Gujarat

પાયાની સુવિધા મળતી નથી છતાં ભાજપ જાહેરાતોથી ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરી રહી છે : કોંગ્રેસ

અમદાવાદ : રાજ્યના ઠેર ઠેર ખાડા, ગંદકી અને કચરાના ઢગલાનું સામ્રાજ્ય ભાજપના (BJP) શાસનમાં જોવા મળી રહ્યું છે. તેમ છતાં નાગરિકો પાસેથી વેરાની (Tax) કડકાઈથી વસુલાત કરવામાં આવી રહી છે. પાયાની સુવિધાનો સદંતર અભાવ હોવા છતાં ભાજપ સરકાર જાહેરાતોથી ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરી રહી હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના (Congress) મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ કર્યો છે.

ગાંધીનગર ખાતે યોજાયેલી મેયર કોન્ફરન્સ અંગે પ્રત્યાઘાત આપતા પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ કહ્યું હતું કે અમદાવાદ જેવા મેગા સિટીમાં 24 ટકા નાગરિકોને શુદ્ધ પાણી મળતું નથી. ઠેર ઠેર ખાડા, ગંદકી અને કચરાના ઢગલા હોવા છતાં વેરાની વસુલાત કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઘન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થવાથી પીરાણાનો ડુંગર થયો છે, આવી પરિસ્થિતિ રાજ્યના બધા શહેરોમાં જોવા મળે છે. ડૉ. મનીષ દોષીએ વધુમાં કહ્યું હતું કે રાજ્યની 22 નદીઓ પ્રદૂષિત છે. અમદાવાદના એક પણ એસટીપી તેના માપંકો પ્રમાણે ચાલતા નથી. બોપલ ઘુમામાં ગંદકીના મુદ્દે કેન્દ્રીય મંત્રીની સૂચનાનું પણ પાલન કરવામાં આવતું નથી. રાજ્યમાં એક પણ નિયમ મુજબ સીઇટીપી કોમન એફલૂન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતા નથી. જેથી અશુદ્ધ પાણી સાબરમતીને પ્રદૂષિત કરે છે. મેયર કોન્ફરન્સના નામે નાટક કરવાને બદલે તમામ મનપાઓનું સીએજી દ્વારા ઓડિટ કરાવવું જોઈએ.

Most Popular

To Top