Madhya Gujarat

વડતાલમાં ગેરકાયદે 42 દુકાન પર બૂલડોઝર ફરી વળ્યું

નડિયાદ: નડિયાદ તાલુકાના વડતાલ તાબે 42 જેટલી દુકાનોના પાકા બાંધકામ પર મંગળવારે ગ્રામ પંચાયતે સપાટો બોલાવી દીધો છે. સરપંચ, તલાટી અને સભ્યોની ઉપસ્થિતિમાં તમામ દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયુ છે. જૂના સરપંચ દ્વારા ખોટી રીતે દુકાનોનું બાંધકામ કરી દઈ અને તેને પંચાયતમાં ચઢાવી દેવાનું કારસ્તાન કરાયુ હતુ. જેની વિરુદ્ધ અરજદાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો લઈ પહોંચતા આ દબાણ તોડી નાખવા માટે હુકમ થયો હતો.

વડતાલ જ્ઞાનમાર્ગ ચોકડીથી-કણજરી રોડ પર રોડનું માર્જિન છોડ્યા સિવાય સરકારી જગ્યા પર ગઈટર્મના સરપંચ દ્વારા દુકાનો બાંધી દેવાઈ હોવાના આક્ષેપ ઉઠ્યા હતા. વર્ષ 2019માં બનાવાયેલી આ દુકાનો માટે તે વખતના સરપંચે ગ્રામ પંચાયતમાં ખોટા ઠરાવો કરી અને આ જગ્યાની આકારણી પણ પંચાયતના જ નામે બનાવી દીધી હતી. ત્યારબાદ પ્લોટ કરી અને મળતીયાઓને ત્યાં દુકાનો બાંધવા માટે છૂટો દોર આપી દીધો હતો.

જેમાં 42 જેટલી પાક્કી દુકાનો બાંધી દેવાઈ હતી. આ મામલે કમલેશભાઈ પરમાર નામના ગ્રામજને તે સમયે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી ગેરકાયદેસર દુકાનો તોડી પાડવા માગ કરી હતી. એટલુ જ નહીં, આ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરાઈ હતી અને આવેદનપત્ર અપાયા હતા. તો રોડ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) અંતર્ગત આવતો હોવાથી ત્યાં પણ ફરીયાદો કરી હતી. જેથી 2019માં જ માર્ગ-મકાન વિભાગે આ બાંધકામ તોડી પાડવાનો હુકમ કર્યો હતો.

જો કે, તે સમયે ગ્રામ પંચાયતના સરપંચનુ જ ભોપાળુ હોય કાર્યવાહી કરાઈ નહતી. ત્યારબા તાજેતરમાં પણ ઉચ્ચ કક્ષાએથી ગ્રામ પંચાયતને આ દબાણો તોડવાના આદેશ કરાયા છે. તેથી ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને નોટીસો પાઠવીને અને આ દબાણો કાયદેસર કરવા માટે તક અપાઈ હતી. જો કે, દબાણકર્તાઓએ તેનું પાલન ન કરતા આજે સરપંચે પોલીસ પ્રોટેક્શન વચ્ચે દબાણો પર બુલડોઝર ફેરવી વાળ્યુ છે અને 42 જેટલી દુકાનો તોડી પાડી છે. આ પગલાંથી ગ્રામજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી.

વડતાલ ગ્રામ પંચાયતના નામે ખોટી આકારણી પાડી દેવાઈ
આ બાંધકામો કાયદેસર કરવા માટે તેમને 6-7 મહિનાનો પૂરતો સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં તેમણે કોઈ પણ નિર્ણય ન લેતા કાર્યવાહી કરાઈ છે. રોડના માર્જિનમાં ગેરકાયદેસર બાંધકામ કરાયુ હતુ અને તેમાં વડતાલ ગ્રામ પંચાયતના નામે ગેરકાયદેસર આકારણી પાડી દેવાઈ હતી. તેમજ અહીં પ્લોટ પાડી અને જે બનાવે તેની દુકાન તે રીતે આપી દીધી હતી.

ગત ટર્મના સરપંચે મનસ્વી રીતે ઠરાવો કર્યા
વડતાલ ગ્રામ પંચાયતમાં આવેલી જ્ઞાનમાર્ગ ચોકડીથી લઈ કણજરી રોડનો વિસ્તાર છે. 2019માં ગત ટર્મના સરપંચ ભાવનાબેન જગદીશભાઈ પરમારે મનસ્વી પણ અયોગ્ય ઠરાવો કરી આ દુકાનો બનાવી હતી. જે મામલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) પેટા વિભાગનો 2019થી પત્ર હતો કે સદર દબાણો દૂર કરવા. આ બાબતે 2019થી ચાલતુ હતુ અને 2023માં ફરી નોટીસો બજાવી અને પંચાયતની ફરજ હેઠળ આવતા પંચાયત એક્ટ અન્વયે આ દબાણો દૂર કરાયા છે અને હવે તેનો રીપોર્ટ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને કરીશુઃ પ્રકાશભાઈ ઠાકોર, સરપંચ, વડતાલ

Most Popular

To Top