Columns

બાબા રામદેવને વિવાદોમાં રહેવાની અને પ્રસિદ્ધ મેળવવાની આદત પડી ગઈ છે

સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવ અને એલોપથી પદ્ધતિ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. બાબા રામદેવે તેમની યોગશિબિરો દ્વારા અને પતંજલિની પ્રોડક્ટો દ્વારા યોગ તેમ જ આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. કોલગેટ જેવી વિદેશી કંપનીઓ દાયકાથી ટૂથપેસ્ટ તરીકે ચૂનાનો પાવડર વેચીને પોતાનું ગાડું ગબડાવતી હતી. બાબા રામદેવે બજારમાં હર્બલ ટૂથપેસ્ટ મૂકીને કોલગેટ બનાવતી કંપનીને પણ હર્બલ ટૂથપેસ્ટ બજારમાં મૂકવા મજબૂર કરી દીધી હતી.

હિન્દુસ્તાન લિવર નામની વિદેશી કંપની ભારતની સાબુની બજાર પર મોનોપોલી ધરાવતી હતી. બાબા રામદેવે પતંજલિના સાબુ દ્વારા તેની મોનોપોલી પણ તોડી કાઢી હતી. એલોપથી પદ્ધતિમાં બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ, ડાયાબિટીસ, હૃદય રોગ, કેન્સર વગેરે જટિલ રોગોનો કોઈ ઈલાજ નથી; તેમ છતાં ડોક્ટરો અને હોસ્પિટલો મોંઘાદાટ ઇલાજો સૂચવી દર્દીને લૂંટતા હતા.

બાબા રામદેવે યોગ તેમ જ આયુર્વેદના માધ્યમથી અસાધ્ય રોગોના ઇલાજના દાવા કર્યા હતા, જેને કારણે કરોડો રૂપિયાની કમાણી કરતાં એલોપથી ડ્રગ્સના ઉત્પાદકોના પેટમાં તેલ રેડાયું હતું. દુનિયામાં જ્યારે કોરોના ત્રાટક્યો ત્યારે એલોપથીના ડોક્ટરો દ્વારા જાહેર કરાયું હતું કે તેમની પાસે કોરોનાનો કોઈ ઈલાજ નથી; ત્યારે બાબા રામદેવે દેશી દવાની પડીકી દ્વારા કોરોનાના દર્દીને સાજા કરવાનો દાવો કર્યો હતો.

ડોક્ટરો અને દવા કંપનીઓ બાબા રામદેવ સામે હરીફાઈમાં થાકી ગયા ત્યારે તેમણે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના માધ્યમથી પતંજલિ કંપની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ ઠોકી દીધો હતો કે બાબા રામદેવ પતંજલિ કંપનીના માધ્યમથી જાદુઈ ચિકિત્સાના જૂઠા દાવા કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. સુપ્રીમ કોર્ટને પણ તેમાં તથ્ય જણાતા તેણે પતંજલિને તેની તમામ ભ્રામક જાહેરાતો પાછી ખેંચી લેવાનો આદેશ કર્યો હતો. બાબા રામદેવ ઉપર તો કોર્ટના તિરસ્કારનો કેસ પણ થયો હતો, જેને કારણે તેમને સુપ્રીમ કોર્ટની માફી માગવાની ફરજ પડી હતી. બાબા રામદેવે કોર્ટની માફી માગી લીધી તેને કારણે પતંજલિની બ્રાન્ડ વેલ્યુમાં ઘટાડો થયો છે.

