Dakshin Gujarat

ભરૂચની ભૂખી ખાડીના બ્રિજ પર મોપેડ સવાર માતા-પુત્રને અકસ્માત, માતા પર ટ્રક ફરી વળતા મોત

ભરૂચ: (Bharuch) વડોદરાથી ભરૂચને જોડતા નેશનલ હાઇવે (National Highway) નં-48 ઉપર વરેડિયા ગામ પાસે આવેલી ભૂખી ખાડીના બ્રિજ ઉપર અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટનામાં મોપેડચાલક પુત્રનો બચાવ થયો હતો. વરેડિયા હાઇવે ભૂખી બ્રિજ (Bridge) ઉપર અચાનક ટ્રક પાછળથી ધસી આવતા અકસ્માત સર્જાયો હતો.

  • ભરૂચની ભૂખી ખાડીના બ્રિજ પર મોપેડસવાર માતા પર ટ્રક ફરી વળી, પુત્રનો બચાવ
  • માતા-પુત્ર મોપેડ પર કરજણથી ભરૂચ તરફ આવી રહ્યાં હતાં

ભરૂચના મકતમપુર ખાતે રહેતા ઇમરાન યુનુસ પટેલ મોપેડ પર તેમની માતા સાથે કરજણ સંબંધીના ઘરેથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. વરેડિયા હાઇવે ભૂખી બ્રિજ ઉપર અચાનક ટ્રક પાછળથી ધસી આવી મોપેડને અડફેટે લેતાં પાછળ બેઠેલ હમીદા મુલતાની ટ્રકના તોતિંગ ટાયર નીચે આવી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મોપેડચાલક પુત્રને ઇજા સાથે બચાવ થયો હતો.

બનાવની જાણ 108 તેમજ પાલેજ પોલીસને કરતાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પાલેજ સામૂહિક આરોગ્ય ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ-વડોદરાને જોડતા નેશનલ હાઇવે ઉપર વરેડિયા ગામ પાસે ભૂખી ખાડીનો બ્રિજ આવેલો છે. આ પુલ માત્ર બે લેનનો હોવાથી અકસ્માતો વધી રહ્યા છે. ત્રણ લેનમાં પૂરઝડપે આવતાં વાહનો અચાનક થતી બે લેનના કારણે અટવાઇ જતાં હોવાથી અકસ્માતો સર્જાઇ રહ્યા છે. અગાઉ પણ અનેક લોકોએ ભૂખી ખાડીના સાંકડા પુલના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભૂખી ખાડીના પુલનું વિસ્તરણ કરાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top