તામિલનાડુની રાજનીતિમાં 2026ની વિધાનસભા ચૂંટણી ઐતિહાસિક ફેરફાર લઈને આવી છે. વર્ષોથી DMKનો મજબૂત ગઢ મનાતી કોલાથુર બેઠક પર આ વખતેઅચાનક પલટો જોવા મળ્યો છે. સુપરસ્ટાર થલપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK)એ અહીં મોટી જીત નોંધાવી છે અને તેમના ઉમેદવાર VS બાબુએ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને લગભગ 8,000 મતોથી હરાવ્યા છે. આ પરિણામે રાજ્યની રાજકીય સમીકરણો જોરથી હચમચી ગયા છે. કોલાથુર બેઠક માત્ર એક સામાન્ય બેઠક નથી, પરંતુ DMK માટે પ્રતિષ્ઠાની બેઠક માનવામાં આવે છે. અહીંથી જ એમકે સ્ટાલિન 2011, 2016 અને 2021માં સતત જીત મેળવીને વિધાનસભામાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની બેઠક હોવાને કારણે અહીંનું પરિણામ હંમેશા સરકારના કામકાજ પર જનમત તરીકે જોવામાં આવે છે. પરંતુ આ વખતે મતદારોનો મૂડ સ્પષ્ટ રીતે બદલાયેલો જોવા મળ્યો છે.
શરૂઆતથી જ ટ્રેન્ડ્સમાં TVK આગળ હતી. પોસ્ટલ બેલેટથી લઈને અંતિમ ગણતરી સુધી VS બાબુએ લીડ જાળવી રાખી અને અંતે જીત મેળવી. આ સાથે જ વિજયની પાર્ટી રાજ્યભરમાં પણ મજબૂત પ્રદર્શન કરી રહી છે, જેના કારણે તેમને નવા લોકોના નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. લાંબા સમયથી DMK અને AIADMK વચ્ચે ચાલતી રાજકીય સ્પર્ધામાં હવે ત્રીજો મજબૂત વિકલ્પ ઉભો થયો છે. કોલાથુરના પરિણામ પાછળ સ્થાનિક મુદ્દાઓને પણ મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર એક સમયે ઔદ્યોગિક હતો, પરંતુ હવે ઝડપથી વધતી રહેણાંક વસાહતોના કારણે અહીં વસ્તી દબાણ વધી ગયું છે. પાણી ભરાવાની સમસ્યા, ટ્રાફિક, સાંકડા રસ્તાઓ, પાણીની અછત અને ગટર વ્યવસ્થાની ખામીઓ જેવી સમસ્યાઓ વર્ષોથી લોકોને પરેશાન કરી રહી હતી. આ મુદ્દાઓ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થયા હોવાનું માનવામાં આવે છે.
અહીંના મતદારોમાં મધ્યમ વર્ગ, નાના વેપારીઓ અને સ્થળાંતરિત કામદારોની મોટી સંખ્યા છે. ખાસ કરીને એપાર્ટમેન્ટમાં રહેતા લોકો અને યુવા મતદારો વિકાસ અને મૂળભૂત સુવિધાઓને લઈને વધુ જાગૃત બન્યા છે. મહિલાઓએ સુરક્ષા અને સફાઈના મુદ્દા ઉઠાવ્યા, જ્યારે વેપારીઓએ પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાઓને મહત્વ આપ્યું. વૃદ્ધોએ આરોગ્યસંભાળ અને ફૂટપાથ જેવી સુવિધાઓની માંગણી કરી હતી. આ તમામ મુદ્દાઓ વચ્ચે DMK માટે પોતાનો ગઢ જાળવવો મુશ્કેલ બની ગયો. પરિણામે 60 વર્ષથી ચાલતી પરંપરાગત દ્રવિડિયન રાજનીતિને મોટો ઝટકો લાગ્યો છે. વિજયની TVKના ઉદય સાથે તામિલનાડુમાં નવી રાજકીય દિશા ઉભી થઈ છે. હવે રાજ્યની રાજનીતિમાં નવી સ્પર્ધા અને નવા સમીકરણો જોવા મળશે, જેમાં જૂની પાર્ટીઓને પોતાની રણનીતિ ફરીથી વિચારવી પડશે.