ઘટતા યુઝર બેઝ અને શોર્ટ વિડીયોના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને મેટા હવે ફેસબુકની ઓળખ બદલવાની તૈયારી કરી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ટિકટોકની સફળતા બાદ ફેસબુકને પણ સંપૂર્ણપણે ‘વિડીયો-ફર્સ્ટ’ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે. ફેસબુકના આ નવા ફેરફાર બાદ એપ ઓપન કરતા જ યુઝર્સનું સ્વાગત ફુલ-સ્ક્રીન વિડીયો ફીડ સાથે થશે.
નવા ફીચર્સ અને ટેસ્ટિંગની મુખ્ય વિગતો
ફેસબુકના હેડ ટોમ એલિસને આ નવા ફેરફારો અને આવનારી સુવિધાઓ અંગે મહત્વની જાહેરાતો કરી છે:
- ફુલ-સ્ક્રીન વિડીયો ફીડ: આ વર્ષના અંત સુધીમાં કેટલાક પસંદગીના દેશોમાં આ નવા ઇન્ટરફેસનું ટેસ્ટિંગ શરૂ થશે અને આવતા વર્ષ સુધીમાં તે તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
- ક્લાસિક મોડ (ઓપ્ટ-આઉટ ઓપ્શન): જો કોઈ યુઝરને આ નવો વિડીયો પ્લેઇંગ અવતાર પસંદ ન આવે, તો તેમની પાસે જૂના ક્લાસિક ફેસબુક ફીડ પર પાછા ફરવાનો પણ વિકલ્પ રહેશે.
- ફ્રી બ્લુ ટિક (સેલ્ફી વેરિફિકેશન): ફેક એઆઈ (AI) પ્રોફાઇલ્સ અટકાવવા અને અસલી યુઝર્સને પ્રોત્સાહિત કરવા માટે ફેસબુક ‘ફ્રી હ્યુમન વેરિફાઇડ બેજ’ આપી રહ્યું છે, જેના માટે યુઝર્સે માત્ર એક સરળ સેલ્ફી વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.
- સેલર એપ (Seller App): માર્કેટપ્લેસના વેપારીઓ માટે અલગ એપ લાવવામાં આવી છે, જ્યાં તેઓ પોતાની પ્રોડક્ટ્સ અને બાયર્સ સાથેની વાતચીત સરળતાથી મેનેજ કરી શકશે.
- ફોરમ એપ (Forum App): ફેસબુક ગ્રુપ્સ માટે પણ રેડિટની જેમ ‘Forum’ નામની અલગ એપ લોન્ચ કરવામાં આવી છે.
કેમ પડી આ મોટા ફેરફારની જરૂર?
મેટાના સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ તેના તમામ પ્લેટફોર્મ્સ મળીને આશરે 2 કરોડ એક્ટિવ યુઝર્સ ગુમાવ્યા છે. ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીના જણાવ્યા મુજબ યુઝર્સ માત્ર મિત્રો અને પરિવારની પોસ્ટ જોઈને લાંબો સમય એન્ટરટેઇન થઈ શકતા નથી. પરિણામે યુઝર્સને એપ પર જકડી રાખવા માટે તેમની પસંદગીના ટ્રેન્ડિંગ વિડીયો રેકમેન્ડ કરવા જરૂરી બન્યા છે.