Comments

ભાજપ માટે બહાદુરી બતાવવા જતાં કરગરવાનો વખત આવ્યો અને નાક દેશનું કપાયું

યે તો હોના હી થા!!! દાવ ઘણો મોટો છે અને સંકડામણ પણ એટલી જ છે, એટલે સંતુલન જાળવવું મુશ્કેલ બને છે. અતિરેક કરવામાં એક દિવસ અકસ્માત થવાનો ડર હતો અને થયો. ભારતીય જનતા પક્ષના (BJP) પ્રવક્તાઓએ TV ચેનલ પરની ચર્ચામાં ઇસ્લામ અને પેગંબર વિષે એલફેલ નિવેદનો કર્યાં અને સરકાર તો ઠીક પણ દેશ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો. આવી નાકલીટી તાણવાનું તો જેને નબળા વડાપ્રધાન (PM) તરીકે ઓળખવામાં આવતા હતા એ ડૉ. મનમોહન સિંહની પણ નહોતી થઈ. નાક દેશનું (Country) કપાયું છે, એ વાતનું દુઃખ છે. બહાદુરી બતાવવા જતા કરગરવાનો વખત આવ્યો છે.

પહેલા દાવ સમજી લઈએ. આ દેશમાં હિંદુ રાષ્ટ્રના નામે કેટલાક હિંદુઓનું રાજ સ્થાપિત કરવામાં આવ્યું છે અને એને કોઈ પણ ભોગે અને બને તેટલો સમય ટકાવી રાખવાનું છે. એમાં સમસ્યા એ છે અંદાજે 60% હિંદુઓ હિંદુ હોવા છતાં હિંદુરાજના વિરોધી છે. દક્ષિણ ભારતના અને મહદ્ અંશે પૂર્વ ભારતના હિંદુઓ સાગમટે BJPના પ્રભાવથી મુક્ત છે. લોકસભાની અંદાજે 150 કરતા વધુ બેઠકો આ પ્રદેશની છે. આ ઉપરાંત બાકીના ભારતમાં પોતાને ઉદારમતવાદી તરીકે ઓળખાવનારા સેક્યુલર (Seculars) હિંદુઓ BJPના હિન્દુત્વના વિરોધી છે અને તેમની સંખ્યા હિન્દુત્વવાદી હિંદુઓ કરતા ઘણી વધુ છે.

વાત આટલેથી પૂરી થતી નથી. BJPના નેતાઓને ખબર છે કે તેમને લઘુમતી કોમના મતદાતાઓના મત મળવાના નથી. ટૂંકમાં દક્ષિણ ભારત, પૂર્વ ભારત, સેક્યુલર હિંદુઓ અને લઘુમતી કોમમાં ગજ વાગવાનો નથી અને તેમની સંયુક્ત તાકાત એટલી બધી છે કે તેનો મુકાબલો કરવા હિન્દુત્વવાદી ઘેટાઓને સતત ઘાસચારો નીરતા રહેવું જરૂરી છે. તેમને નશામાં રાખવા પણ જરૂરી છે.

તો વાતનો સાર એ કે ભારતના મર્યાદિત પ્રદેશ (સમગ્ર ભારતના નહીં)ના અંદાજે 35% (માત્ર 35% સાદી બહુમતી પણ નહીં) હિંદુઓને એક સાંકળે બાંધી રાખવાના છે અને એ પણ બને એટલો લાંબો વખત. કોઈ પણ ભોગે હાથ લાગેલા ઘેટાઓ વાડામાંથી નાસી ન જાય એ માટે હિન્દુત્વના, હિંદુ રાષ્ટ્રના, મંદિરો તોડીને બાંધવામાં આવેલી મસ્જિદોના, ઇસ્લામના, મુસલમાનોના દેશદ્રોહના, ઔરંગઝેબના, હિંદુઓને થયેલા કે થઈ રહેલા કે હવે પછી થનારા અન્યાયના ડાકલા 24 કલાક વગાડતા રાખવા પડે એમ છે. પાકિસ્તાનમાં સેવાન શહેરમાં આવેલી મસ્તકલંદરની મઝાર પર રોજ રાતના ઢોલ ઉપર દાંડી પડે અને ભાન ભુલાવી દેનારી ધમાલ શરૂ થાય એમ આપણે ત્યાં કેટલીક TV ચેનલો ઉપર રોજ રાતના 9ના ટકોરે ધમાલ શરૂ થાય છે.

અર્ણવ ગોસ્વામીએ, સંબિત પાત્રાએ, સુધાશું ત્રિવેદીએ, નુપુર શર્માએ, નવીન કુમાર જીન્દાલોની અંદર પીડિત હિંદુ આત્મા પ્રવેશે છે, પછી વિધર્મીઓ પ્રત્યે લાનતના, લલકારવાના, રડવાના ખેલ શરૂ થાય છે. જેમ મસ્તકલંદરની મઝાર પરની ધમાલ ખાસ પ્રકારના લોકો માટેની હોય છે, એમ ટીવી ચેનલો પરની ધમાલ પણ ખાસ પ્રકારના ઓડિયન્સ માટેની હોય છે. વળી આ ધમાલ રોજેરોજ, અચૂક અને એ પણ પાછી તારસ્વરે યોજવાની. એક પણ ઘેટું નાસી ન જવું જોઈએ. આ કોઈ સહેલું કામ નથી. જોખમી કામ છે અને એમાં અતિરેક થઈ જવાનો કે થાપ ખાઈ જવાનો ડર રહે છે. ગયા અઠવાડિયે એવું જ થયું. થોડા અપરિપક્વ કે અતિઉત્સાહી ભૂવાઓ ઉપર એન્કરે પાણી છાંટ્યું અને દેશનું નાક કપાયું. હવે સંકડામણની વાત.

