Dakshin Gujarat

જાનૈયાઓએ વરધોડામાં એસટી બસના કંડક્ટરને મેથીપાક આપ્યો અને પોલીસના ચોપડે ગુનો જ ન નોંધાયો

ઘેજ: ચીખલી (Chikhli) નજીકના સાદકપોરમાં જાનૈયાઓએ બસના (Bus) સ્થાનિક કંડક્ટરને (Conductor) મારતા રોષે ભરાયેલા સ્થાનિક ટોળાએ જાનમાં આવેલા કેટલાક કહેવાતા આગેવાનોને બરાબરનો મેથીપાક આપતા પોલીસ (Police) દોડતી થઇ ગઇ હતી. જોકે પોલીસ ચોપડે ગુનો (Complaint) નોંધાયો ન હતો અને બન્ને પક્ષે સમાધાનની તજવીજ હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

  • કંડક્ટર સાદકપોરનો જ હોવાથી ટોળાએ ધસી આવી જાનના આગેવાનોને ફટકાર્યા
  • પોલીસ ચોપડે ગુનો નોંધાયો નહી, બન્ને પક્ષે સમાધાનની તજવીજ હાથ ધરાઇ
  • કંડક્ટર બસને નીકળવા માટે જગ્યા આપવાનું કહેવા જતા ટોળાએ તેના પર હુમલો કર્યો

સાદકપોરના ચાડિયામાં ગુરુવારના રોજ સાંજના સમયે ખાંભડાથી જાન આવી હતી અને જાનૈયાઓ સંગીતના તાલે બરાબર ઝૂમી રહ્યા હતા. તે દરમ્યાન સાડા સાતેક વાગ્યાના અરસામાં વરઘોડામાં એસટી બસ ફસાતા થોડો સમય રાહ જોયા બાદ કંડક્ટર બસને નીકળવા માટે જગ્યા આપવાનું કહેવા જતા ટોળાએ તેના પર હુમલો કરી મારતા આ કંડક્ટર સ્થાનિક હોવાથી આ વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિકોના ટોળે ટોળા આક્રોશ સાથે ધસી આવી જાનમાં આવેલા કેટલાક કહેવાતા આગેવાનોને મેથીપાક આપતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ધસી જઇ સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા. અને એક સમયે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. અને બનાવમાં ઇજાગ્રસ્ત કેટલાકને સારવાર લેવાની પણ નોબત આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

વર્ગવિગ્રહ ઊભો થાય તેવી સ્થિતિનું નિર્માણ
બનાવ અંગેની ફરિયાદ આપવા ગયેલા સ્થાનિકોને પોલીસ મથકમાં પીએસઆઇએ એકતરફી વલણ દાખવી ફરિયાદ લેવા ગલ્લા તલ્લા કરી દાદ નહીં આપતા વધુ રોષ ફેલાયો હતો. આ પીએસઆઇ કેટલાક કહેવાતા આદિવાસી સંગઠનના નેતાઓના પ્રભાવમાં હોવાનું કહેવાય છે. જોકે બાદમાં બન્ને પક્ષો તરફથી સમાધાન માટેની તજવીજ હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ દરમ્યાન સમાજના નામે ઉશ્કેરણીજનક ભાષણ કરી લોકોને પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉશ્કેરવા માટે જાણીતો બોલબચ્ચન નેતા ફરક્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. વર્ગવિગ્રહ ઊભો થાય તેવી સ્થિતિનું નિર્માણ કરવાની નીતિ રીતિ પણ આ લગ્ન પ્રસંગમાં વિવાદનું એક કારણ હોવાનું કહેવાય છે ત્યારે તંત્ર દ્વારા આવા તત્વો પર લગામ કસવામાં આવે તે જરૂરી છે.

Most Popular

To Top