Columns

જાડો, પાતળો, લાંબો, ટૂંકો જેવા શબ્દો અસંસ્કારી ગણાય?

સાહિત્ય શાશ્વત છે કે કેમ એ ચોક્કસપણે કહી શકાય નહીં, તેમ એ પોતાના સમયનું પ્રતિબિંબ છે કે કેમ એ પણ કહી શકાય એમ નથી. બિલકુલ એ જ રીતે કઈ કૃતિ કે લેખક કયા કારણથી સફળ થશે કે કેમ એ બાબત પણ અનિશ્ચિત હોય છે. પોતાના સમયમાં અતિશય લોકપ્રિય બની રહેલી કૃતિનું મૂલ્યાંકન સમયાંતરે થતું રહે છે, પણ પ્રત્યેક સમયમાં તે ભાવકોને આકર્ષી ન શકે એમ બને. આનું કારણ એ કે પ્રત્યેક કૃતિ સાથે વાચકોની જે તે પેઢીનું ચોક્કસ અનુસંધાન હોય છે.

વીસમી સદીમાં થઈ ગયેલા બાળકથાઓના ખ્યાતનામ લેખક રોઆલ્ડ ડાહલ પોતાની ‘મટીલ્ડા’, ‘ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી’, ‘જેમ્સ એન્ડ‘ધ જાયન્ટએ પીચ’, ‘ફેન્ટાનસ્ટિક મિ.ફોક્સ’, ‘બીલી એન્ડ ધ મીનપીન્સલ’, ‘ધ વીચીઝ’સહિત અનેક કૃતિઓથી જાણીતા હતા. વાર્તામાં આવતાં વિવિધ પાત્રોનાં વર્ણન વિશિષ્ટ રહેતાં. 1990માં થયેલા તેમના અવસાન પછી પણ તેમનાં પુસ્તકો હજી બહોળા પ્રમાણમાં વંચાઈ રહ્યાં છે. હવે તેમનાં પુસ્તકોના પ્રકાશક ‘પફીન બુક્સ’દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ મુજબ ડાહલનાં પુસ્તકોમાં ‘કેટલાક નાના અને કાળજીપૂર્વકના’ફેરફાર કરવામાં આવ્યા છે. વંશીય ટીપ્પણી, વર્ગભેદ કે લિંગભેદનો યા અન્ય કોઈ પણ માટે અપમાનજનક હોવાનો અણસાર આપતા હોય એવા શબ્દો કે વાક્યોને બદલવામાં આવ્યાં છે. ભલે અંગ્રેજીમાં હોય, પણ આ ફેરફારના બે-ત્રણ નમૂના જાણવા જેવા છે.

‘ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી’ના એક પાત્ર ઑગસ્ટસ ગ્લૂપને વાર્તામાં ‘ફૅટ’એટલે કે ‘જાડિયો’વર્ણવાયો છે. આ શબ્દને બદલીને ‘ઈનોર્મસ’લખવામાં આવશે, જેનો અર્થ ‘પ્રચંડ’થાય છે. ‘ધ ટ્વીટ્સ’માં શ્રીમતી ટ્વીટના પાત્રને ‘અગ્લી એન્ડે બીસ્ટલી’તરીકે વર્ણવાયું છે, જેનો અર્થ થાય છે ‘કદરૂપી અને ઘૃણાસ્પદ’. ફેરફાર પછી આ પાત્ર માટેનો ‘અગ્લી’એટલે કે ‘કદરૂપી’શબ્દ કાઢી નખાયો છે અને કેવળ ’બીસ્ટલી’એટલે કે ‘ઘૃણાસ્પદ’શબ્દ જ રખાયો છે. ‘ધ વીચીઝ’માંના એક વર્ણનમાં લખાયું છે ‘ડાકણ પોતાની વીગની નીચે કેશવિહીન હોય છે.’તેને બદલીને લખાયું છે, ‘મહિલાઓ વીગ પહેરે તેનાં અનેક કારણ હોય છે અને એમાં કશું ખોટું નથી.’અમુક સ્થાને આખા ને આખા ફકરાને બદલવામાં આવ્યો છે.

આ આખી કવાયત પાછળનો હેતુ ઉમદા છે કે બાળકોમાં તમામ પ્રકારની વ્યક્તિ માટે સ્વીકૃતિ જાગે અને કશો પૂર્વગ્રહ પેદા ન થાય. ઉમદા હેતુ હોવા છતાં સરવાળે આખી કવાયત હાસ્યાસ્પદ જણાય છે. સાહિત્યકૃતિઓમાં આવતું વર્ણન તેનો પ્રાણ અને લેખકની ઓળખ હોય છે. લેખક પોતાના ચોક્કસ વિચારને આધારે કૃતિની રચના કરતો હોય છે. શબ્દોની પસંદગી પાછળ તેનો યોગ્ય તર્ક અને સમજણ હોય છે. ખાસ કરીને વાર્તાઓમાં અને એમાંય બાળવાર્તાઓમાં વિવિધ પાત્રની પ્રકૃતિની રંગછટાઓ કૃતિને અનોખું પરિમાણ બક્ષે છે. તેનું આ રીતે ‘શુદ્ધિકરણ’કરવાથી ખરેખર અર્થ સરે ખરો?
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, બુકર પારિતોષિક વિજેતા સાહિત્યકાર સલમાન રશદી સહિત ડાહલની કૃતિઓના અનેક ચાહકોએ પ્રકાશકની આ ચેષ્ટા સામે નારાજગી દર્શાવી છે. આ વિવાદને પગલે પ્રકાશકે ‘સુધારેલી’ આવૃત્તિની સાથોસાથ અસલ આવૃત્તિ પણ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે.

