Dakshin Gujarat

બીલીમોરા રેલવે ફૂટ ઓવરબ્રીજ પાસેથી આઠ માસની બાળકીનું અપહરણ, રેલવે પોલીસ દોડતી થઈ

બીલીમોરા: (Bilimora) બીલીમોરા રેલ્વે ફૂટ ઓવરબ્રીજ (Over Bridge) પાસેથી આઠ માસની બાળકીનું અપહરણ (Kidnapping) થતાં રેલવે પોલીસ (Police) દોડતી થઈ ગઈ છે. પોલીસે ગુનો નોંધી બાળકીની શોધખોળ હાથ ધરી છે. અનવર માનસિંગભાઈ ચૌધરી (28) અને તેની પત્ની અનિલાબેન અનવર ચૌધરી રેલવે સ્ટેશન નજીક આવેલ મુટુંમારીઅમ્માન તમિલ મંદિરની આગળની રેલવેની ખુલ્લી જગ્યામાં રહે છે અને મૂળ બોરખલ ગામ, તાલુકો આહવા, જીલ્લો ડાંગના છે. તેઓ મજૂરી કામે અહીંયા બીલીમોરા આવીને વસ્યા હતા.

  • બીલીમોરા રેલવે ફૂટ ઓવરબ્રિજ પરથી મા સાથે સૂતેલી 8 માસની બાળકીનું અપહરણ
  • પતિ મજૂરીએ ગયો અને પત્ની પુત્રી સાથે મીઠી નિંદર માણી રહી હતી
  • બે દિવસની શોધખોળ છતાં પત્તો નહીં લાગતાં પોલીસની દોડાદોડ

અનવર ચૌધરી ગત રવિવાર 23/4/2023એ મજૂરી કામે ગયો હતો, જ્યારે પત્ની અનિલાબેનને મજૂરી નહીં મળતા તે તેની આઠ માસની પુત્રી આરતીને લઈને રેલવેના પશ્ચિમ તરફના ફૂટ ઓવરબ્રિજ ઉપર સુતી હતી. જ્યારે અનિલાબેનની આંખ ખુલી તો તેની દીકરી આરતી ત્યાં હતી નહીં, જેને કોઈ ઉઠાવી ગયું હતું. અનવર મજૂરી કામેથી પરત આવ્યો પછી પતિ-પત્નીએ પુત્રીની ઘણી શોધ કરવા છતાં પણ તેનો કોઈ જ પત્તો નહીં લાગતા આખરે બીલીમોરા રેલવે આઉટ પોસ્ટ ચોકીએ પોતાની પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. રેલવે પોલિસના ઉચ્ચ અધિકારીઓ સાથે બીલીમોરા આઉટપોસ્ટનો સ્ટાફ છેલ્લા બે દિવસથી સમગ્ર વિસ્તારમાં આઠ માસની ગુમ થયેલી આરતીની શોધખોળ કરે છે પણ હજી સુધી તેમને કોઈ સફળતા મળી નથી.

લાખો રૂપિયાની આવક રળી આપતાં બીલીમોરા રેલવે સ્ટેશને સીસીટીવી નથી! બાળકીનો પત્તો લાગી ગયો હોત
લાખો રૂપિયાની કમાણી કરતાં બીલીમોરા રેલવે સ્ટેશન ઉપર દુર્ભાગ્યવશ એક પણ સીસીટીવી કેમેરા નથી. આટલી આવક રળી આપતા બીલીમોરા રેલવે સ્ટેશન ઉપર સીસીટીવી જેવી જરૂરી સગવડ કેમ હજી સુધી કાર્યરત કરાઈ નથી? આ કારણે કોઈપણ ગુનેગાર બેખોફ ગુનો કરતાં ખચકાતા નથી. જો અહીં કેમેરા હોત તો પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં આસાની રહેતે. ધંધાર્થીઓ અને લોકો પાસે સીસીટીવી કેમેરાનું ચુસ્ત પાલન કરાવનાર પોલીસ અને સરકારી તંત્ર રેલ્વે જેવી આટલી મહત્વની જગ્યાઓ પર તેનો અમલ કેમ નથી કરાવતી? હજી પણ મોડું નથી થયું. કરોડો રૂપિયા ખર્ચીને રેલવેના પ્લેટફોર્મની કાયાપલટ કરતું રેલ્વે તંત્ર આ બનાવ બન્યા પછી સીસીટીવી કેમેરાની સુવિધા તાકીદે ઉભી કરે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top