Editorial

બેટરી સંચાલિત વાહનોની લોકપ્રિયતા વધારવા આડે અનેક અવરોધો છે

વધતા જતા પ્રદૂષણને કારણે વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ઇલેકટ્રિક વાહનોનું ચલણ વધી રહ્યું છે, ભારતમાં પણ ઇલેકટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો ઘણા સમયથી ચાલી રહ્યા છે. હાલમાં ક્રૂડના વધતા ભાવોને કારણે પણ આવા વાહનોને પ્રોત્સાહન આપવા પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે પરંતુ આ વાહનોની કેટલીક વ્યવહારિક મર્યાદાઓ છે. પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોની સરખામણીમાં બેટરીથી સંચાલિત વાહનો સામાન્ય લોકોને બહુ અનુકૂળ હજી પણ લાગી રહ્યા નથી અને પરિણામસ્વરૂપે આ વાહનોની લોકપ્રિયતા હજી વધતી નથી. ભારત સરકારે આ ઇલેકટ્રિક વાહનો કે બેટરી સંચાલિત વાહનોની લોકપ્રિયતા વધારવા માટે ઘણા પગલાઓ ભર્યા છે અને ઘણી યોજનાઓ અમલમાં મૂકવા માંડી છે. સરકારે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરીંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેકટ્રિક વેહીકલ્સ(ફેમ) નામની યોજના રજૂ કરી છે જે ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે પ્રોત્સાહનો આપે છે. આ યોજનાનો પહેલો તબક્કો ૨૦૧૫થી ૨૦૧૯ સુધી ચાલ્યો પણ તે બહુ સફળ જણાયો નહીં. આ યોજનાનો બીજો તબક્કો ૨૦૧૯માં શરૂ થયો છે અને તે ૨૦૨૨માં સમાપ્ત કરવાની યોજના છે. આ તબક્કાને થોડી સફળતા મળતી જણાઇ છે અને દેશમાં છેલ્લા કેટલાક સમયમાં ઇલેકટ્રિક વાહનો નોંધપાત્ર પ્રમાણમાં વધેલા જણાયા છે.


સરકારી થિંક ટેન્ક નીતિ આયોગ દ્વારા હાલમાં ઇલેકટ્રીક વાહનો માટે બેટરી સ્વેપિંગ નીતિનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો અને બદલી શકાય તેવી બેટરીઓ માટે પ્રોત્સાહનો અને કડક ટેસ્ટિંગના નિયમોનું સૂચન કરવામાં આવ્યું હતું.આ નીતિનો મુસદ્દો એવા સમયે રજૂ થયો છે જ્યારે ઇલેકટ્રિક વાહનોમાં આગ લાગવાના હાલમાં બનેલા અનેક બનાવો વચ્ચે આવા વાહનોને લગતા સલામતીના મુદ્દાઓ બાબતે ચિંતાઓ વધી રહી છે. આયોગે તેની સૂચિત નીતિમાં વધુમાં એમ પણ જણાવ્યું હતું કે તમામ મોટા શહેરો જેવા કે રાજ્યોના પાટનગરો, સંઘ પ્રદેશોના વડામથકો અને પ લાખ કરતા વધુ વસ્તી ધરાવતા શહેરોને વિકાસશીલ શહેરોમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોની વધતી અગત્યતા જોતા બીજા તબકકામાં આવરી લેવાવા જોઇએ. સ્વેપેબલ બેટરી સાથેના ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે પ્રોત્સાહનો આપવાનું આ નીતિમાં સૂચવવામાં આવ્યું છે. પ્રોત્સાહનનું કદ બેટરી અને કોમ્પિટિબલ વાહનના રેટીંગના આધારે નક્કી કરી શકાય એમ જણાવવામાં આવ્યું છે. બેટરી સ્વેપિંગ એ વાહનમાં ઉતરી ગયેલી બેટરી કાઢીને ચાર્જ કરેલી બેટરી મૂકવાની વ્યવસ્થા છે જેનાથી ચાર્જિંગમાં વેડફાતો સમય બચાવી શકાય છે.

