શહેરમાંથી 1582 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો :
વર્ષ 2024 માં વડોદરાનું 77.20 ટકા અને 2025 માં 76.5 ટકા નોંધાયું હતું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એચએસસીના પરિણામો જાહેર કરાયા બાદ બુધવારે ધોરણ 10 એસએસસી પરીક્ષાનો પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાનું 78.38% પરિણામ નોંધાયું છે. વડોદરામાંથી આ વખતે 38,369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37,993 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાંથી 1582 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. મહત્વની બાબત છે કે, વર્ષ 2024 માં વડોદરા નું 77.20 ટકા અને 2025 માં 76.5 ટકા બાદ 2026 માં વધીને 78.38% પરિણામ આવ્યું છે.

રાજ્ય બોર્ડ પરીક્ષામાં કુલ 769993 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 756392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 634327 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.86 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 70934 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 67404 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 22598 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 33.53 ટકા આવ્યું છે.

આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કુલ 25313 પરીક્ષાર્થીઓ પૈકી 23353 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 6590 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. તેઓનું પરિણામ 28.22 ટકા આવ્યું છે. જે વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા હોય અથવા પોતાનું ઈચ્છિત પરિણામ મેળવી શક્યા ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓ હતાશ કે નિરાશ થયા વિના આગામી જૂન-2026માં યોજાનારી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ પોતાનું પરિણામ સુધારી શકે તેવો અવકાશ છે. જેથી કોઈપણ વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં બેસીને પરિણામને સુધારવા તક લઈ શકે છે.

વડોદરામાં કેન્દ્ર મુજબ પરિણામ :
1.ડભોઇ 76.96 ટકા
2.ડેસર 76.40 ટકા
3.મિયાગામ કરજણ 75.54 ટકા
4.પાદરા 73.46 ટકા
5.સાવલી 63.4 ટકા
6.શિનોર 81.53 ટકા
7.વાઘોડિયા 67.58 ટકા
8.અલકાપુરી 86.40 ટકા
9.સયાજીગંજ 73.81 ટકા
10.રાવપુરા 81.51 ટકા
11.માંડવી 70.5 ટકા
12.કારેલીબાગ 87.58 ટકા
13.મકરપુરા 89.67 ટકા
14.બાજવા 78.72 ટકા
15.વરણામાં 94.67 ટકા
16.અકોટા 80.41 ટકા
17.વાસણા 88.99 ટકા
18.ગોત્રી 74.01 ટકા
19.સમા 86.07 ટકા
20.ઇન્દ્રપુરી 82.01 ટકા
21.આજવારોડ 82.76 ટકા
22.વારસિયા 81.29 ટકા
23.કારેલીબાગ-1- 72.69 ટકા
24.માંજલપુર 77.02 ટકા
25.મકરપુરા તરસાલી 83.14 ટકા
26.જરોદ 78.18%
27.છાણી 65.95 ટકા
28.ભાયલી 67.76 ટકા

પરીક્ષા વિનિયમો અનુસાર જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા-2026ની પરીક્ષામાં ગેરહાજર રહયા હોય અથવા ઉત્તીર્ણ / અનુત્તીર્ણ પરીક્ષાર્થીઓ પરિણામ સુધારવા માટે પરીક્ષા આપવા ઇચ્છતા હોય તો તેવા પરીક્ષાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. આ પૂરક પરીક્ષાનાં આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી શાળા મારફતે ઓનલાઈન ભરવાના રહેશે. આવેદનપત્રો તથા ફી શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. પૂરક પરીક્ષા-2026નું આવેદન બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી ઓનલાઈન ભરવાનું રહેશે. શાળાને મોકલેલ યાદી ફક્ત જાણ માટે જ છે. ઉમેદવારો માટે ફીની રકમ એક વિષય માટે રૂ. 155/-, બે વિષય માટે રૂ. 225/-, ત્રણ વિષયો માટે રૂ. 285/-, ત્રણ વિષયથી વધારે વિષયો માટે રૂ. 415 રહેશે. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે તેથી કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવાર પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા-2026 માટે ઓનલાઈન આવેદન કરવું ફરજિયાત છે. શૂન્ય (0) ફી રિસીપ્ટ રજિસ્ટ્રેશનના આધાર તરીકે સાચવી રાખવાની રહેશે. જરૂર પડે ત્યારે બોર્ડ સમક્ષ રજૂ કરવાની રહેશે.