Dakshin Gujarat

નર્મદા મૈયા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇકસવાર યુવકનું મોત

અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં કેટલાંય સ્થળે રોજબરોજ અકસ્માત સર્જાતાં હોવાની માહિતી દર ૨૪ કલાકે સામે આવતી હોય તેવી સ્થિતિનું સર્જન છેલ્લા એક માસથી બનતું હોય તેમ સામે આવી રહ્યું છે. વિવિધ સ્થળે સર્જાતા અકસ્માતોની (Accidents) ઘટનાઓના કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યા છે, તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત થઇ સારવાર લેવા મજબૂર બનતા હોય છે. આ જ પ્રકારની એક અકસ્માતની ઘટના શનિવારે સવારે ભરૂચ-અંકલેશ્વર (Ankleshwar) માર્ગ પરથી સામે આવી છે.

અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં યુવાનનું ઘટના સ્થળે જ મોત
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર-ભરૂચ માર્ગ પર નર્મદા મૈયા બ્રિજ પાસે શનિવારે સવારે મોટરસાઇકલ નંને લઇ પસાર થઇ રહેલા એક આશાસ્પદ યુવાનને કોઇક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં યુવાનનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ એક સમયે સ્થળ ઉપર લોકોનાં ટોળાં જામ્યાં હતાં. ઘટના અંગેની જાણ પોલીસમથકે કરવામાં આવતાં પોલીસકર્મીઓએ સ્થળ પર પહોંચી જઇ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સાથે મામલે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

વ્યારામાં અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં એકનું મોત, અન્ય એક ઘવાયો
વ્યારા: વ્યારા તાલુકાના ઘાટા ગામે વેલજીપુરા ફળિયામાંથી પસાર થતાં વ્યારા-માંડવી રોડ ઉપર સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. માંડવી તાલુકાના સલૈયા ગામે મોરા ફળિયામાં રહેતો નિર્મલ નિલેશ ચૌધરી તથા મરણ જનાર બંને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.નં.(GJ-5GS-9016) લઇ વ્યારાથી ઘરે જવા માટે નીકળ્યા હતા. વ્યારા-માંડવી રોડ ઉપર આવેલ ઘાટા ગામે વેલજીપુરા ફળિયાની સીમમાં વળાંકમાં કોઇ અજાણ્યા વાહને અડફેટે લેતાં નિર્મલ ચૌધરીને માથાના કપાળના ભાગે ઇજા તથા જમણા પગમાં ફેક્ચર થયું હતું. બાઇકચાલકને ગંભીર ઇજા થતાં માંડવીના જય નવીન ચૌધરીનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઇ નાસી છૂટ્યો હતો.

વાલિયા-અંકલેશ્વર માર્ગે કારને અજાણ્યા વાહને ટક્કર મારી

ભરૂચ : સ્વીફ્ટ ડિઝાયર કારનો ચાલક શુક્રવારે રાત્રે વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે વેળા સી. એમ. એકેડેમી નજીક અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એર બેગ ખુલી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગે કોઈપણ જાતની ફરિયાદ નોંધાઇ નથી.

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસે ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતાં ક્લીનરનું મોત

ભરૂચ: મૂળ યુપીના અને હાલ સુરતના ઇચ્છાપોર ખાતે રહેતો ધર્મેન્દ્ર રામ કેવલ રાજભર કન્ટેનર લઇ બિરલા ગ્રાસીમ કંપનીમાંથી સોલિયમ કેમિકલ ભરી સુરત ખાતે જવા નીકળ્યો હતો. દરમિયાન તે ભરૂચ નેશનલ હાઇવે ઉપર ઝાડેશ્વર ચોકડી બ્રિજ ઉપર ઉમિયા રેસ્ટોરન્ટ સામેથી પસાર થઇ રહ્યો હતો, એ વેળા કન્ટેનરમાં ખામી સર્જાતાં તે બંધ થઇ ગયું હતું. જેથી માર્ગની બાજુમાં ઊભું કર્યું હતું. એ સમયે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા ટેમ્પોનો ચાલક ઊભેલા કન્ટેનરમાં ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ક્લીનર અફસર અલી સરવર અલી સૈયદ ટેમ્પોમાં દબાઈ જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક રસીદ અહમદ નનેહ ખાનને ઈજા પહોંચતાં તેને ૧૦૮ સેવાની મદદ વડે તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top