Sports

બાંગ્લાદેશે પહેલી ટેસ્ટમાં ન્યૂઝિલેન્ડને હરાવતા ભારતને થયું મોટું નુકસાન

નવી દિલ્હી: બાંગ્લાદેશે (Bangladesh) બે ટેસ્ટની શ્રેણીની ((TestSeries)) પહેલી મેચમાં ન્યુઝીલેન્ડને (NewZealand) 150 રનથી હરાવી (BangladeshBeatNewzealand) ઈતિહાસ રચ્યો છે. કિવી ટીમને બાંગ્લાદેશે ચોથી ઇનિંગમાં 332 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ 181 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે યજમાન બાંગ્લાદેશે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ સિલ્હેટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં (Sylhet International Cricket Stadium) રમાઈ હતી.

આ ઐતિહાસિક જીત સાથે બાંગ્લાદેશે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25ના પોઈન્ટ ટેબલમાં ભારતને (India) પાછળ છોડી દીધું છે. ન્યૂઝીલેન્ડને હરાવીને બાંગ્લાદેશને 12 પોઈન્ટ મળ્યા છે, જેના કારણે તે હવે WTC પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે અને ભારતને ત્રીજા સ્થાને ધકેલી દીધું છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ભારત ત્રીજા સ્થાને ધકેલાયું
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી આવૃત્તિ દક્ષિણ આફ્રિકા સિવાય તમામ ટીમોએ શરૂ કરી દીધી છે. પાકિસ્તાને શ્રીલંકા સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ શ્રેણી 2-0થી જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે બાંગ્લાદેશ ન્યૂઝીલેન્ડને હરાવીને બીજા સ્થાને છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી WTC 2023-25માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની એકમાત્ર શ્રેણી રમી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ ઇનિગ્સ અને 141 રનના માર્જીનથી જીતી હતી, પરંતુ બીજી ટેસ્ટ ડ્રો રહેવાને કારણે ભારત 66.67 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારત પછી WTC પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા ચોથા, વેસ્ટ ઈન્ડિઝ પાંચમા અને ઈંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને છે.

ન્યુઝિલેન્ડને હરાવી બાંગ્લાદેશે ઈતિહાસ રચ્યો
પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશે ન્યુઝિલેન્ડને હરાવી ઈતિહાસ રચ્યો છે. બે ટેસ્ટ સિરિઝની પહેલી મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નઝમુલ હસન શાંતોની કપ્તાનીમાં ટીમે પ્રથમ દાવમાં 310 રન બનાવ્યા હતા. મહેમુદુલ હસન જોયે પ્રથમ દાવમાં ટીમ માટે શાનદાર બેટિંગ કરી હતી. મહમુદુલ હસન જોયે 86 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન શાંતો અને મોમિનુલ હકે 37-37 રનની ઇનિંગ રમી હતી.

બાંગ્લાદેશ સામે પ્રથમ દાવના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 317 રન જ બનાવી શકી હતી. ટીમ માટે કેન વિલિયમસને શાનદાર 104 રન બનાવ્યા હતા. આ સિવાય ગ્લેન ફિલિપ્સે 42 રન અને ડેરિલ મિશેલે 41 રનનું યોગદાન આપ્યું હતું. આ રીતે, ન્યુઝીલેન્ડની ટીમને પ્રથમ દાવમાં 7 રનની મામૂલી લીડ મળી હતી.

બીજી ઈનિંગમાં બાંગ્લાદેશના કેપ્ટન શાંતોએ આગેવાની લીધી અને 105 રનની જોરદાર ઇનિંગ રમી ન્યુઝિલેન્ડ માટે મુશ્કેલ ટાર્ગેટ સેટ કર્યો હતો. શાંતો ઉપરાંત મુશ્ફિકુર રહીમે પણ 67 રનની ઇનિંગ રમી હતી અને મેહદી હસન મિરાઝે 50 રનની ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. આ રીતે બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં 338 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડને 332 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ 181 રન પર ઓલઆઉટ થઈ જતા બાંગ્લાદેશે પહેલી ટેસ્ટ 150 રને જીતી લીધી હતી.

Most Popular

To Top