National

બિહારમાં ટ્રેન રોકીને સહાયક ડ્રાઇવર દારૂ પીવા ગયો, પીતાં-પીતાં રોડ પર પટકાયો અને…

સમસ્તીપુર:બિહારમાં (Bihar) શરાબબંધી લાગુ હોવા છતાં લોકો ચોરીછૂપી દારૂ (Alcohol) પીતાં ઘણીવાર પકડાયા છે. આવો જ એક કિસ્સો સમસ્તીપુરથી પ્રકાશમાં આવ્યો છે. જેણે બધાને ચોંકાવી દીધા છે.

હકીકતમાં, લોકલ ટ્રેનના (Local train) આસિસ્ટન્ટ લોકો-પાઇલટ (એએલપી)ને દારૂ પીવાની એવી તલપ લાગી કે તે સ્ટેશન (Station) પર જ ટ્રેનને ઊભી રાખીને દારૂ પીવા ચાલ્યો ગયો હતો. આ તરફ ટ્રેન લગભગ 1 કલાક સુધી સ્ટેશન પર ઊભી હતી. જોકે એએલપી કરમવીર પ્રસાદ યાદવ નજીકના સ્ટોલ પરથી દારૂ મેળવીને બિનધાસ્ત પેગ પર પેગ પી રહ્યો હતો. આ બાજુ સેંકડો યાત્રીઓ ટ્રેનમાં બેસીને ટ્રેન ઊપડવાની રાહ જોઈ રહ્યા હતા. જોકે, પછી યાત્રીઓની ધીરજ ખૂટી ગઈ ત્યારે તેઓએ હોબાળો મચાવ્યો. આથી જીઆરપીના જવાનો એએલપીને શોધવા દોડી ગયા. દરમિયાન એએલપી કરમવીર મળ્યો તો ખરો, પરંતુ તે નશામાં એટલો ચકચૂર હતો કે ચાલી પણ શકતો ન હતો. આથી એએલપી રસ્તા પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્યાંથી તેને ટીંગાટોળીને સ્ટેશન પર લાવવામાં આવ્યો હતો. જોકે, લોકલ ટ્રેનને અન્ય પાઇલટ સાથે ફ્લેગ ઓફ કરવામાં આવતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બિહારના સમસ્તીપુરના હસનપુર રોડ સ્ટેશનની છે.

ભરૂચમાં નંબર પ્લેટ વગરની મોપેડમાં દારૂ લઈ જતાં બે ઝડપાયા
ભરૂચ: ભરૂચના બરકતવાડમાં બુટલેગરને નંબર પ્લેટ વગરની મોપેડમાં રૂ.૧૮ હજારના દારૂ સાથે ભરૂચ બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે બે જણા પાસેથી રૂ.૭૧,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોવાથી ચોક્કસ બાતમી એવી મળી હતી કે, ભરૂચના બરકતવાડ બે ઈસમ મોપેડ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ આવી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવી દેતાં નંબર પ્લેટ વગરની એન્ટોક મોપેડ ગાડી જતાં તેમને રોક્યા હતા. પોલીસે મોપેડ પર સવાર મોહમદ સિદ્દીક ગુલામ કાસમ શેખ અને મોહમદ સહીલ ગુલામ મોહમદ પટેલની અંગજડતી કરતાં રોકડા રૂ.૯૮૦, બે મોબાઈલ રૂ.૨૫૦૦ મળ્યા હતા. મોપેડમાં ચેકિંગ કરતાં ત્રણ થેલીઓમાંથી રૂ.૧૮ હજારની ૩૬ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ઝડપાયેલા મોહમદ સિદ્દીક ગુલામ કાસમ શેખે પોતાના મોબાઈલ પરથી વિદેશી દારૂ મંગાવ્યો હતો. મોપેડની કિંમત રૂ.50 હજાર મળી કુલ રૂ.૭૧,૪૮૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top