છાશ લેવા જવું ને દોણી સંતાડવાની શી જરૂર છે? પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં, ઈરાકમાં, સિરિયામાં, લીબિયામાં કે બીજા અનેક મુસ્લિમ દેશોમાં ઇસ્લામિક રાષ્ટ્ર સ્થાપવા માગનારાઓ જેમ ઈમેજની ચિંતા નથી કરતા, તેમ હિન્દુત્વવાદી શાસકોએ પણ ન કરવી જોઈએ. શા માટે ઈમેજની ચિંતા કરીને તંગ દોરડા પર નર્તન કરવામાં આવી રહ્યું છે? શા માટે દુનિયાની ચિંતા કરવાની? અમે તો બસ આવા છીએ અને અમને આવો દેશ જોઈએ છે. ભારત અમારો (હિંદુઓનો) દેશ છે અમે કાંઈ પણ કરીએ. તાલેબાનોએ કે ઇસ્લામિક સ્ટેટવાળાઓએ ક્યારેય ચિંતા કરી છે કે તમે તેમના વિષે શું વિચારો છો? પાસ – નાપાસ કરનારા બીજા તે વળી કોણ? 56 ઈંચની છાતી ધરાવનારાઓએ આ જ માર્ગ અપનાવવો જોઈએ.

પણ આ વિકલ્પ ભારત માટે સહેજે ઉપલબ્ધ નથી. ઉપલબ્ધ નથી જ એવું નથી, ભવિષ્યમાં કદાચ એ વિકલ્પ અપનાવવામાં પણ આવે, પરંતુ સહેજે ઉપલબ્ધ નથી. એના કારણો એ છે કે ભારત એ કોઈ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે સિરિયા જેવો નાગો નહાય શું અને નીચોવે શું એવો ખાખી બાવાઓનો દેશ નથી. આ દેશ જગતમાં ઉપનિષદ દર્શન, બુદ્ધ, મહાવીર અને ગાંધી થકી ઓળખાય છે. એક ગરીબ દેશ જગતમાં આદર ધરાવતો આવ્યો છે, એનું કારણ આપણો અનુઠો વારસો છે અને જગત આ જાણે છે. આ જગતનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આ થઈ વારસાની વાત. હવે વાસ્તવિકતાની વાત કરીએ.

આ વિરાટ દેશ છે. તેની જગતમાં રાજકીય અને આર્થિક વગ છે. જગતના 5 વિશાળ અર્થતંત્ર ધરાવનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આપણુ માનવધન જગત આખામાં ફેલાયેલું છે, જેમાંથી કેટલાક લોકો પ્રોફેશનલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને બાકીના લોકોએ ભારતના મનીઓર્ડર અર્થતંત્રને વિકસાવ્યું છે. અમેરિકામાં ભારતીયોને “બ્રેઈની” તરીકે ઓળખવામાં આવે છે. ભારત ચીનની બરાબરી કરી શકે એમ છે એમ જગત માને છે અને ચીનને પણ એ વાતનો ડર છે. ભારત પાસે 1 અબજ 40 કરોડ પેટ છે અને 2 અબજ 80 કરોડ હાથ છે. આટલા પેટ ભરવાના, આટલા હાથોને કામ આપવાનું અને આટલા હાથનો ઉજવળ ભવિષ્ય ઘડવા માટે ઉપયોગ કરવાનો.

કેટલું મોટું દાયિત્વ, કેટલો મોટો પડકાર અને કેટલી મોટી તક – ત્રણેય એક સાથે. ભારત UNOની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદનું દાવેદાર છે. આ ઉપરાંત વૈશ્વિકીકરણના પરિણામે વિશ્વદેશોના હિતો પરસ્પરાવલંબી બની ગયા છે. ખનીજ તેલની બાબતમાં ભારત જરાય આત્મનિર્ભર નથી અને ખનીજ તેલનો પુરવઠો મુસ્લિમ દેશોમાંથી આવે છે. જે દેશને જગતમાં પોતાની જગ્યા બનાવવી છે અને તક મળ્યે હજુ મોટી જગ્યા બનાવવી છે એને મસ્તી પોસાય એમ નથી.