બાબા રામદેવ આધુનિક દવાઓને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપતા રહ્યા છે. કોરોના કાળમાં બાબા રામદેવે દાવો કર્યો હતો કે એલોપેથી એ મૂર્ખ વિજ્ઞાન છે અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂર કરાયેલ રેમડેસિવીર, ફેવિફ્લુ અને અન્ય દવાઓ કોવિડ -૧૯ દર્દીઓની સારવાર કરવામાં નિષ્ફળ ગઈ છે. એક વીડિયોમાં રામદેવે એવો પણ દાવો કર્યો હતો કે લાખો દર્દીઓ ઓક્સિજનના અભાવે નહીં પણ એલોપેથિક દવાઓના કારણે મૃત્યુ પામ્યા છે. પતંજલિ આયુર્વેદના સ્થાપકે ઇન્ડિયન મેડિકલ ને એસોસિયેશનને એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો અને તેમને એલોપેથી સંબંધિત ૨૫ પ્રશ્નો પૂછ્યા હતા.

તેમણે તેમના ટ્વિટર પ્રોફાઇલ પર શેર કરેલા પત્રમાં લખ્યું હતું કે જો એલોપેથી તમામ શક્તિશાળી અને સર્વગુણ સંપન્ન હોય તો ડોક્ટરોએ બીમાર ન પડવું જોઈએ. તત્કાલીન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધને બાબા રામદેવને પત્ર લખીને તેમનું નિવેદન પાછું ખેંચવા કહ્યું હતું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ તેમની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. પરિણામે બાબા રામદેવે સોશિયલ મીડિયા પર એક પત્ર જારી કરીને ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ આધુનિક મેડિકલ સાયન્સ અને એલોપેથીની વિરુદ્ધ નથી.

કોવિડના કેસોમાં વધારો વચ્ચે પતંજલિએ હરિદ્વાર સ્થિત દિવ્ય પ્રકાશન પતંજલિ સંશોધન સંસ્થામાં વિકસિત કોરોનિલ ટેબ્લેટ લોન્ચ કરી હતી. તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે સાત દિવસમાં કોવિડ-૧૯ને મટાડે છે. કોરોનિલના લોન્ચિંગ કાર્યક્રમમાં તત્કાલીન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પોતે રામદેવ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. પતંજલિ આયુર્વેદે તે સમયે દાવો કર્યો હતો કે WHO ની સર્ટિફિકેશન સ્કીમ મુજબ કોવિડની સારવારને ટેકો આપવા માટે આયુષ મંત્રાલય દ્વારા ટેબ્લેટને દવા તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. પાછળથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે પ્રમાણપત્ર કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યું હતું અને WHO કોઈપણ દવાને મંજૂરી કે નામંજૂર કરતું નથી.

અન્ય એક વાયરલ વીડિયોમાં બાબા રામદેવે દાવો કર્યો હતો કે કોરોના વાયરસની રસીના બંને ડોઝ લીધા પછી પણ ભારતમાં ૧૦,૦૦૦ થી વધુ ડોકટરોના મોત થયા છે. વીડિયોમાં બાબા રામદેવ વાયરસ સામે ફેફસાંને મજબૂત કરવા માટે યોગાભ્યાસના ફાયદાઓ વિશે સલાહ આપતા પણ જોવા મળ્યા હતા. બાબા રામદેવે ૨૦૧૯માં કહ્યું હતું કે તેઓ ભિખારી છે અને દેશ માટે કામ કરે છે. તેમણે કહ્યું કે તેઓ દેશને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પતંજલિના દેશના ફાયદા માટે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે પતંજલિ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની કંપની બની ગઈ છે. બાબા રામદેવનો ઝડપી વિકાસ કેટલીક વિદેશી કંપનીઓ માટે ઇર્ષ્યાનું કારણ બની ગયો છે.

બાબા રામદેવે પતંજલિના લેટરપેડ પર ડોક્ટરોને ૨૫ મૂંઝવનારા પ્રશ્નો પૂછ્યા હતા. તેમના પ્રશ્નો પૈકી ડોકટરોને પૂછવામાં આવ્યું હતું કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, થાઇરોઇડ, સંધિવા અને અસ્થમા જેવા રોગોના કાયમી ઉકેલો શું છે? તેમણે પૂછ્યું છે કે ફેટી લિવર, લિવર સિરોસિસ અને હેપેટાઇટિસ મટાડવા માટે એલોપથી પદ્ધતિ કઈ દવા ધરાવે છે? રામદેવે કહ્યું હતું કે જેમ તમે ટી.બી. અને શીતળા વગેરેનો કાયમી ઉકેલ શોધી કાઢ્યો છે, તેવી જ રીતે લીવરના રોગોનો પણ કાયમી ઉકેલ શોધો. એલોપેથી શરૂ થયાને ૨૦૦ વર્ષ થઈ ગયા છે.

