Gujarat Election - 2022

સુરતના લિંબાયતમાં એક વ્યક્તિ મતદાન મથકમાં ચપ્પુ લઈ ઘુસી જતાં દોડધામ મચી ગઈ

સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ વખતે ચૂંટણી ભારે સંઘર્ષપૂર્ણ જોવા મળી રહી છે. એકતરફ મતદારો ભારે ઉત્સાહ સાથે આક્રમક વોટિંગ કરી રહ્યાં છે, તો બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો સામસામે બાખડી રહ્યાં છે. કતારગામમાં આક્રમક વોટિંગના પગલે નવાજૂનીના સંકેત જોવા મળતા ભાજપમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે અહીં પાવર કાપ સહિતની સમસ્યાના લીધે ઘર્ષણ વધ્યું હતું. તે શાંત પડ્યું તો કતારગામના કાંસાનગરમાં ઈવીએમ ખોટકાયું હતું. અહીં ઈવીએમમાં ટેકનીકલ ખામી સર્જાતા તે તાત્કાલિક બદલી મતદાન યથાવત રખાયું હતું. પાલ 157 નંબરના મતદાન મથક પર પણ ઇવીએમ ખોટકાયું હતું. કુલ બીયું 19, સીયુ 15, વીવીપેટ 30 ખોટકાયા હતા. સૌથી વધારે ફરિયાદો માંડવી, કામરેજ, સુરત પૂર્વ તેમજ ચૌર્યાસીમાંથી આવી હતી. રંગ ઉપવનમાં ઇવીએમ મશીન અર્ધો કલાક ખોટકાયા બાદ ફરી મતદાન શરૂ થયું હતું.

બીજી તરફ ઓલપાડ ટાઉનમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા હતા. અહીં કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયક અને ભાજપના મુકેશ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે. બીજી તરફ મરાઠી વિસ્તાર લિંબાયત, નવાગામ ડીંડોલીમાં પણ આક્રમક વોટિંગ ચાલી રહ્યું છે. અહીં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ મતદાન કર્યા બાદ મતદાન મથકની બહાર નીકળી ભાજપના કાર્યકરોને ધ્યાન આપવાની સૂચના આપી ગયા હતા. અહીં લોકોની ભીડ જોઈને બુથની બહાર ભાજપના કાર્યકરોને ઉભા કરી દેવામાં આવ્યા છે. લિંબાયત ચિંતા ચોક વિસ્તારમાં આવેલા એક બુથ પર ચપ્પુ લઇને એક વ્યક્તિ ઘૂસી જતાં દોડધામ મચી ગઇ હતી. પોલીસને જાણ કરતા પોલીસ બંદોબસ્ત મુકાયો હતો.

દિવ્યાંગ યુવક છેક પૂણેથી મતદાન કરવા આવ્યો
પૂણેમાં રહેતો અને ઈન્ફોસિસમાં નોકરી કરતો એક દિવ્યાંગ યુવક આજે મતદાનની ફરજ નિભાવવા માટે છેક પૂણેથી સુરત આવી પહોંચ્યો હતો. નિલેશ પાટીલ નામનો આ યુવક પૂણે ખાતે ઈન્ફોસિસ કંપનીમાં નોકરી કરે છે. મતદાન માટે તે છેક પૂણેથી સુરત આવ્યો હતો. નોકરી માટે તે પૂણેમાં રહેતો હતો. તેનો પરિવાર સુરતમાં જ રહે છે. જ્યારે મારા રાજ્યની સરકાર ચૂંટવાની હોય તો મારી ફરજ બને છે કે તેમાં મારી પણ ભાગીદારી હોય. અન્ય લોકોને અપીલ કરી હું દિવ્યાંગ છું, સેંકડો કિમી દૂર રહુ છું છતાં મતદાન માટે આવ્યો છે ત્યારે વધુમાં વધુ યુવાનોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

કતારગામમાં ધીમું મતદાન કરાવવામાં આવતું હોવાનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
સુરતના કતારગામ વિધાનસભા બેઠક પર વહેલી સવારે ધીમી ગતિએ મતદાનનો પ્રારંભ થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા વહીવટ તંત્ર વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ગોપાલ ઈટાલિયા દ્વારા ચુંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, જાણી જોઈને કતારગામ વિધાનસભા બેઠક પર ધીમી ગતિએ મતદાન કરાવવામાં આવી રહ્યું છે.

જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારે 8 કલાકથી પહેલા તબક્કાની ચુંટણીનો પ્રારંભ થયો હતો. જો કે, વહેલી સવારથી જ કતારગામ સહિત અન્ય વિધાનસભા બેઠકો પર મતદારોમાં નિરશતાનો માહોલ જોવા મળ્યો હતો. એક તબક્કે કતારગામ વિધાનસભા બેઠક પર શરૂઆતના બે કલાકમાં નિરસ મતદાનને પગલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા દ્વારા સોશ્યલ મીડિયામાં વહીવટી તંત્ર દ્વારા આ બેઠક પર જાણી જોઈને ધીમું મતદાન કરાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે, બપોરે 11 કલાક સુધી કતારગામ વિધાનસભા બેઠક પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાનની ટકાવારી 18 ટકાથી વધુ નોંધાવા પામી હતી. મોટા વરાછામાં નિરસ માહોલ જોવા મળ્યો હતો. યોગીચોક વિસ્તારમાં 2017 જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

Most Popular

To Top