SURAT

સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન તરીકે વિહાણ સેવા સહકારી મંડળીના બળવંત પટેલ ચૂંટાયા

સુરત: સુરત ડિસ્ટ્રીકટ બેંકના(SuratDistrictBank) ચેરમેન તરીકે વિહાણ સેવા સહકારી મંડળીનાં પ્રમુખ બળવંત પટેલ (BalvantPatel) અને વાઇસ ચેરમેન તરીકે નિઝર સેવા સહકારી મંડળી મંડળીનાં સુનિલ શ્રીપત (SunilShripat) પટેલ ચૂંટાયા છે. ગુજરાત પ્રદેશ ભાજપે (GujaratBJP) મેન્ડેટ આપ્યા બાદ આ બે નેતાઓની વરણીની જાહેરાત કરાઈ છે. આ અગાઉ શુક્રવારે પ્રમુખ પદ માટે નરેશ પટેલના નામની ચર્ચા હતી. પરંતુ છેલ્લી ઘડીએ બળવંત પટેલનું નામ જાહેર થયું હતું.

આ અગાઉ શુક્રવારે રૂપિયા 11,500 કરોડનું ટર્નઓવર ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન પદ માટે પ્રદેશ ભાજપ હાઈ કમાન્ડ દ્વારા નિયુક્ત નિરીક્ષકો ભરતભાઇ બોધરા અને નંદાજી ઠાકોરે સુરત સર્કિટ હાઉસમાં સુરત-તાપી જિલ્લા ભાજપના પ્રભારીઓ, ધારાસભ્યો, સાંસદો, અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સેન્સ લીધી હતી. ત્યાર બાદ આજે બપોરે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક પહેલા નિરીક્ષકો દ્વારા મેન્ડેટ જાહેર કરાયું હતું. જેના આધારે બેંકના બોર્ડની બેઠકમાં વિધિવત નિર્ણય લેવાયો હતો.

ગઈકાલે શુક્રવારે પ્રદેશ નિરીક્ષકો સમક્ષ બેંકના વર્તમાન ચેરમેન નરેશભાઈ પટેલે પોતાના ટેન્યોર દરમિયાન બેંકનો વેપાર અને વ્યાપ વધ્યો એની સક્સેસ સ્ટોરી રજૂ કરી હતી. એ ઉપરાંત વાઇસ ચેરમેનપદે નવી પસંદગી થવાની હોય તો રાંદેર પીપલ્સ બેંકના ચેરમેન કમલેશ સેલરે દાવો રજૂ કર્યો હતો. એવી જ રીતે સહકારી આગેવાન અને જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ દિલીપસિંહ રાઠોડે પણ ઉપપ્રમુખ પદ માટે નામ વિચારણામાં લેવા નિરીક્ષકોને જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આખરે બળવંત પટેલ અને સુનિલ શ્રીપતના નામ જાહેર થયા છે.

સંદીપ દેસાઈએ નિરીક્ષકોને તેમનું નામ વિચારણામાં ન લેવા સ્પષ્ટ જણાવ્યું
બેંકના બહુમતી ડિરેક્ટરોએ સુડીકો બેંકના ચેરમેન તરીકે સંદીપ દેસાઈનું નામ સુચવતા બંને નિરીક્ષકોએ દેસાઈને તેડાવી તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સંદીપ દેસાઇએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ સુડીકો બેંકના બંને પદમાંથી કોઈ નવી જવાબદારી લેવા માંગતા નથી, એમના સ્થાને અન્ય ડિરેક્ટરને સ્થાન મળશે તો ગમશે, એવું જણાવી ડિરેક્ટરોનો આભાર માન્યો હતો. સંદીપ દેસાઇએ ચૂંટણીનાં એક મહિના પહેલા બેંકના વાઇસ ચેરમેનની ઓફીસ માંથી તમામ સામગ્રી અને વસ્તુઓ શિફ્ટ કરી ઓફીસ ખાલી કરી દીધી હતી. દેસાઇએ પાર્ટી જે ચેરમેન, વાઇસ ચેરમેન નિયુક્ત કરે એને સહયોગ આપવાની ખાતરી આપી હતી. બહુમતી ડિરેક્ટરોએ નામ સૂચવ્યું હોવા છતાં સંદીપ દેસાઇએ અનિચ્છા વ્યક્ત કરતા આશ્ચર્ય સર્જાયું હતું.

ગુજરાતમિત્રએ પહેલા જ ચોંકાવનારા નામો જાહેર થવાની શક્યતા વ્યક્ત કરી હતી
સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન તરીકે ચોંકાવનારા નામોના મેન્ડેટ ભાજપના નિરીક્ષકો જાહેર કરે એવી શક્યતા ગુજરાતમિત્રએ પહેલેથી જ વ્યક્ત કરી દીધી હતી. બેંકના વર્તમાન ડિરેક્ટરોમાં નરેશ બી.પટેલ-બુટવાડા, સંદીપ દેસાઈ, માનસિંહ પટેલ, રાજ્યમંત્રી મુકેશ ઝેડ.પટેલ, દિલીપસિંહ રાઠોડ, કેતન.સી.પટેલ, કિરીટ ગંગારામ પટેલ, સુનિલ શ્રીપત પટેલ, દિલીપ પાટીલ, નયનભાઈ ભારતીયા, જીતેન્દ્રસિંહ વાંસિયા, બળવંત પટેલ, કમલેશ સેલર, જીગ્નેશ દોણવાલા, નરેન્દ્રસિંહ મહિડા અને પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામિત ડિરેક્ટર તરીકે હોઈ સુરત અને તાપી જિલ્લામાં બીજી સહકારી સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ પદે બિરાજતા અગ્રણીઓને ડિસ્ટ્રીક્ટ બેંકમાં નિયુક્તિ નહીં આપવાનું ભાજપ હાઈ કમાન્ડનું વલણ જોતા ચર્ચામાં નહીં રહેલા બે નામો કાલે જાહેર થાય તો નવાઈ નહીં તેવા સંકેત ગુજરાતમિત્રએ એક દિવસ પહેલાં જ આપ્યા હતા અને બન્યું પણ એવું જ!

Most Popular

To Top