હવે કરવું શું? રાતના 9 વાગે પ્રાઈમ ટાઈમમાં ધમાલ યોજવી જરૂરી છે કે જેથી ઘેટા ભાન ભૂલીને ધૂણ્યા કરે અને નીરેલો ચારો ચર્યા કરે. આ સિવાય રસ્તા ઉપર મંદિર – મસ્જીદ, લવ – જિહાદ, ગૌરક્ષાના ખેલ કરતા રહેવા જોઈએ કે જેથી ભક્તોને એમ લાગે કે હિંદુ રાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે, માત્ર TV ઉપર ચર્ચા કરવામાં નથી આવી રહી. જો આ કરવામાં ન આવે તો ઘેટાઓને મોંઘવારી અને રોજગારીની યાદ આવે. બીજી બાજુ ભવ્ય અને સમૃદ્ધ વારસો ફગાવી દેતા શરમ આવે છે. વળી આખું જગત ભારત તરફ ઝીણી નઝરે જોઈ રહ્યું છે. કારણ કે જગતને પણ ભારતના 1 અબજ 40 કરોડ વપરાશકારોમાં અને 2 અબજ 80 કરોડ હાથોમાં રસ છે. જગતના પહેલી હરોળના દેશોમાં સ્થાન મેળવવાનો ભારતનો હક છે, નિયતિ પણ છે, પણ એ કયુ ભારત?

અત્યારે ભારતીય શાસકો સમક્ષ નિયત અને નિયતિ વચ્ચેનો દ્વંદ્વ છે. માથાભારેપણા દ્વારા મુસ્લિમ વિરોધી કોમીમાનસ ધરાવતા હિંદુને સર્વોપરિતાનો ખોખલો અહેસાસ કરાવવો કે સશક્તિકરણ દ્વારા દેશને તેનું હકનું સ્થાન અપાવવું? બન્ને માર્ગ અલગ છે અને બન્ને માર્ગે એક જ સમયે એક સાથે ચાલી શકાય એમ નથી. પણ આપણા શાસકો એવો પ્રયાસ કરી રહ્યા છે, એમાં આ લપસી પડવાની ઘટના બની, જે ક્યારેકને ક્યારેક તો બનવાની જ હતી. માથાભારેપણાની ખોખલી બહાદુરી એકલા હિંદુ બતાવી શકે પણ સશક્તિકરણ સહિયારું હોય છે.

કેવી ડાહી ડાહી વાતો સાંભળવા મળી રહી છે! રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક કહે છે કે દરેક મસ્જિદની નીચે શિવજીનું લિંગ શોધાવાની જરૂર નથી. મુસલમાન વિના આ દેશ અધુરો છે. આહા, ક્યા બાત હૈ!! સરકાર કહે છે કે ભારતની સભ્યતા સહઅસ્તિત્વની અને સહિષ્ણુતાની સભ્યતા છે. BJPના પ્રવક્તાઓ કહે છે કે અમારો પક્ષ બંધારણીય ભારતને વરેલો છે જેમાં ધર્મ કે બીજા કોઈ નામે ભેદભાવ કરવામાં આવતો નથી. ભારતમાં નાગરિક અધિકારો સુરક્ષિત છે વગેરે વગેરે. ચારેકોર ડહાપણના ધોધ વહી રહ્યા છે.

પણ તો પછી પક્ષના સત્તાવાર પ્રવક્તાઓએ જે કહ્યું એનું શું? પક્ષ કહે છે કે એ તેમનો અંગત મત હતો. પક્ષનો પ્રવક્તા જ્યારે પ્રવક્તા તરીકે બોલતો હોય ત્યારે એ અંગત મત હોય? “દેશમાં લડાઈ 80% સામે 20% વચ્ચેની છે” એમ કહેનારા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હાંસિયામાં સ્થાન ધરાવનારા બેજવાબદાર માણસ છે? વડાપ્રધાન ખુદ તેમના પ્રધાનો, મુખ્ય પ્રધાનો અને અન્ય પ્રધાનો, સંઘના નેતાઓ અને પ્રવક્તાઓના સેંકડો નિવેદનો ઉપલબ્ધ છે અને કહો ત્યારે ટાંકી શકું એમ છું. બીજું, જ્યારે પણ અનર્થકારી ઘટના બને છે ત્યારે વડાપ્રધાને ક્યારેય મોઢું ખોલ્યું છે? મૂંગા રહેવું એ મુક સંમતી છે.

તો વાતનો સાર એટલો જ દાવ ઘણો મોટો છે. ભારતના મર્યાદિત પ્રદેશના હાથ લાગેલા હિંદુઓ ગરીબી, બેરોજગારી અને મોંઘવારીથી ત્રસ્ત થઈને ભાગી ન જાય એ માટે રોજેરોજ સતત રડાવનારા – ડરાવનારા ડાકલા વગાડવા જરૂરી છે. તેમને માથાભારેપણા દ્વારા હિંદુ વર્ચસ્વનો અહેસાસ કરાવવો જરૂરી છે. પછી ભલે એ છીછરો હોય. બીજી બાજુ દેશ ત્રિભેટે ઊભો છે. આગળ ભવ્ય ભવિષ્ય છે, અને પાછળ અફઘાનિસ્તાન નામની હકીકત છે. આગળ કહ્યું એમ નિયત અને નિયતિ વચ્ચેનો દ્વંદ્વ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top