SURAT

સુરતમાં પુત્રને નાસ્તો લેવા મોકલી કાપડના વેપારીએ પત્નીને ઊંઘમાં જ રહેંસી નાંખી

સુરત : ડિંડોલીમાં (Dindoli) સાડીના વેપારીએ આડા સંબંધની શંકામાં પત્ની (Wife) જ્યારે સૂતી હતી ત્યારે તેણીનું ગળુ કાપીને ઘાતકી હત્યા (Murder) કરી નાંખી હતી. આ હત્યા કરવા માટે વેપારીએ તેના પુત્રને (Son) નાસ્તો લેવા માટે બહાર મોકલ્યો હતો અને બાદમાં ઘરનો દરવાજો (Door) અંદરથી બંધ કરીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી પોલીસ મથકની હદમાં આવતા દેલાડવા ગામ પાસે વૃંદાવન રેસિડેન્સીમાં રહેતા સુરૂભા ધીરસિંહ ઝાલા સાડીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સુરૂભાની પત્ની હંસાબાનો અન્ય પુરુષની સાથે સંબંધ હોવાની વાતને લઇને ઝાલા દંપતિ વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરતા હતા. છેલ્લા દોઢ મહિનાથી આ ઝઘડા ખૂબ જ વધી ગયા હતા. દરમિયાન આજે સવારના સમયે સુરૂભા ઘરે આવ્યો હતો, ઘરે આવતાની સાથે જ સુરૂભાએ તેના 19 વર્ષીય પુત્ર વિક્રમસિંહને નાસ્તો લઇ આવવા માટે કહ્યું હતું. પુત્ર નાસ્તો લેવા માટે ગયો ત્યારે સુરૂભાઇએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને બેડરૂમમાં હંસાબા સૂતા હતા ત્યાં જઇને તેના ગળા તેમજ ગાલના ભાગે અને છાતીના ભાગે ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયારથી ગળુ કાપીને હત્યા કરી નાંખી હતી. આ મામલે 108ને જાણ કરવામાં આવી હતી, પરંતુ 108ની સ્ટાફે હંસાબાને મૃત જાહેર કર્યા હતા.

પુત્રએ પિતાને લોહીની ગંધ આવતી હોવાનું કહેતા પિતા સુરૂભા ગભરાઇ ગયા
વિક્રમસિંહ નાસ્તો લઇને ઘરે આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હાલતમાં હતો, તેણે પિતાને દરવાજો ખોલવા માટે કહ્યું હતું. પરંતુ સુરૂભાએ દરવાજો ખોલ્યો ન હતો. વિક્રમને લોહીની ગંધ આવી જતા દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સુરૂભાઇએ લોહીની ગંધ આવતી નથી, તને વહેમ છે કહીને ફરીવાર પાણીની બોટલ લેવા માટે મોકલી આપ્યો હતો. પરંતુ વિક્રમસિંહ માન્યો ન હતો અને દરવાજો ખખડાવતા સુરૂભાઇએ દરવાજો ખોલીને ધાબા ઉપરથી ભાગી ગયો હતો. ઘરના બેડરૂમમાં માતાને લોહીથી લથપથ હાલતમાં જોતા વિક્રમસિંહ ગભરાઇ ગયો હતો તેને પોલીસને ફરિયાદ કરતા પોલીસ આવી પહોંચી હતી. જો કે, હંસાબાને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યા કરનાર સુરૂભાની સામે ગુનો નોંધીને તેની ધરપકડ પણ કરી હતી.

20 દિવસ પહેલા પણ સુરૂભાએ પત્ની ઉપર તલવારથી હુમલો કર્યો હતો
સ્થાનિકોના કહેવા પ્રમાણે સુરૂભાએ 20 દિવસ પહેલા પણ પત્ની હંસાબા ઉપર તલવારથી હુમલો કર્યો હતો, આ હુમલામાં હંસાબાનો હાથ વચ્ચે આવી ગયો હતો અને હાથની આંગળી ઉપર ઇજા થઇ હતી. જે-તે સમયે પોલીસે સુરૂભાની સામે ગુનો નોંધ્યો હતો. જામીન ઉપર મુક્ત થયા બાદ સુરૂભા ભાગતો ફરતો હતો. ત્યારે આજે સવારે ઘરે આવીને સુરૂભાઇએ પત્નીની ઘાતકી હત્યા કરી નાંખી હતી.

Most Popular

To Top