સાહિત્યકૃતિઓમાં એક યા બીજાં કારણોસર કરવામાં આવતી છેડછાડ આજકાલની નથી. એ પણ એક જૂની અને પ્રસ્થાપિત પરંપરા છે. ઓગણીસમી સદીના આરંભિક કાળે એક ફીઝીશિયન થોમસ બોદલેર દ્વારા શેક્સપિયરનાં નાટકોનું ‘ધ ફેમીલી શેક્સપિયર’ના નામે પુનર્લેખન કરવામાં આવ્યું હતું. પોતાના પરિવારજનો માણી શકે એ હેતુથી કરાયેલા આ પુનર્લેખનમાં બોદલેરને જે બાબત ‘યોગ્ય’ન જણાઈ એ તેમણે કાઢી નાંખી.

આ કૃત્યને પગલે કૃતિમાંથી ‘અયોગ્ય’કે ‘અપમાનજનક’ બાબતને દૂર કરવાની ચેષ્ટાને ‘બોદલેરીઝમ’નામ મળ્યું. ચાર્લ્સ ડિકન્સનની અનેક કૃતિઓમાં ચિત્રો દોરનાર જ્યોર્જ ક્રકશેન્કષ ડિકન્સબના મિત્ર હતા. પણ અનેક પરીકથાઓનું તેમણે પુનર્કથન કરેલું, જેમાં મુખ્યત્વે મદ્યનિષેધનો સંદેશ હતો. તેમની આ ચેષ્ટા બદલ ડિકન્સા બરાબર અકળાયેલા અને તેમણે ‘ફ્રોડ્સ ઑન ધ ફેરી’(પરીકથાઓનો પ્રપંચ) શીર્ષકથી નિબંધ લખેલો.
આપણી ભાષામાં પણ ગિજુભાઈની બાળવાર્તાઓમાં જાતિવિષયક ઉલ્લેખો પ્રચુર માત્રામાં છે, જે એ સમયનું પ્રતિબિંબ છે.

આ સંદર્ભોનું કેવળ પુનર્મૂલ્યાંકન કરતાં પણ વિવાદ થયો હતો અને આ ચેષ્ટા સામે જ ઘણાને વાંધો પડ્યો હતો. હરિપ્રસાદ વ્યાસના અમર પાત્ર બકોર પટેલની વાર્તાઓમાં જાણીતા હાસ્યવિદ્‍ રતિલાલ બોરીસાગરે નવી પેઢીને સમજાય એ રીતે અમુક સંદર્ભ સાંપ્રત સમય અનુસાર બદલ્યા છે. સામાન્યત: જોઈ શકાય છે એમ ફેરફાર કરનારનો હેતુ મોટે ભાગે ‘ઉમદા’હોય છે. કૃતિનું માધ્યમાંતર થાય ત્યારે જે તે માધ્યમની વિશેષતાને અનુરૂપ તેમાં કરાતા ફેરફાર અલગ બાબત છે, પણ એના એ જ સ્વરૂપમાં સમયાંતરે ફેરફાર કરવા વાજબી ગણાય કે કેમ એ કાયમ ચર્ચાનો વિષય રહેવાનો. બાળસાહિત્યકારોની કૃતિઓ સાથે તેના વાચકો તાદાત્મ્ય સાધી ન શકે તો લોકપ્રિયતામાં એ ટકી ન શકે.

બાળકો કેવળ વાચનમાંથી જ નહીં, પોતાની આસપાસના વાતાવરણમાંથી ઘણું બધું ગ્રહણ કરતાં રહેતાં હોય છે. તેમને ‘સંસ્કારી’ બનાવવાની ‘સાત્ત્વિક લ્હાય’માં તેમની નૈસર્ગિકતાનો ભોગ ન લેવાઈ જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. બાળકો માટેની કૃતિઓમાં નિર્ભેળ મનોરંજનની સાથોસાથ સંસ્કારઘડતર માટેનો સંદેશ વણી લેવાની અને પોતાની જાતને ‘ઉપદેશક’ની ભૂમિકામાં મૂકવાની લાલચ ખાળવી અઘરી હોય છે. કોઈ લોકપ્રિય કૃતિમાં આ હેતુસર કરાયેલા ફેરફાર સરવાળે એ કૃતિના સત્ત્વને હણી નાખે છે, ઉપરાંત એ હાસ્યાસ્પદ પણ સાબિત થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top