National

રાષ્ટ્રપતિની ચુંટણીને લઇ મમતા બેનર્જીને મોટો ઝટકો, આ પાર્ટીઓએ બેઠકમાં હાજર રહેવા કર્યો ઇનકાર

નવી દિલ્હી: રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election 2022) માટે વિપક્ષો(Opposition)ને એક કરવા માટે મમતા બેનર્જી(Mamata Banerjee)એ આજે બપોરે એક મોટી બેઠકનું આયોજન કર્યું છે. પરંતુ આ બેઠક યોજાઈ તે પહેલા મમતા દીદીને મોટી ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી(AAP), તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ(TRS) જેવી પાર્ટીઓએ આ બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. અગાઉ માહિતી એવી હતી કે આ પક્ષોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજરી આપશે. પશ્ચિમ બંગાળ(West Bengal)ના મુખ્યમંત્રી(CM) અને ટીએમસી(TMC)ના નેતા મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને 15મી જૂને એટલે કે આજે વિપક્ષી પાર્ટીઓની એક કોન્ફરન્સ બોલાવી છે.

જ્યાં કોંગ્રેસ પહેલાથી જ છે એવા મંચ પર નથી ઉભા રહેવું: TMC
મમતા બેનર્જી દ્વારા જારી કરવામાં આવેલા આમંત્રણ પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, સીપીઆઈએમ નેતા સીતારામ યેચુરી સહિત વિપક્ષના તમામ મોટા નેતાઓ અને મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે હવે કેટલાક પક્ષો તેનાથી દૂર રહ્યા છે. સીપીઆઈ(એમ)ના નેતા સીતારામ યેચુરીએ પહેલા જ મમતાનું આ પગલું વિપક્ષી એકતા માટે સારું નથી ગણાવ્યું હતું. હવે આમ આદમી પાર્ટી અને ટીઆરએસે પીછે હઠ કરી છે. ટીઆરએસએ કહ્યું છે કે તે એવા મંચ પર ઊભા રહેવા માંગતી નથી જ્યાં કોંગ્રેસ પહેલાથી જ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થયા બાદ જ AAP આ મુદ્દા પર વિચાર કરશે. અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટી વતી મમતા બેનર્જીની બેઠકમાં હાજરી આપશે.

મમતા બેનર્જીની સભામાં કોણ જશે?
કોંગ્રેસ, ડીએમકે, શિવસેના,એસપી, આરએલડી, એનસીપી, પીડીપી, નેશનલ કોન્ફરન્સ, જેડીએસ, સીપીએમ, સીપીઆઈ

મમતા બેનર્જીની સભામાં કઈ પાર્ટી નથી જઈ રહી?
AAP, TRS, BJD, Akali, RJD (હજી નક્કી નથી)

કેટલીક પાર્ટીઓ આમંત્રિત ન હોવાથી બેઠકથી દુર રહેશે
કેટલીક પાર્ટીઓ એવી છે જે મમતા બેનર્જી દ્વારા આમંત્રિત ન હોવાને કારણે નહીં આવે. જેમ કે જગન મોહન રેડ્ડીની YSRCPને આમંત્રણ નથી. તેથી તેમના માટે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. SDF (સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ) અને IUML (ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ) જેવા નાના પક્ષો બેઠકમાં ભાગ લેશે કે કેમ તે બપોરે 3 વાગ્યાની આસપાસ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ પદ માટે 18 જુલાઈના રોજ ચૂંટણી થવાની છે. 21 જુલાઈએ દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

Most Popular

To Top