SURAT

ભાવનગરમાં શુક્રવારની મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ બાદ શનિવારે સવારે સુરતથી તેનો સાળો પણ ઝડપાયો

ગાંધીનગર: રાજ્યભરમાં ચકચાર જગાવનાર ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ (Police) દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન તોડકાંડ- ખંડણી માગવાનો મામલો પણ બહાર આવ્યો હતો. યુવરાજસિંહ (Yuvraj Singh) દ્વારા ડમીકાંડમાં નામ જાહેર નહીં નહીં કરવા માટે ૫૫ લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસે યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં ખંડણી માગવાનો ગુનો દાખલ કરી યુવરાજસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે આજે સવારે યુવરાજસિંહના સાળાની પણ સુરતથી ધરપકડ કરવામાં આવી છે.

કાનભાની ધરપકડ મામલે પોલીસે નવો ખુલાસો કર્યો
સુરત પીસીબી અને ભાવનગર પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. યુવરાજસિંહનો સાળો કાનભા સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિગના ફ્લેટમાં છુપાયો હતો. યુવરાજસિંહનો સાળો પહેલાં સુરત નજીક સંતાયો હતો. ત્યાર બાદ તે સુરતના ગોપીપુરાના મિત્રના ઘરે છુપાયો હતો. ત્યારે પોલીસે તેના ફોન લોકેશનના આધારે ઝડપી પાડ્યો હતો. જો કે કાનભાની ધરપકડ મામલે પોલીસે નવો ખુલાસો કર્યો છે. જાણકારી મળી આવી છે કે જે ઘરમાં કાનભા રોકાયો હતો તે ઘરના માલિક કાનભાને મોપેડ પર લેવા ગયા હતા. ત્યારે કાનભા મોઢા પર માસ્ક બાંધીને આવ્યો હતો. રાત્રીના 12.06 એ સુરતના ગોપીપુરામાં આવ્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જેમાં એક કાળા કલરની બેગ પણ જોવા મળી રહી છે.

જાણો કેમ અને કેવી રીતે કરવામાં આવી યુવરાજસિંહની ધરપકડ
યુવરાજસિંહની વાત કરીએ તો તેને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગત મોડી રાત્રે લઈ ગયા બાદ આજે સવારે નીલમબાગ પોલીસ સ્ટેશનથી ડીએસપી કચેરી લાવવામાં આવ્યો હતો, જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ માટે માગણીઓ કરાશે. ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે યુવરાજસિંહ જાડેજાએ ડમીકાંડમાં નામ જાહેર નહીં કરવા માટે નાણાકીય વ્યવહારો કર્યા હોવાની હકીકત મળતા યુવરાજસિંહને પોતાનો પક્ષ રજુ કરવા માટે ભાવનગર પોલીસ સમક્ષ હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ નાદુરસ્ત તબિયતના લીધે હાજર થયા ન હતા. તેથી પોલીસે આજે 21 એપ્રિલના રોજ હાજર થવા બીજું સમન્સ મોકલ્યું હતું. જેના પગલે યુવરાજસિંહ આજે બપોરે 12-00 વાગે ભાવનગર એસઓજી ઓફિસમાં પોતાનો પક્ષ રજુ કરવા હાજર થયા હતા.

પૂછપરછ દરમિયાન પોલીસ દ્વારા તેમને પોતાનો પક્ષ રજૂ કરવા પૂરતી તક આપવામાં આવી હતી, તેમને અન્ય કોઈ ફરિયાદ હોય તો તે બાબતે પણ સમય આપવામાં આવ્યો હતો. ભરત નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ડમીકાંડ અંગેના ગુનામાં તેમની પાસે રહેલી માહિતી બાબતે પણ પૂછપરછ કરવામાં આવી છે. જેમાં તેમણે કેટલાક નામો પોલીસને આપ્યા છે. જે હકીકતો અંગે વેરીફિકેશન કર્યા બાદઆપેલી માહિતી ઉપર આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

ગૌતમ પરમારે વધુમાં કહ્યું હતુ કે દરમિયાનમાં યુવરાજસિંહ દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો બાબતે પૂછપરછ કરવામાં આવતા તેઓ હકીકત છુપાવતા હોય તેવું જણાવ્યું હતું, અને પ્રશ્નોના ગોળ ગોળ જવાબો આપતા હતા. યુવરાજસિંહએ આપેલા જવાબો અને પોલીસને મળેલી હકીકત સાથે તે મેળ ખાતો ન હોવાથી યુવરાજસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી હકીકતો અનુસાર યુવરાજસિંહ તથા તેના માણસોએ ઋષિત બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વિડીયો બનાવ્યો હતો. તે વીડિયોનો ડર પ્રકાશ દવેને બતાવી તેનું નામ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નહીં લેવા બળજબરી અને ધાક ધમકીથી રૂપિયા 45 લાખ પડાવી લીધાની હકીકત બહાર આવી છે. જેના સમર્થન કરતા નિવેદનો તથા પુરાવા પોલીસ પાસે છે. તેવી જ રીતે યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રદીપ બારૈયા નામના વ્યક્તિ પાસેથી યુવરાજસિંહ તથા તેના માણસોએ રૂપિયા 55 લાખ લીધેલા હોવાની વિગતો પણ સામે આવી છે. જેના પુરાવા પણ મેળવવામાં આવ્યા છે. આમ આ પ્રકારની કોગ્નિઝેબલ હકીકતોની પુષ્ટિ થતાં યુવરાજસિંહ જાડેજા તથા અન્ય વિરુદ્ધ આઈપીસી કલમ 386, 388, તથા 120 (બી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top