Sports

ભારત સામેની વન-ડે સિરિઝ પહેલાં ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી, આ સ્ટાર ખેલાડી ઈન્જર્ડ થયો

નવી દિલ્હી: વન ડે વર્લ્ડ કપ 2023 (OneDayWorldCup2023) આડે હવે વધુ સમય બાકી રહ્યો નહીં હોય ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 10 ટીમોની તૈયારી પુરજોશમાં છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાંથી (Australia) ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્ત્વનો ખેલાડી ઈન્જર્ડ થયો છે. આ ખેલાડી વર્લ્ડ કપ રમે તે અંગે શંકા સેવાઈ રહી છે.

ક્રિકેટ વન ડે વર્લ્ડકપ 2023 આગામી 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ભારતમાં રમાવાનો છે. આ મેગા ટુર્નામેન્ટ પહેલાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા (SouthAfrica) અને ભારત (India) સામે વન-ડે સિરિઝ રમવાનું છે, પરંતુ તે પહેલાં ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી પેટ કમિન્સ ઈન્જર્ડ થયો છે. પેટ કમિન્સને ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટના પહેલા દિવસે કાંડામાં ઈજા થઈ હતી. તેથી કમિન્સ વર્લ્ડકપ પહેલાં યોજાનારી દક્ષિણ આફ્રિકા અને ભારત સામેની સિરીઝમાંથી આઉટ થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તરફથી હજુ સુધી પેટ કમિન્સ અંગે સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ ઓસ્ટ્રેલિયાના લોકલ ન્યુઝ પેપરના અહેવાલ અનુસાર ઓસ્ટ્રેલિયન ટીમના મેડિકલ સ્ટાફે પેટ કમિન્સને ફ્રેક્ચર થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. જેથી ઈજા ગંભીર હોઈ શકે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં કમિન્સને ઈજા થઈ
તાજેતરમાં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના પહેલાં દિવસે પેટ કમિન્સને ડાબા કાંડામાં ઈજા થઈ હતી. ત્યાર બાદ કમિન્સ પટ્ટી બાંધીને રમ્યો હતો. બોલિંગમાં તેને કોઈ તકલીફ થઈ નહોતી, પરંતુ બેટિંગ કરતી વખતે તેને તકલીફ થઈ હતી.

પેટ કમિન્સની ગેરહાજરીમાં મિશેલ માર્શ કેપ્ટન બની શકે
ઈજાના લીધે જો પેટ કમિન્સ નહીં રમે તો દક્ષિણ આફ્રિકા અને ભારત સામેની સિરીઝમાં મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરી શકે છે. મિચેલ માર્શ અગાઉથી જ ટી-20 ટીમનો કેપ્ટન બનવાની રેસમાં સામેલ છે. એરોન ફિન્ચે ફેબ્રુઆરી 2023માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદથી ઓસ્ટ્રેલિયા ટી-20 ફોર્મેટ માટે નવા કેપ્ટનની શોધમાં છે.

વર્લ્ડકપ પહેલાં ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા અને ભારત સામે સિરિઝ રમશે
ઓક્ટોબરમાં ભારતમાં રમાનાર વર્લ્ડકપ પહેલાં ઓસ્ટ્રેલિયા બે સિરીઝ રમનાર છે. 30 ઓગસ્ટથી દક્ષિણ આફ્રિકા સામે 3 ટી-20 અને 5 વન-ડે રમશે. ત્યાર બાદ 3 મેચની વન-ડે સિરીઝ રમવા ભારત આવશે. આ બંને સિરીઝ માટે આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત થાય તેવી સંભાવના છે.

Most Popular

To Top