કૃપા કરીને મને કહો કે શું ફાર્મા ઉદ્યોગ પાસે વૃદ્ધત્વની પ્રક્રિયાને ઉલટાવી શકાય તેવી કોઈ દવા છે? અથવા એવી કોઈ દવા છે જે તમામ પ્રકારના માદક દ્રવ્યોના વ્યસનમાંથી છૂટકારો મેળવવામાં મદદ કરી શકે? તેમણે એમ પણ પૂછ્યું છે કે ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કર્યા વિના કોરોનાના દર્દીમાં ઓક્સિજન વધારવાનો ઉપાય શું છે? રામદેવના આ સવાલોમાં કટાક્ષની ઝલક પણ જોવા મળે છે. તેમણે પૂછ્યું હતું કે જો એલોપેથી તમામ ગુણોથી ભરપૂર છે તો પછી એલોપેથીના ડૉક્ટરોએ બીમાર કેમ પડવું જોઈએ? તેમના  પ્રશ્નો પરથી એવું લાગે છે કે જાણે તેઓ કહેતા હોય કે તેમની પાસે દરેક રોગોનો ઈલાજ છે પણ ડોક્ટરો પાસે તે વીસ રોગોનો કોઈ ઈલાજ નથી.

બાબા રામદેવને વિવાદોમાં રહેવાની મજા  આવે  છે. વર્ષ ૨૦૦૬માં જ કમ્યુનિસ્ટ પાર્ટીનાં નેતા વૃંદા કરાતે આરોપ લગાવ્યો હતો કે બાબા રામદેવની ફાર્મસીમાં બનતી દવાઓમાં પ્રાણીઓ અને માનવ હાડકાંનો પાવડર ભેળવવામાં આવ્યો હતો. આ અંગે ઘણો વિવાદ થયો હતો. રામદેવે ઘણી વખત કહ્યું છે કે સમલૈંગિકતા એક રોગ છે અને આયુર્વેદમાં તેનો ઈલાજ છે. આ અંગે પણ ભારે હોબાળો થયો હતો. ૨૦૧૩માં રામદેવે એક રેલીમાં એવું કહીને હંગામો મચાવ્યો હતો કે ટોપી પહેરનારાઓ ભારત માતા કી જય નથી કહેતા. આ પછી તેમની ખૂબ ટીકા થઈ હતી. તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર ઘણી અંગત અને વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, જેના પછી કોંગ્રેસ શાસિત ઘણાં રાજ્યોમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા.

ભારતમાં ડોક્ટરોની સર્વોચ્ચ સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ કહ્યું છે કે ભૂતકાળમાં પણ રામદેવે સ્વાસ્થ્ય મંત્રીની હાજરીમાં ડોક્ટરોને હત્યારા કહ્યા હતા. ૨૦૦૮માં IMA એ આધુનિક દવાની પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો વિરુદ્ધ રામદેવની ટિપ્પણીની ટીકા કરી હતી. બાબા રામદેવે યોગ શિબિર દરમિયાન કહ્યું હતું કે ડોક્ટરો રોગોના પ્રચારક છે અને દર્દીઓની બીમારીઓને રોકડી કરી રહ્યા છે. બાબા રામદેવે  હવે સુપ્રીમ કોર્ટમાં માફી માગી લીધી છે, પણ તેને કારણે બાબાને પ્રસિદ્ધિમાં રહેવાની તક મળી ગઈ હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top