Entertainment

બોલિવુડને વધુ એક મોટો આઘાત, આ દિગ્ગજ અભિનેતાનું થયું નિધન

પૂણે: છેલ્લાં કેટલાંક સમયથી બોલિવુડમાં એક બાદ એક અભિનેતાઓના મોત થઈ રહ્યાં છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ બાદ ટીવી સિરિયલના અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું જીમમાં હાર્ટ એટેક આવતા મોત થયું હતું, હવે બોલિવુડના વધુ એક લિજેન્ડરી એક્ટરનું નિધન થયું છે. 80 વર્ષીય અભિનેતા છેલ્લાં કેટલાંક દિવસોથી બિમાર હતા. આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે.

દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું 80 વર્ષની વયે નિધન (Actor Vikram Gokhle Died) થયું છે. અભિનેતાએ 26 નવેમ્બરે આજે શનિવારે બપોરે પુણેની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે પૂણેના વૈકુંઠ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઉંમર સંબંધિત ઘણી બીમારીઓથી પીડિત હતા. છેલ્લા 20 દિવસથી તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. વિક્રમ ગોખલેના નિધનના સમાચાર સાંભળીને તેમના ઘણા ચાહકોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરવાનું શરૂ કર્યું.

5 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
કરાયા હતા વિક્રમ ગોખલેને 5મી નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત ખરાબ હતી. દરમિયાન સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની અફવા પણ વહેતી થઈ હતી. જોકે તે સમાચારનું ખંડન ખુદ તેમની દીકરીએ કર્યું હતું. બે દિવસ પહેલા વિક્રમ ગોખલેના પત્ની વૃષાલી ગોખલેએ એવું કહ્યું હતું કે વિક્રમની તબિયત ખરાબ છે પરંતુ સ્થિર છે. તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. ગઈકાલે તબીબોએ પણ તેઓ વેન્ટીલેટર પર હોવાની વાત જાહેર કરી હતી. દરમિયાન આજે બપોરે અભિનેતાનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

અમિતાભ બચ્ચનની ફિલ્મથી શરૂ કરી હતી કારકિર્દી
લિજેન્ડરી એક્ટર વિક્રમ ગોખલેએ વર્ષ 1971માં અમિતાભ બચ્ચનની ફિલ્મ પરવાના થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2010માં તેઓને મરાઠી ફિલ્મ અનુમતિ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. વિક્રમ ગોખલેએ મરાઠી ફિલ્મ આઘાત નું દિગ્દર્શન પણ કર્યું હતું. અભિનેતા છેલ્લે મરાઠી ફિલ્મ ગોદાવરી માં જોવા મળ્યા હતા. આ વર્ષના પ્રારંભમાં શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દસાની સાથે તેઓ નિકમ્મા ફિલ્મમાં જોવા મળ્યા હતા. ચાહકોએ તેમને હમ દિલ દે ચૂકે સનમમાં ઐશ્વર્યા રાયના પિતાની ભૂમિકામાં ખૂબ પસંદ કર્યા હતા.

Most Popular

To Top