આ વ્યવસ્થા ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર જેવા નાના વાહનો માટે ચાલી શકે છે જેમની બેટરીઓ નાની હોય છે. શહેરી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ચાર્જીંગ સ્ટેશનો સ્થાપવામાં જગ્યાની તંગીની સમસ્યા નડે છે તે જોતા નાણા મંત્રીએ તેમના ૨૦૨૨-૨૩ માટેના બજેટ પ્રવચનમાં જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર એક બેટરી સ્વેપિંગ નીતિ રજૂ કરશે અને ઇવી ઇકોસિસ્ટમની કાર્યક્ષમતા સુધારવા માટે ઇન્ટરઓપરેબિલીટી ધોરણો રજૂ કરશે. એક સત્તાવાર નિવેદન પ્રમાણે, આ સંદર્ભમાં નીતિ આયોગે ફેબ્રુઆરીમાં એક આંતર મંત્રીમંડળીય ચર્ચા હાથ ધરી હતી જેમાં એક મજબૂત બેટરી સ્વેપિંગ પોલીસી ઘડી કાઢવાની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મુસદ્દો ચર્ચા માટે મૂકવામાં આવ્યો છે અને નીતિ આયોગે તેના પર પ જૂન સુધીમાં ટિપ્પણીઓ મંગાવી છે. હવે આમાં કઇ રીતે આગળ વધી શકાય છે તે જોવાનું રહે છે.


ઇલેકટ્રીક વાહનો સંદર્ભમાં અનેક વહેવારુ મુશ્કેલીઓ છે. આ વાહનોની બેટરી ચાર્જ કરવામાં લાંબો સમય લાગે છે તે તેની સૌથી મોટી મુશ્કેલી છે. પેટ્રોલ કે ડીઝલ વાહનની ટાંકીમાં પુરાવતા જેટલો સમય લાગે તેના કરતા ઘણો બધો સમય ઇલેકટ્રીક વાહનોની બેટરીને ચાર્જ કરવામાં લાગે છે અને તેથી જ આ વાહનો બહુ લોકપ્રિય નિવડી નથી રહ્યા. વળી, પેટ્રોલ પમ્પો જેવી સરળતાથી ઉપલબ્ધ છે તે રીતે ચાર્જિંગ પોઇન્ટો બધી જગ્યાએ ઉપલબ્ધ નથી. દેશમાં ચાર્જિંગ પોઇન્ટોનું વિશાળ માળખું ધોરી માર્ગો સહિતના સ્થળોએ ઉભું કરવા સરકાર પ્રયાસશીલ છે જ, પરંતુ તેમાં પણ બેટરી ચાર્જ થવામાં લાગતા સમયનો મુદ્દો તો નડશે જ.

આ સમસ્યાના ઉકેલ માટે સ્વેપેબલ એટલે કે બદલી શકાય એવી બેટરીઓવાળા વાહનો વિકસાવવાનો ખયાલ રજૂ થયો છે. સ્વેપેબલ બેટરીઓ ઝડપથી બદલી શકાય તે માટે યોગ્ય વ્યવસ્થા વિશાળ સ્તર પર ઉભી કરવાની જરૂર છે. જો ફટાફટ રીતે ઉતરી ગયેલી બેટરીના સ્થાને ચાર્જ કરેલી બેટરીને મૂકી શકાય તેવી વ્યવસ્થા થઇ શકે તો ઘણી રાહત થાય. વળી, છેલ્લા કેટલાક સમયમાં બેટરી સંચાલિત વાહનોમાં આગ લાગવાના કે બેટરી ફાટવાના અનેક બનાવો નોંધાયા છે અને તેથી બેટરીઓની ગુણવત્તા પર પણ ખાસ ધ્યાન આપવું પડશે. હાલ તો બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની લોકપ્રિયતા વધારવા આડે પણ ઘણા અવરોધો છે. જો આ વાહનોના ઉપયોગ માટેની કડાકૂટ ઘટાડી શકાય અને આ વાહનોની કિંમતો ઓછી કરી શકાય તો તેની લોકપ્રિયતા વધારી શકાય તેમ જણાય છે.

Most Popular

To Top