SURAT

વરાછામાં લોખંડની કમાનવાળો બ્રિજ ખુલ્લો મુકાયો, 10 લાખ લોકોને થશે ફાયદો

સુરત(Surat) : બ્રિજસિટી સુરત શહેરમાં વધુ એક બ્રિજનું (Bridge) લોકાર્પણ થયું છે. વરાછામાં (Varacha) કમાન આકારના આ લોખંડના બ્રિજને આજે રેલ રાજ્યમંત્રી અને સુરત શહેરના સાંસદ દર્શના જરદોષે (MPDarshnaJardosh) ખુલ્લો મુક્યો હતો. આ બ્રિજના લીધે 10 લાખ લોકોને ફાયદો થશે. વરાછા, મોટા વરાછા વચ્ચે ટ્રાફિકનું ભારણ ઘટશે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વરાછા વોટર વર્કસથી કલાકુંજ થઇ શ્રીરામનગર સોસાયટીને જોડતા બ્રિજના ફેઝ-3નો ભાગ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે. શ્રીરામનગર છેડે સાકેતધામ સોસાયટી સુધી બ્રિજનું આયોજન કરાયું છે. જેનાથી સાકાર થનાર રોડથી 3 હાઇવે એક સાથે જોડાશે. મોટા વરાછાથી વરાછા મેઈન રોડ ચીકુવાડી અને શ્રી રામનગર સોસાયટી સુધીની સીધી કનેકટીવીટી ઉપલબ્ધ થશે અને 10 લાખ લોકોને તેનો સીધો લાભ થશે. રેલ રાજ્યમંત્રી અને સાંસદ દર્શના જરદોશના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાયું છે.

વરાછા કલાકુંજ બ્રિજ ત્રણ ફેઝમાં સાકાર થયો છે. જેમાં બ્રિજના 30.00 મીટરનાં કલાકુંજ સોસાયટીને લાગુ વરાછા મેઈન રોડને સમાંતર રોડ ઉપર અંદાજે 3.5 કરોડના ખર્ચે મુળ બ્રિજ પૈકીનો ફેઝ−1 ખાડી બ્રિજ એપ્રિલ-2021 માં લોકાર્પિત કરાયો હતો ત્યારબાદ મોટા વરાછાથી વરાછા વોટર વર્ક્સ સુધીના ફેઝ–2 અંતર્ગત અંદાજીત 115 કરોડનાં ખર્ચે રીવર બ્રિજ મે 2022 માં લોકાર્પણ કરી ખુલ્લો મુકાયો હતો.

ગાંધીસ્મૃતિ ભવન માટે ખાતમુહૂર્ત કરાયું
આ ઉપરાંત નાનપુરા સ્થિત ગાંધીસ્મૃતિ ભવનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નાટયકારો અને નાટકપ્રેમીઓને ખાસ આમંત્રિત કરાયા હતાં. નોંધનીય છે કે, માત્ર 1 મહિનામાં જ ગાંધીસ્મૃતિ ભવનનું ટેન્ડર બહાર પાડવાથી લઇ મંજૂર કરવા અને ગ્રાઉન્ડ લેવલે કામ શરૂ થશે. જ્યારે 9મીએ ભાઠેના ફલાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

Most Popular

To Top