તક એનઆરસી સે કુછ ભી સંબંધ નહીં હૈ’ (તેનો એનઆરસી સાથે દૂરથી પણ કોઈ સંબંધ નથી). શાહે કહ્યું: ‘’એનપીઆર એ ડેટાબેઝ છે જેના આધારે પોલિસી બનાવવામાં આવે છે. એનઆરસી એક એવી પ્રક્રિયા છે જેમાં લોકોને તેમની નાગરિકતા સાબિત કરવા માટે કહેવામાં આવે છે. બે પ્રક્રિયાઓ વચ્ચે કોઈ જોડાણ નથી, ન તો તેનો ઉપયોગ એકબીજાના સર્વેમાં થઈ શકે છે. એનપીઆર ડેટાનો ક્યારેય એનઆરસી માટે ઉપયોગ કરી શકાતો નથી. કાયદા પણ અલગ છે…. હું તમામ લોકોને ખાતરી આપું છું, ખાસ કરીને લઘુમતીઓને, કે એનપીઆરનો ઉપયોગ એનઆરસી માટે કરવામાં આવશે નહીં. તે એક અફવા છે.’’

24 ડિસેમ્બર 2019ના રોજ એવું નોંધવામાં આવ્યું હતું કે, એનપીઆર ખરેખર એનઆરસી માટેનો આધાર છે. નાગરિકતા અધિનિયમની કલમ 14એ એ સરકારને ભારતના દરેક નાગરિકની ફરજિયાત નોંધણી કરવાની અને ઓળખ કાર્ડ જારી કરવાની અને ભારતીય નાગરિકોની રાષ્ટ્રીય નોંધણી જાળવવાની સત્તા આપે છે. આ એનપીઆર ડેટાબેઝમાંથી નાગરિકતા રજિસ્ટર તૈયાર કરવામાં આવશે. 8 જુલાઈ 2014ના રોજ તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું: ‘’એવું નક્કી કરવામાં આવ્યું છે કે એનપીઆર પૂર્ણ કરવામાં આવે અને તેને તેના તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવામાં આવે, જે એનપીઆરમાં દરેક સામાન્ય નિવાસી વ્યક્તિની નાગરિકતાની સ્થિતિની ચકાસણી દ્વારા ભારતીય નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટરની રચના છે.’’

26 નવેમ્બર 2014ના રોજ રિજિજુએ રાજ્યસભામાં કહ્યું: ‘’એનપીઆર એ દરેક સામાન્ય રહેવાસીની નાગરિકતાની સ્થિતિની ચકાસણી કરીને ભારતીય નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટરની રચના તરફનું પ્રથમ પગલું છે.’’તેમણે સંસદમાં એનપીઆર અને એનઆરસીને જોડતાં સમાન નિવેદનો આપ્યાં. 15 જુલાઈ, 22 જુલાઈ અને 23 જુલાઈ 2014, 13 મે 2015 અને 16 નવેમ્બર 2016ના રોજ. કોવિડ ગયો. તો સીએએ આવ્યા પછી એનપીઆર અને એનઆરસીની વાસ્તવિક સ્થિતિ શું છે? અમે જાણતા નથી અને તે સંબંધિત છે કારણ કે તે એક ગંભીર મુદ્દો છે, જે દ્વિઅર્થમાં ફેરવાઈ ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top