SURAT

સુરતનાં જ્વેલર્સે સામનો કરતા લુંટારુઓ બંદુક મૂકીને ભાગ્યા, CCTV

સુરત(Surat) : ભેસ્તાન(Bhestan) ચોકડી વરદાન જ્વેલર્સ(Jewelers)માં લૂંટનો પ્રયાસ(Attempted robbery) કરવામાં આવ્યો હતો. સાંજના સાત વાગ્યે આ લૂંટની ઘટના બની હતી, જેમાં બે બુકાનીધારીએ જ્વેલર્સના માલિકની છાતી પર રિવોલ્વર ટેકવી દીધી હતી. દરમિયાન ગભરાયેલા જ્વેલર્સ સંચાલકો ત્વરિત જ તેનો તમામ સામાન ભેગો કરી એક પોટલામાં વાળીને આપવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન બુકાનીધારોની નજર ચૂકતાં દુકાનદારે ત્વરિત જ રિવોલ્વર લઇ ઊભેલા બે બુકાનીધારીઓ પર વળતો હુમલો કર્યો હતો.

  • ભેસ્તાન ચોકડી વરદાન જ્વેલર્સમાં લુંટારુઓ ત્રાટક્યા : દુકાનદારોએ મુકાબલો કરતાં રિવોલ્વર મૂકી ભાગી ગયા
  • દુકાનદાર અને લુંટારુઓ વચ્ચે પાંચ મિનીટ સુધી ફિલ્મી ઢબે મારામારી થઈ

એકાએક થયેલા હુમલાથી બુકાનીધારી લુંટારુઓ ડઘાઇ ગયા હતા. તેઓ અને દુકાન સંચાલક વચ્ચે પાંચ મિનીટ સુધી ઝપાઝપી ચાલી હતી. દરમિયાન દુકાનદારો દ્વારા ચોર ચોરની બૂમો પાડવામાં આવતાં લોકો ભેગા થવા માંડતાં લુંટારુઓ ભાગી ગયા હતા. આ ઝપાઝપી દરમિયાન તેમની રિવોલ્વર દુકાનમાં જ પડી ગઇ હતી. રાત્રિના નવ વાગ્યે પાંડેસરા પોલીસમથકમાં આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. તેમાં સીસીટીવી ફૂટેજ પરથી લુંટારુઓના સગડ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની વાત પીઆઇ અલ્પેશ ચૌધરી દ્વારા કરવામાં આવી છે.

ભરૂચથી સુરતમાં માસીને મળવા આવેલા યુવકને ધક્કામુક્કી કરી 64 હજાર સેરવી લેવાયા
સુરત : ભરૂચથી સુરતમાં માસીને મળવા આવેલા યુવકને રિક્ષાચાલક ટોળકી ભેટી ગઇ હતી. આ ટોળકીએ યુવકને આગળ પાછળ બેસવાનુ કહી તેમજ ધક્કામુક્કી કરીને રૂા.64 હજાર સેરવી લીધાં હતાં. યુવકને રાજમાર્ગ ઉપર રિક્ષા ખરાબ છે કહીને ઉતારી દીધા બાદ રિક્ષાચાલક ટોળકી ફરાર થઇ ગઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચના આમોદ તાલુકાના આછોટ ગામે રહેતા ચાળીસ વર્ષીય મુસ્તાક ગુલામઅલી પટેલ લેડિઝ ટેલર છે. તેઓ 64 હજાર લઇને ભરૂચથી રાંદેરમાં રહેતા માસીના ઘરે આપવા માટે આવી રહ્યા હતાં. તેઓ સુરત રેલવે સ્ટેશનથી ઓટો રિક્ષામાં બેસીને રાંદેર જઇ રહ્યા હતા ત્યારે રિક્ષાચાલક ટોળકીએ મુસ્તાકભાઇની સાથે ધક્કામુક્કી કરી હતી. તેમનું ધ્યાન બીજે દોરીને તેમને આગળ પાછળ ખસવાનું કહીને તેમના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા 64 હજાર સેરવી લેવાયાં હતાં. ત્યારબાદ તેમને રાજમાર્ગની પાસે ઉતારી દઇને રિક્ષાડ્રાઇવરે કહ્યું કે, મારી રિક્ષા ખરાબ છે, તમે બીજી રિક્ષામાં જતા રહો, તમને આ રિક્ષામાં નહીં ફાવે. તેમ કહીને ડ્રાઇવર રિક્ષા હંકારી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે મુસ્તાકભાઇએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top