Dakshin Gujarat

ખેરગામમાં ટીટોડીએ મુક્યા ચાર ઇંડા, ચોમાસાને લઈ કરાઈ આ આગાહી

બીલીમોરા: (Bilimora) ગણદેવીના ખેરગામ ગામે સમયસર અને સારા વરસાદના એંધાણ પ્રાપ્ત થયા હતા. આંબાવાડી ખેતરમાં શુક્રવારે સવારે ટીટોડી (Lapwing) પક્ષીના (Bird) ચાર ઈંડા (Egg) મળી આવ્યા હતા. વૈશાખ મહિનામાં જ ઈંડા મળતાં ચોમાસુ (Monsoon) વહેલુ અને સારું જવાની આશા બંધાઈ છે.

  • ખેરગામમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા ચોમાસું વહેલું અને સારું રહેવાનાં એંધાણ
  • ટીટોડી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે
  • ટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદ વરસે
  • ઈંડા વૈશાખ મહિનાના પ્રારંભે મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી લોક માન્યતા પ્રચલિત

પહેલાના સમયમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો. ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી. જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. વરસાદના આ પરંપરાગત વિજ્ઞાનને વડવાઓએ જાળવી રાખ્યું છે. જેમાં ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે, ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદ વરસે અને ઈંડા વૈશાખ મહિનાના પ્રારંભે મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી લોક માન્યતા પ્રચલિત છે. દરમિયાન ગણદેવી નગર નજીક ખેરગામ ગામે પ્રાથમિક શાળા સામે અથાણાં બનાવતી ફેકટરી પરિસરમાં ગજરાબેન ભંડારીના ખેતરમાં ટીટોડીના એક બે નહીં પુરા ચાર ઈંડા મળી આવ્યા હતા. ખેડૂત પરિવાર ટીટોડીના ઇંડાનુ જતન કરી રહ્યો છે. સારું ચોમાસું બેસવાનાં એંધાણ વર્તાતા જગતનો તાત હરખાયો છે. સતત ચોથા વર્ષે આ જ આંબાવાડીમાં ટીટોડીએ ઈંડા મુક્યાની ઘટના સામે આવી હતી.

અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તે અંગે ઓ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી 9 મે થી ગુજરાતનાં હવામાનમાં પલટો આવશે. જેના પગલે અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 25 મેથી 4 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા છે. 15 જૂન આસપાસ સારા વરસાદની શક્યતા છે. તો 18 મેથી 6 જૂન સુધીમાં અરબસાગરમાં ચક્રવાતની શક્યતા છે. આ ચક્રવાતના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે.

Most Popular

To Top